અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓએ અત્યંત શ્રદ્ધાથી ચઢાવેલા દાનની ચોરીનો મામલો સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે 13 જૂન 2026ના રોજ વિશેષ તપાસ ટીમની (SIT) રચના કરી હતી. SITએ આખા મામલાની તપાસ કર્યા બાદ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો હતો. SITએ સરકારને સુપરત કરેલા આ અહેવાલની નકલ ઑપઇન્ડિયા પાસે પણ ઉપલબ્ધ છે.
SITના અધ્યક્ષ લખનૌ મંડળના (IAS) કમિશનર વિજય વિશ્વાસ પંત હતા. તેમની સાથે પોલીસ સ્તરે તપાસની મુખ્ય જવાબદારી આઈજી રેન્જ કિરન એસને આપવામાં આવી હતી, જેઓ આ મામલાના ગુનાહિત પાસાંઓ તેમજ સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓની પણ તપાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત નાણા વિભાગના વિશેષ સચિવ નીલ રતનને દાનની રકમ, ઑડિટ અને તમામ નાણાકીય પ્રક્રિયાઓની ટેકનિકલ તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ વિશેષ અહેવાલમાં મંદિરના ચઢાવાની ચોરીથી લઈને સુરક્ષા વ્યવસ્થામાં થયેલી મોટી માનવીય અને વહીવટી બેદરકારીઓનો વિગતવાર ચિતાર આપવામાં આવ્યો છે.
આ રીતે શરૂ થઈ હતી SITની તપાસ
આ આખા મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર મંદિરમાં દાનની ચોરી થતી હોવાના સમાચારો વહેતા થયા. આ સમાચારોને કારણે સામાન્ય જનતાના મનમાં મંદિરના મેનેજમેન્ટને લઈને સવાલો ઊભા થવા લાગ્યા હતા. લોકોની આસ્થા અને લાગણીઓને ધ્યાનમાં રાખીને ‘શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા 12 જૂન 2026ના રોજ સરકારને એક પત્ર મોકલવામાં આવ્યો.

આ પત્રમાં ટ્રસ્ટે લોકોની ભાવનાઓનું સન્માન કરવા અને આખી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે SIT રચવાની માંગ કરી. ટ્રસ્ટના આ પત્ર બાદ ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે તરત જ SITની રચના કરી દીધી. આ ટીમે પોતાની શરૂઆતની તપાસમાં જ શોધી કાઢ્યું કે ચઢાવાના પૈસા ગણતી વખતે ત્યાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ પૈસાની ચોરી કરતા હતા.
સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓનું સત્ય આવ્યું સામે
પોતાની તપાસ દરમિયાન SITએ સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમો પર ચાલી રહેલા એવા અહેવાલોની પણ બારીકાઈથી નોંધ લીધી જેમાં કરોડો રૂપિયાના ચઢાવા અને કીમતી વસ્તુઓ ગાયબ થવાના સીધા આક્ષેપો ટ્રસ્ટ પર લગાવવામાં આવી રહ્યા હતા.
આમાં મુખ્યત્વે ત્રણ મોટા સમાચારો હતા. જેમાં પ્રથમ સમાચાર એવા હતા કે ‘ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન’ના ઉત્તર ભારતના વડા અનુરાગ રસ્તોગી અને સરાફા એસોસિએશન દ્વારા 38 કિલો અને 22 કિલોથી વધુ વજનની ચાંદીની ઈંટો દાનમાં આપવામાં આવી હતી, જે ગાયબ છે.
બીજા સમાચાર: ‘વિશ્વ સિંધી સેવા સમાજ’ના પ્રમુખ રાજુ મંડવાનીએ દાવો કર્યો હતો કે તેમણે 200 કિલો ચાંદીની ઈંટો ભેટમાં આપી હતી પણ તેમને તેની કોઈ રસીદ આપવામાં નહોતી આવી. ત્રીજા સમાચાર એવા હતા કે મુંબઈના ઉદ્યોગપતિ અનિલ વિશ્વકર્માએ આપેલ ચાંદીના હાર અને ચરણ પાદુકાઓ ગાયબ છે.
SITના અહેવાલ મુજબ, જ્યારે ટ્રસ્ટના ચોપડા અને રેકોર્ડની સરખામણી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સરાફા અને સંગઠનોએ આપેલી ચાંદીને નક્કી કરેલી પ્રક્રિયા મુજબ ઓગાળીને બેંક લોકરમાં સુરક્ષિત રાખવામાં આવી છે. ઉપરાંત સિંધી સમાજ અને મુંબઈના ઉદ્યોગપતિનો તમામ સામાન પણ ટ્રસ્ટની સુરક્ષિત કસ્ટડીમાં મળી આવ્યો હતો. આ રીતે સોશિયલ મીડિયા પર કીમતી ચીજો વિશે ટ્રસ્ટ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે. જોકે SIT એ એ વાત પર ચોક્કસ ભાર મૂક્યો છે કે ભવિષ્યમાં આવી અફવાઓથી બચવા માટે મેનેજમેન્ટ સિસ્ટમને વધુ મજબૂત અને જવાબદાર બનાવવાની સખત જરૂર છે.
