2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં 49 ગુનેગારોની સજા યથાવત, હાઇકોર્ટનો ચુકાદો: 38ને ફાંસી, 11ને આજીવન કેદ

2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કુલ 49 ગુનેગારોને આપવામાં આવેલી સજા હાઇકોર્ટે યથાવત રાખી છે. સોમવારે (7 જુલાઈ) આ મામલે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી 2022માં ટ્રાયલ કોર્ટે 77 આરોપીઓમાંથી 49ને ગુનેગાર ઠેરવ્યા હતા. જેમાંથી 38ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને 11ને આજીવન કેદ થઈ હતી. આ ચુકાદા બાદ નિયમાનુસાર ફાંસીની સજા માટે હાઇકોર્ટની મંજૂરી જરૂરી હોઈ રાજ્ય સરકાર હાઇકોર્ટ ગઈ હતી, બીજી તરફ ગુનેગારોએ પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. ચાર વર્ષ બાદ હાઇકોર્ટે હવે ચુકાદો સંભળાવ્યો છે.

કોર્ટે તમામ 49 દોષિતોની સજા યથાવત રાખી છે. જેમાં 38ને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજાનો સમાવેશ થાય છે.

જુલાઈ 2008માં બની હતી ઘટના, 50થી વધુનાં મોત થયાં હતાં

ઘટના 26 જુલાઈ, 2008ના રોજ બની હતી. અમદવાદ શહેરમાં એક પછી એક 20 સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 વ્યક્તિઓનાં મોત થયાં અને 200થી વધુને ઈજા પહોંચી હતી.

કેસમાં કુલ 35 કરતાં વધારે FIR નોંધવામાં આવી હતી અને 500થી વધુ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત ATS અને પોલીસની તપાસમાં પછીથી ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોટું નેટવર્ક પકડાયું હતું. પછીથી સામે આવ્યું કે આ આતંકવાદીઓ દેશનાં અન્ય અમુક શહેરોમાં થયેલા બ્લાસ્ટમાં પણ સંડોવાયેલા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે બ્લાસ્ટ ગોધરા હિંદુહત્યાકાંડ પછી થયેલાં રમખાણોનો ‘બદલો’ લેવા માટે કરવામાં આવ્યા હતા.

14 વર્ષની ટ્રાયલ બાદ 2022માં ટ્રાયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. મામલો હાઇકોર્ટમાં પહોંચતાં હવે હાઇકોર્ટે સજા બરકરાર રાખી છે.