
બિહારની જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બાંકીપુરથી પેટાચૂંટણી લડવાની ઘોષણા કરી છે. રવિવારે (5 જુલાઈ) એક પ્રેસ કૉન્ફરન્સમાં કિશોરે કહ્યું કે પાર્ટીએ તેમને બાંકીપુરથી ચૂંટણી લડવાની જવાબદારી આપી છે અને તેઓ જવાબદારી સ્વીકારી રહ્યા છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે છેલ્લાં ચાર વર્ષથી તેમનું જીવન ‘જન સુરાજ’ જ રહ્યું છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. પાર્ટીએ તેમને બાંકીપુરથી વિધાનસભા ચૂંટણી લડવાની જવાબદારી સોંપી તેને પોતે આ જ યાત્રામાં એક પગલું માને છે. સાથે ઉમેર્યું કે નવેમ્બર 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જન સુરાજ સમર્થકોમાં ઉદાસી હતી, જેમાંથી ઘણાનું માનવું છે કે બાંકીપુરમાં જન સુરાજની જીત થાય તો ‘બિહાર બદલાવ’ના વિચારને પુનર્જીવન મળશે.
VIDEO | Patna: “I will fight Bankipur assembly by-election seat,” says Jan Suraaj founder Prashant Kishore.
— Press Trust of India (@PTI_News) July 5, 2026
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/CvUHiggvBA
ઉલ્લેખનીય છે કે બાંકીપુર વિધાનસભા પર આગામી 30 જુલાઈના રોજ પેટાચૂંટણી યોજાશે. આ બેઠક પર અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ધારાસભ્ય હતા. તેઓ હવે રાજ્યસભામાં ગયા હોવાથી ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપી દીધું છે. જેથી બેઠક ખાલી પડી છે. ભાજપે અહીં ઉમેદવારની ઘોષણા કરી નથી.
બાંકીપુર સાથે અન્ય બે રાજ્યોની વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાશે, જેમાંથી ગુજરાતની માંજલપુર બેઠક પણ એક છે, જેના ધારાસભ્ય યોગેશ પટેલનું તાજેતરમાં જ નિધન થયું.
જન સુરાજ અને પ્રશાંત કિશોરની વાત કરવામાં આવે તો ઑક્ટોબર 2022માં કિશોરે આ પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે બિહારભરમાં યાત્રા પણ કરી હતી. નવેમ્બર 2025માં પ્રશાંત કિશોરની પાર્ટી 242માંથી 238 બેઠકો પર લડી હતી પરંતુ પરિણામમાં પાર્ટીનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું અને 236 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી દીધી હતી. પાર્ટીની એક પણ સીટ આવી ન હતી.
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં અગાઉ પ્રશાંત કિશોરે ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી પરંતુ પછીથી પાર્ટી પ્રચારનું કારણ ધરીને પીછેહઠ કરી લીધી હતી. પરિણામો બાદ પ્રશાંત કિશોરના ચૂંટણી ન લડવાના નિર્ણયની બહુ ટીકા થઈ હતી.