CCTV ફૂટેજે ખોલ્યું ચોરીનું રહસ્ય
આ ગેરરીતિનો સૌથી મોટો અને પાકો પુરાવો મંદિર પરિસરની અંદર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાથી મળ્યો છે. જોકે SITને માત્ર 27 એપ્રિલ 2026થી લઈને 5 જૂન 2026 સુધીના જ ફૂટેજ મળી શક્યા કારણ કે કેમેરામાં ડેટા સ્ટોર કરવાની ક્ષમતા મર્યાદિત હોવાને લીધે જૂના ફૂટેજ આપમેળે ડિલીટ થઈ ગયા હતા. પરંતુ જેટલા પણ દિવસોનું રેકોર્ડિંગ ઉપલબ્ધ હતું તેનાથી ચોરીની વાત જગજાહેર થઈ ગઈ. આટલા ટૂંકા ગાળામાં જ CCTV કેમેરામાં ચોરીની કુલ 70 ઘટનાઓ સ્પષ્ટપણે રેકોર્ડ થયેલી જોવા મળી.
વિડીયો ફૂટેજમાં સામે આવ્યું કે પૈસા ગણનાર કેટલાક ચોક્કસ કર્મચારીઓ નોટોનાં બંડલ અને છૂટી નોટોને ચૂપચાપ પોતાનાં કપડાં, ખિસ્સા અને બૂટની અંદર છુપાવી રહ્યા હતા. જ્યારે બીજા કેટલાક કર્મચારીઓ તેમને આ કામમાં મદદ કરી રહ્યા હતા. પકડાયેલા કર્મચારીઓનાં નિવેદનો અને તેમનાં બેન્ક ટ્રાન્ઝેક્શન પરથી એ પણ સ્પષ્ટ ખબર પડે છે કે આ ચોરી 27 એપ્રિલ પહેલાંથી, ઘણા લાંબા સમયથી સતત ચાલી રહી હતી.
નક્કી કરેલા સુરક્ષા નિયમોના ધજાગરા
SITએ પોતાના અહેવાલમાં સ્પષ્ટ કર્યું છે કે આ ગુનો માત્ર કોઈ સામાન્ય ભૂલ સમાન નહોતો પરંતુ સુરક્ષા નિયમોની જાણીજોઈને કરવામાં આવેલી ઘોર બેદરકારીનું પરિણામ હતો. દાનના યોગ્ય સંચાલન માટે ટ્રસ્ટ અને સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા વચ્ચે પ્રોટોકોલ મુજબ એક સમજૂતી કરાર (MoU) અને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી હતી.
આ SOP હેઠળ પૈસા ગણતા કર્મચારીઓ માટે ખિસ્સા વગરનાં ખાસ કપડાં પહેરવાં, બાયોમેટ્રિક હાજરી પૂરવી, મોબાઈલ ફોન અને પોતાનો અંગત સામાન રૂમની બહાર રાખવો, દાનપેટીઓ અલગ-અલગ ગણવી અને રૂમમાં આવતી-જતી વખતે સુરક્ષાકર્મીઓ દ્વારા કડક તપાસ કરાવવી ફરજિયાત હતી. પરંતુ આ નિયમોનું બિલકુલ પાલન કરવામાં નહોતું આવ્યું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે 6 ફેબ્રુઆરી 2026ના રોજ બનેલી નવી SOPમાં રોજબરોજ થતી કડક તપાસના નિયમને હળવો કરી દેવામાં આવ્યો અને તેની જગ્યાએ માત્ર ‘નિયમિત અથવા રેન્ડમ’ તપાસ કરવાનો નિયમ ઉમેરી દેવાયો.
આ સિવાય વર્ષ 2022થી 2026 સુધીના ઇન્ટરનલ ઑડિટ રિપોર્ટ્સમાં પણ વારંવાર આ ખામીઓ સામે લાવવામાં આવી હતી અને 180 દિવસ સુધીનું CCTV બેકઅપ રાખવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટના હોદ્દેદારોએ આ ચેતવણીઓને સંપૂર્ણપણે અવગણી દીધી હતી.
