
ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાને (Azam Khan) ઊભી કરેલી મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીને (Jauhar University) નોટિસ ફટકારવામાં આવી છે. રામપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ (RDA) એક આદેશ જારી કરીને કેમ્પસની 40માંથી 38 ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ ઇમારતો કોઈપણ કાયદેસરની મંજૂરી વગર જ બનાવી દેવાઈ હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આઝમ ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી આ યુનિવર્સિટીમાં ઘણા નિયમોનું ઉલ્લંઘન થયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, 82,309 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ 38 ઇમારતો માટે કોઈ સક્ષમ પ્રાધિકરણની પરવાનગી લેવામાં આવી નહોતી. આટલું જ નહીં, આ બાંધકામ એવા જમીન વિસ્તાર પર કરવામાં આવ્યું છે જ્યાં નિયમ મુજબ શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ થઈ જ ન શકે. આ દર્શાવે છે કે તત્કાલીન સપા સરકારના સમયમાં કેવી રીતે મનસ્વી રીતે સરકારી નિયમો નેવે મૂકાયા હતા.
પોતાનો બચાવ કરવા માટે યુનિવર્સિટી પ્રશાસને એવી દલીલ કરી હતી કે જ્યારે બાંધકામ થયું ત્યારે આ વિસ્તાર રામપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના (RDA) અધિકારક્ષેત્રમાં નહોતો. જોકે ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે તે સમયે પણ જિલ્લા પંચાયત એક્ટ હેઠળ મંજૂરી લેવી ફરજિયાત હતી. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે યુનિવર્સિટીએ મેડિકલ કોલેજ અને એક બ્લોક માટે જિલ્લા પંચાયતની મંજૂરી લીધી હતી, જે સાબિત કરે છે કે તેઓ નિયમો જાણતા હતા. છતાં બાકીની 38 ઇમારતો જાણીજોઈને ગેરકાયદેસર રીતે તાણી બાંધવામાં આવી હતી.
આ યુનિવર્સિટી જે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેના ચાન્સેલર અને લાઈફટાઇમ પ્રેસિડેન્ટ આઝમ ખાન હતા પણ આ વર્ષની શરૂઆતમાં પરિવારે યુનિવર્સિટી ટ્રસ્ટમાંથી પીછેહઠ કરી લીધી હતી. અનેક કેસોમાં સપડાયેલા આઝમ ખાન હાલ જેલમાં બંધ છે.
ડિમોલિશન માટે 15 દિવસનું અલ્ટીમેટમ
રામપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ અજય કુમાર દ્વિવેદીએ ઉત્તર પ્રદેશ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 1973 હેઠળ આ આદેશ આપ્યો છે. ઓથોરિટીએ યુનિવર્સિટીને આ ગેરકાયદેસર માળખું જાતે જ હટાવવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. જો નિયત સમયમાં આ બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો વહીવટીતંત્રનું બુલડોઝર આ ગેરકાયદેસર ઇમારતોને જમીનદોસ્ત કરી દેશે. આ કાર્યવાહી માટે જે ખર્ચ થાય તે પણ યુનિવર્સિટી પાસેથી જ વસૂલ કરવામાં આવશે તેમ જણાવવામાં આવું છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કાયદા મુજબ આ બાંધકામને કોઈ પણ સંજોગોમાં રેગ્યુલરાઈઝ કરી શકાય તેમ નથી.
આ કાયદેસરની કાર્યવાહી સામે હંમેશ મુજબ સમાજવાદી પાર્ટીએ વિકટીમ કાર્ડ રમવાનું શરૂ કરી દીધું છે. સપાના પ્રવક્તાઓએ આ કાયદાકીય એક્શનને ‘પૂર્વાગ્રહયુક્ત’ અને ‘અન્યાયી’ ગણાવીને આઝમ ખાનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ રામપુર વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે કેમ્પસમાં જ વિશેષ કાઉન્સેલિંગ કેમ્પ શરૂ કરવામાં આવશે જેથી તેમને યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી રહે.
નોંધનીય છે કે આ કોઈ પહેલીવાર નથી જ્યારે જૌહર યુનિવર્સિટી વિવાદોમાં આવી હોય. આઝમ ખાનના આ વિવાદિત પ્રોજેક્ટ પર અગાઉ પણ ગરીબ ખેડૂતોની જમીનો પચાવી પાડવાના, સરકારી જમીનો પર અતિક્રમણ કરવાના અને લીઝના નિયમોનો ભંગ કરવાના ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. આ ગુનાહિત ઈતિહાસને કારણે જ અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે આ યુનિવર્સિટીની જમીનો પરત હસ્તગત કરી લીધી હતી.

