
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઈરાની ક્રૂઝ મિસાઈલ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું કરુણ મોત થયું છે અન્ય છ ભારતીયો ઘાયલ થવાની ઘટના સામે આવી છે. આ હુમલો સંયુક્ત આરબ અમીરાતનાં બે ઓઈલ ટેન્કરો પર થયો હતો. આ હુમલાના કારણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ વકર્યો છે.
UAEના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયા મુજબ 13 જુલાઈ 2026ના રોજ ઓમાનની પ્રાદેશિક જળસીમામાં દક્ષિણી શિપિંગ લેનમાંથી પસાર થઈ રહેલાં ‘મોમ્બાસા’ અને ‘અલ બાહિયા’ નામનાં બે ટેન્કરો પર ઈરાને મિસાઈલ પ્રહાર કર્યા હતા. આ હુમલો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર કરવામાં આવ્યો હતો.
હુમલાનો ભોગ બનેલા ‘મોમ્બાસા’ ટેન્કર પર સવાર એક ભારતીય નાગરિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સિવાય અન્ય આઠ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાં છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકો સામેલ છે. ઘાયલો પૈકી ચાર નાવિકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે.
تعلن وزارة الدفاع عن تعرض الناقلتين الوطنيتين (ممباسا) و (الباهية) للاستهداف بصاروخين جوالين إيرانيين في الممر الجنوبي لمضيق هرمز بالمياه الإقليمية العمانية.
— وزارة الدفاع |MOD UAE (@modgovae) July 13, 2026
وقد أسفر الاستهداف عن مقتل أحد أفراد طاقم الناقلة (ممباسا) من الجنسية الهندية، وإصابة 8 من بينهم 4 إصابات بليغة. (6 من… pic.twitter.com/KVz3qDu6kf
ઈરાનની દલીલ
ઈરાને પોતાનો બચાવ કરતા દાવો કર્યો છે કે આ જહાજો તેમની ચેતવણીઓની અવગણના કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતાં. બીજી તરફ યુએઈએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું સરેઆમ ઉલ્લંઘન ગણાવી સખત શબ્દોમાં વખોડ્યો છે અને વળતો જવાબ આપવાનો પોતાનો અધિકાર અનામત રાખ્યો છે.
નોંધનીય છે કે આ મિસાઈલ હુમલો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનું પરિણામ છે. તાજેતરમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ફરીથી નાકાબંધી લાદવાની જાહેરાત કરી હતી, જેનાં જવાબી પગલાંરૂપે ઈરાને આ આક્રમક હુમલા કર્યા હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પે એવો વિવાદાસ્પદ પ્રસ્તાવ પણ મૂક્યો છે કે આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજોની સુરક્ષાના બદલામાં અમેરિકા હવે પ્રોટેક્શન ફી વસૂલશે. આ પ્રસ્તાવ વર્ષો જૂની વૈશ્વિક ફ્રીડમ ઑફ નેવિગેશનની આંતરરાષ્ટ્રીય નીતિની તદ્દન વિરુદ્ધ છે. પરિણામે આ યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે.