આટલી વિગતો પરથી ટ્રસ્ટના માણસો પર પણ સવાલો ઉઠે એ સ્વાભાવિક છે. કારણ કે અયોધ્યાના રામ મંદિર જેવા સ્થળે, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય અને દાન ચડાવતા હોય, ત્યાં ગણતરી માટે કડક સુરક્ષા નિયમો હોવા જોઈએ એ કોઈ નવી કે અલગથી જણાવવાની વાત નથી. છતાં નિયમોનું પાલન ન થયું અને જ્યારે ખામીઓ સામે લવાઈ ત્યારે તેને અવગણી દેવાઈ. પરિણામ જે આવ્યું એ આપણી સામે છે!
આરોપીઓની નિમણૂક અને બેંક ખાતાંનો ચોંકાવનારો ખેલ
SITની તપાસમાં મુખ્યત્વે છ કર્મચારીઓ આ ચોરીમાં સીધી રીતે સામેલ હોવાનું બહાર આવ્યું છે. જેમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રમાશંકર મિશ્રાનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને એક પ્રાઈવેટ એજન્સીએ બેન્ક વતી આ કામ પર રાખ્યા હતા, પરંતુ તેમની નિમણૂક ખુદ ટ્રસ્ટના જ કેટલાક હોદ્દેદારોની ભલામણ પર કરવામાં આવી હતી.
ઉદાહરણ તરીકે, આરોપી મનીષ કુમાર યાદવની નોકરી તેના તાઉ રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુની ભલામણ પર લાગી હતી. આ રામશંકર યાદવ કોઈ પણ સત્તાવાર આદેશ કે અધિકાર વગર પોતાની મરજીથી મંદિરની મુખ્ય દાનપેટીઓની ચાવીઓ પોતાની પાસે રાખતો હતો.

નવાઈની વાત એ છે કે આ કર્મચારીઓનો તમામ કપાત બાદ મહિનાનો પગાર માત્ર 15 હજાર રૂપિયાની આસપાસ જ હતો. પરંતુ જ્યારે પોલીસ અને SITએ તપાસ કરી ત્યારે આ કર્મચારીઓ અને તેમના સગા-સંબંધીઓનાં બેન્ક ખાતાંમાંથી મોટી માત્રામાં રોકડા રૂપિયા અને મોટી રકમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) મળી આવી છે.
એટલું જ નહીં, આ કેસમાં SITની રચના થઈ તે પહેલાં જ ટ્રસ્ટે પોતે આ શંકાસ્પદ કર્મચારીઓ પાસેથી આશરે ₹78.94 લાખની રોકડ, વિદેશી કરન્સી અને દાગીના જપ્ત કરી લીધા હતા. આ સિવાય 4 જૂનના રોજ પૈસા ગણવાના રૂમની નજીક આવેલા બાથરૂમમાંથી પણ સવા બે લાખ રૂપિયા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે પકડાઈ જવાના ડરથી પૈસા ત્યાં છુપાવવામાં આવ્યા હતા.
બેદરકારી દાખવનાર અધિકારીઓ અને ચોરો સામે નોંધાશે FIR
આ સમગ્ર પ્રાથમિક તપાસના આધારે SITએ દોષિત કર્મચારીઓની સાથે-સાથે પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે ન નિભાવનારા અધિકારીઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 6 આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવની ભલામણ કરવામાં આવી હતી.
આ સાથે જ નાણાં ગણવાના રૂમના પ્રભારી સુભાષ શ્રીવાસ્તવ, જેમણે આ આખી નબળી અને બિનસત્તાવાર વ્યવસ્થાને ચૂપચાપ ચાલવા દીધી અને કર્મચારીઓની નિયમિત તપાસ ન થવા દીધી, તેમની સામે પણ FIR નોંધવાના નિર્દેશ અપાયા હતા. બીજી તરફ, કોઈ પણ લેખિત અધિકાર કે ઓર્ડર વગર દાનપેટીઓની ચાવીઓ પોતાના કબજામાં રાખવા બદલ અને પોતાના સંબંધીની ગેરકાયદે ભલામણ કરવા બદલ રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સામે પણ ષડયંત્ર રચવાના આરોપ હેઠળ ગુનો નોંધવાની વાત લખવામાં આવી છે.
આ જોકે પ્રાથમિક અહેવાલ હતો, હજુ SIT તપાસ કરી રહી છે અને 15 જુલાઈ સુધી સમયમર્યાદા લંબાવવામાં આવી છે. સંપૂર્ણ તપાસ પૂર્ણ થાય ત્યારબાદ રાજ્ય સરકારને અંતિમ અહેવાલ સોંપવામાં આવશે, જેમાં અન્ય પણ ઘણી વિગતો મળી શકે એમ છે.


