5 FIR, 70ની અટકાયત, દિલ્હી પોલીસના 118 જવાનો ઘાયલ: સંસદ કૂચના નામે ઉત્પાત મચાવનારા કોકરોચો સામે કાર્યવાહી શરૂ

દિલ્હીના જંતર-મંતર પર પાછલા કેટલાક દિવસોથી ક્રોકરોચ જનતા પાર્ટીનું (CJP) પ્રદર્શન ચાલી રહ્યું છે, પરંતુ હવે ત્યાં મામલો અત્યંત ગંભીર અને તંગ બની ગયો છે. સોમવારે આ પ્રદર્શનકારીઓએ સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં સ્થિતિ હાથ બહાર નીકળી ગઈ હતી. હિંસક બનેલા ટોળાંને વિખેરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે દિલ્હી પોલીસે આખરે ટીયર ગેસના શેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક પથ્થરમારો થતાં આખો વિસ્તાર રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળો પર પથ્થરો અને અન્ય ઘાતક વસ્તુઓથી હુમલો કર્યો હતો. આ હિંસામાં 118થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉશ્કેરાયેલાં ટોળાંએ કાયદો હાથમાં લઈને 15થી 20 સરકારી વાહનો અને જાહેર મિલકતોમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

5 FIR નોંધી કરી 70ની અટકાયત

પથ્થરમારા અને તોડફોડની આ ઘટના બાદ દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરતાં આશરે 70 જેટલા ઉપદ્રવીઓની અટકાયત કરી લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ શાંતિનો ભંગ કરવા, પથ્થરમારો કરવા, સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ ‘ભારતીય ન્યાય સંહિતા’ની વિવિધ ગંભીર કલમો હેઠળ 5 FIR નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન, પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનોમાં કુલ 5 FIR નોંધાઈ છે.

આ ભારે વિવાદ અને કાનૂની કાર્યવાહી બાદ પ્રદર્શનકારીઓના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, સોનમ વાંગચુકની મુક્તિ અને NEET પીડિતો માટે વળતરની માગણીઓ રજૂ કરી હતી. જોકે, આ મુલાકાત બાદ પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો નહોતો અને પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે તેમને મંત્રી તરફથી કોઈ સ્પષ્ટ આશ્વાસન મળ્યું નથી.

બીજી તરફ હાલમાં હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે, જ્યારે દિલ્હી પોલીસે સમગ્ર ન્યૂ દિલ્હી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અફવાઓ પર ધ્યાન ન આપવું અને કાયદો-વ્યવસ્થા હાથમાં લેનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. નોંધનીય છે કે આ હોબાળા દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતાઓ પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.