
પહલગામ આતંકી હુમલા કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને (NIA) મોટી સફળતા મળી છે. જમ્મુ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને પ્રતિબંધિત આતંકવાદી હાફિઝ મોહમ્મદ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે. અદાલતે નોંધ્યું છે કે હાફિઝ સઈદ જાણીજોઈને તપાસ અને ધરપકડથી બચી રહ્યો છે, જેના કારણે તેની ધરપકડ અને કસ્ટોડિયલ પૂછપરછ નિષ્પક્ષ તથા અસરકારક તપાસ માટે જરૂરી છે.
NIA દ્વારા BNSSની કલમ 75 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સ્પેશિયલ જજ પ્રેમ સાગરે આ આદેશ આપ્યો હતો. આ અરજી પહલગામ આતંકી હુમલા કેસમાં (RC-02/2025/NIA/JMU) દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટના આધારે કરવામાં આવી હતી. કોર્ટના આદેશમાં હાફિઝ સઈદને પાકિસ્તાનના સરગોધા જિલ્લાના રહેવાસી અને UAPA હેઠળ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક તરીકે વર્ણવવામાં આવ્યો છે.
NIA Court issues a non-bailable warrant against the absconding accused, Pakistan-based Lashkar-e-Taiba (LeT) chief, Hafiz Muhammad Saeed, in the Pahalgam terror attack case. pic.twitter.com/sU0DpeZBnP
— ANI (@ANI) July 14, 2026
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે હાફિઝ સઈદ પાકિસ્તાનમાં રહીને કાયદાની કાર્યવાહીથી બચી રહ્યો છે. NIAએ પણ દલીલ કરી હતી કે કેસની સંપૂર્ણ અને અસરકારક તપાસ માટે આરોપીની ધરપકડ અને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. આ દલીલો સ્વીકારીને કોર્ટે હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યો છે અને તેના અમલ માટે આદેશ NIAના ડીઆઈજી, જમ્મુને મોકલી આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે NIAએ તાજેતરમાં પહલગામ આતંકી હુમલા કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં હાફિઝ સઈદને હુમલાના મુખ્ય ષડ્યંત્રકારોમાં સામેલ કરવામાં આવ્યો છે. તપાસ મુજબ પાકિસ્તાનમાંથી કાર્યરત લશ્કર-એ-તૈયબા દ્વારા આ હુમલાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. હવે કોર્ટ દ્વારા જારી કરાયેલા બિનજામીનપાત્ર વોરંટ બાદ NIA આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે અને તપાસને વધુ વેગ મળશે.

