
ગુજરાત વિધાનસભાએ ગત બજેટ સત્રમાં પસાર કરેલા અશાંતધારા અધિનિયમના સુધારાને સરકારે સત્તાવાર રીતે અધિસૂચિત કર્યા છે. તાજેતરમાં એક ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને કાયદો નોટિફાય કરવામાં આવ્યો.
હવે આ અધિનિયમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હોય તેવા વિસ્તારોને ‘અશાંત’ નહીં પરંતુ ‘નિર્દેશિત’ વિસ્તારો કહેવામાં આવશે. ઉપરાંત નવી બનાવવામાં આવેલી દેખરેખ અને સલાહકાર સમિતિ દ્વારા આ વિસ્તારો નક્કી કરવામાં આવશે. આ સમિતિમાં રાજ્ય સરકારના અધિકારીઓ, કલેક્ટર, પોલીસ અને અન્ય વિભાગોનો સમાવેશ થશે.
આ સમિતિ એ નક્કી કરશે કે જે-તે વિસ્તાર સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ છે કે કેમ કે પછી ત્યાં ભવિષ્યમાં સાંપ્રદાયિક તણાવ સર્જાવાની સ્થિતિ છે કે કેમ. તેની ભલામણના આધારે સરકાર અમુક ચોક્કસ વિસ્તારને ‘નિર્દેશિત વિસ્તાર’ જાહેર કરી શકશે.
સરકારે ‘એગ્રીવ્ડ પર્સન’ની વ્યાખ્યા પણ વિસ્તારી છે. સામાન્ય રીતે ‘નારાજ વ્યક્તિ’ સંદર્ભે કાયદાની ભાષામાં થોડો અર્થ અલગ છે. અહીં નારાજ વ્યક્તિ એટલે વાંધો ઉઠાવનાર વ્યક્તિ કે ફરિયાદ કરનાર વ્યક્તિ. પહેલાં મુખ્ય અધિનિયમમાં ‘નારાજ વ્યક્તિ’ની વ્યાખ્યા માત્ર વેચનાર (ટ્રાન્સફરર) અને ખરીદનાર (ટ્રાન્સફરી) સુધી મર્યાદિત હતી. હવે નવા બિલ હેઠળ વ્યાખ્યા તે સમગ્ર વિસ્તારને આવરી લે છે. હવે ‘નારાજ વ્યક્તિ’માં વિસ્તારમાં રહેતી કોઈપણ વ્યક્તિ સામેલ થશે. એટલે વિસ્તારમાં રહેતી કોઈપણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકે કે ફરિયાદ કરી શકશે.
પહેલાં કલેક્ટરને માત્ર અરજીના આધારે જ નિર્ણય લેવાની સત્તા હતી. હવે બિલમાં સુઓમોટો (પોતાની મરજીથી) અથવા વાંધો ઉઠાવનારની અરજીના આધારે મિલકત કસ્ટડીમાં લેવાની સત્તા આપવામાં આવી છે. જો વેચનાર મિલકતનો કબ્જો ન લઈ શકે અથવા ગેરકાયદેસર કબ્જો થવાની શક્યતા હોય તો કલેક્ટર તરત જ મિલકતને પોતાની કસ્ટડીમાં લઈ શકશે. તે સિવાય કલેકટરની જવાબદારી પણ વધી જશે. હવે તેમણે પક્ષકારોની ઊંડાણપૂર્વક તપાસ પણ કરવી પડશે અને તેમની ‘મુક્ત સંમતિ’ની પણ તપાસ કરવાની રહેશે.
એક્ટમાં વિશેષ તપાસ ટીમની (SIT) જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે. આ ટીમ કલેક્ટર અને દેખરેખ સમિતિને મદદ કરશે અને વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ અને અનૈચ્છિક વિસ્થાપનની સંભાવનાની તપાસ કરશે. ટીમના રિપોર્ટના આધારે જ કલેક્ટર નિર્ણય લઈ શકશે. આ જોગવાઈ પહેલાં નહોતી અને હવે તેને ઉમેરવામાં આવી છે.

