હોર્મુઝમાં LNG સપ્લાય સામાન્ય થતાં કેન્દ્રે હટાવ્યા ઇમર્જન્સી ગેસ નિયંત્રણો: US-ઈરાન યુદ્ધ દરમિયાન લાગુ કરાયા હતા પ્રતિબંધો

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન કુદરતી ગેસના પુરવઠા પર લગાવવામાં આવેલા ઇમર્જન્સી નિયંત્રણો હવે કેન્દ્ર સરકારે હટાવી દીધા છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) મારફતે લિક્વિફાઇડ નેચરલ ગેસનાં (LNG) જહાજોની અવરજવર ફરી શરૂ થતાં અને યુદ્ધવિરામ બાદ પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય બનતા સરકારે આ નિર્ણય લીધો છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શનિવારે (4 જુલાઈ) આ અંગે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે હવે LNG સપ્લાય ફરી સ્થિર થઈ ગયો હોવાથી અગાઉ લાગુ કરાયેલા ઇમર્જન્સી સપ્લાય નિયંત્રણોની જરૂરિયાત રહી નથી. આ સાથે કેન્દ્ર સરકારે નેચરલ ગેસ (સપ્લાય રેગ્યુલેશન) (સુધારા) આદેશ, 2026 જાહેર કરીને ઇમર્જન્સી નિયંત્રણો પાછા ખેંચી લીધા છે.

US-ઈરાન સંઘર્ષ બાદ લેવામાં આવ્યો હતો નિર્ણય

અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલા કર્યા બાદ અને તેના જવાબમાં ઈરાને હોર્મુઝમાં જહાજોની અવરજવર અસરગ્રસ્ત કરી હતી. તેના કારણે અનેક LNG સપ્લાયર્સે ‘ફોર્સ મેજ્યોર’ જાહેર કર્યું હતું અને ગેસ સપ્લાયમાં વિક્ષેપ સર્જાયો હતો.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 9 માર્ચે નેચરલ ગેસ (સપ્લાય રેગ્યુલેશન) ઓર્ડર, 2026 જાહેર કર્યો હતો. તેનો હેતુ દેશભરમાં કુદરતી ગેસનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવાનો અને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં પુરવઠો ચાલુ રાખવાનો હતો.

મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ પશ્ચિમ એશિયામાં ઊર્જા પુરવઠાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હોર્મુઝમાંથી LNG કાર્ગો જહાજોની અવરજવર ફરી શરૂ થઈ ગઈ છે અને ઊર્જા સપ્લાય સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહી છે.

સરકારી જાહેરનામામાં જણાવાયું છે કે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ બાદ હવે યુદ્ધવિરામ અમલમાં છે અને બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ છે. તેના ભાગરૂપે હોર્મુઝમાંથી સમુદ્રી ટ્રાફિક ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.