
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં રવિવારે (6 જુલાઈ) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં ઘરની નજીક માલઢોર સંભાળી રહેલા એક માલધારી પર અચાનક સિંહણે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન સિંહણે માલધારીને પોતાના જડબામાં પકડી લીધો હતો. આસપાસ હાજર ગ્રામજનોએ બૂમાબૂમ કરીને અને હિંમત દાખવી સિંહણને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ માલધારીને સિંહણના ચુંગાલમાંથી છોડાવવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈજાગ્રસ્ત માલધારીનું નામ કાળુભાઈ બોઘાભાઈ પરમાર છે. તેઓ પોતાના ઘર પાસે માલઢોર ચરાવી રહ્યા હતા ત્યારે ઝાડીમાંથી અચાનક સિંહણ બહાર આવી હતી અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન સિંહણે તેમને જડબામાં પકડી લીધા હતા અને પંજાથી પણ ઈજાઓ પહોંચાડી હતી. ઘટનામાં કાળુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક પાલિતાણા માનસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વાયરલ થયેલા વિડીયોમાં સિંહણ માલધારીને પકડીને બેઠી હોવાનું જોવા મળે છે. બીજી તરફ આસપાસ હાજર ગ્રામજનો બૂમાબૂમ કરીને અને અવાજ કરીને સિંહણને દૂર ભગાડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. કેટલાક લોકો માલધારીને બચાવવા માટે જીવના જોખમે આગળ વધતા પણ વિડીયોમાં નજરે પડે છે. આખરે ગ્રામજનોના સતત પ્રયાસો બાદ સિંહણ માલધારીને છોડીને ત્યાંથી જતી રહે છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ગરજીયા ગામે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. અધિકારીઓએ સિંહણની હિલચાલ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધાર્યું હોવાનું જણાવ્યું છે. ગ્રામજનોએ ગામની આસપાસ સતત ફરી રહેલા સિંહોના કારણે ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું જણાવતાં વન વિભાગ સમક્ષ યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સિંહોની સંખ્યા અને તેમનો રહેણાંક વિસ્તાર બંને વધ્યા છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ પણ વધી રહી છે. પાલિતાણાના ગરજીયા ગામની આ ઘટના બાદ ફરી એકવાર સિંહોની અવરજવર અને સ્થાનિકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

