‘ભારતે અમેરિકાની ટ્રેડ ડીલ ફગાવી’: રોયટર્સે ફેલાવ્યા ફેક ન્યુઝ, પીયૂષ ગોયલે કરી નાખ્યું ફેક્ટચેક, કહ્યું- સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલની વાટાઘાટોને લઈને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સે ફેક ન્યુઝ ફેલાવ્યા હતા. તેના એક અહેવાલને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જાહેરમાં ફગાવી દીધો છે. રોયટર્સે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકા સાથે ઝડપથી અંતરિમ વેપાર કરાર (Interim Trade Deal) કરવાની ના પાડી છે અને વધુ સારા સોદાની રાહ જોઈ રહ્યું છે. જોકે, પીયૂષ ગોયલે આ અહેવાલને ‘સંપૂર્ણપણે ખોટો, પાયાવિહોણો અને ભ્રામક’ ગણાવ્યો છે.

પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક છે.” તેમણે જણાવ્યું કે જૂનમાં અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમિસન ગ્રીર ભારત આવ્યા હતા ત્યારે તેમની સાથે ખૂબ સારી બેઠક થઈ હતી. બંને દેશોએ સંતુલિત, વ્યાપારી રીતે અર્થપૂર્ણ અને બંને દેશોના વેપારીઓ, ખેડૂતો, શ્રમિકો તથા ગ્રાહકોને લાભ પહોંચાડે તેવા કરાર માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારત અને અમેરિકાની ટીમો હજુ પણ આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટ્રેડ ડીલ અંગેની વાટાઘાટો અટકી ગઈ હોવાના અથવા ભારતે કરાર ફગાવી દીધા હોવાના દાવાઓ બિલકુલ ખોટા છે.

ઉલ્લેખનીય છે કે રોયટર્સે પોતાના અહેવાલમાં કેટલાક અજ્ઞાત ભારતીય અને અમેરિકી અધિકારીઓ તેમજ વિશ્લેષકોને ટાંકીને દાવો કર્યો હતો કે ભારતે તાજેતરની વાટાઘાટોમાં ઝડપી ટ્રેડ ડીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતે અમેરિકા પાસેથી ચીન જેવા અન્ય દેશોની સરખામણીએ વધુ અનુકૂળ ટેરિફ અને ભવિષ્યમાં નવા ટેરિફ નહીં લાદવાની ખાતરી માગી હતી, જેના કારણે અંતરિમ કરાર થઈ શક્યો નહોતો.

રોયટર્સના અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારને વધતા નિકાસ, અન્ય દેશો સાથેના નવા વેપાર કરારો, તેલના ઘટતા ભાવ અને મજબૂત આર્થિક સ્થિતિના કારણે અમેરિકા સાથે ઉતાવળમાં કરાર કરવાની જરૂરિયાત અનુભવાતી નથી. જોકે, આ સમગ્ર અહેવાલને પીયૂષ ગોયલે જાહેરમાં નકારી કાઢતાં તેને ફેક, પાયાવિહોણો અને ભ્રામક ગણાવ્યો છે.

ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં દ્વિપક્ષીય વેપાર કરારને લઈને વાટાઘાટો ચાલુ છે. બંને દેશો લાંબાગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. પીયૂષ ગોયલના નિવેદન બાદ સ્પષ્ટ થયું છે કે ભારત સરકારના જણાવ્યા અનુસાર વાટાઘાટો યથાવત ચાલુ છે અને રોયટર્સના અહેવાલમાં કરાયેલા દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે.