
જમ્મુ-કાશ્મીરમાં સરકારી શાળાઓની લાઇબ્રેરીઓમાં આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓનું મહિમામંડન કરતી સામગ્રી ધરાવતાં પુસ્તકો પહોંચતાં મોટો વિવાદ સર્જાયો છે. મામલો સામે આવ્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કડક કાર્યવાહી કરતા સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના 8 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે, એક કોન્ટ્રાક્ટ કર્મચારીને હટાવી દેવામાં આવ્યો છે, બંને પુસ્તકો પરત ખેંચી લેવામાં આવ્યાં છે અને તેમના લેખકો તેમજ પ્રકાશકોને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.
સરકારે જે બે પુસ્તકો સામે કાર્યવાહી કરી છે તેમાં ‘Personalities and Legends of J&K’ અને ‘Great Personalities of Jammu and Kashmir’નો સમાવેશ થાય છે. પહેલું પુસ્તક હિલાલ અહમદ અને સંતોષ મીના દ્વારા લખાયું છે અને તેનું પ્રકાશન ઓબેરોય બુક સર્વિસ, જમ્મુએ કર્યું હતું, જ્યારે બીજું પુસ્તક ડૉ. સુશાંત ગિરી દ્વારા લખાયું છે અને તેનું પ્રકાશન દિલ્હીના અનુરાગ પ્રકાશને કર્યું હતું. આ બંને પુસ્તકો સમગ્ર શિક્ષા કાર્યક્રમ હેઠળ સરકારી શાળાઓની લાઇબ્રેરીઓ માટે ખરીદવામાં આવ્યાં હતાં.
The Jammu and Kashmir School Education Department, on the order of Lieutenant Governor Manoj Sinha, has placed eight officials under suspension and disengaged a contractual employee after two books procured for government school libraries were found to contain content related to… pic.twitter.com/Ab8xTRSg9a
— ANI (@ANI) July 4, 2026
સરકારી આદેશ મુજબ એક પુસ્તકની 123 નકલો જમ્મુ, રામબન અને ઉધમપુર જિલ્લાના સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી હતી, જ્યારે બીજા પુસ્તકની 128 નકલો જમ્મુ અને બારામુલ્લા જિલ્લાની શાળાઓમાં મોકલવામાં આવી હતી. જોકે, 3 જુલાઈએ બંને પુસ્તકો પરત ખેંચી લેવામાં આવ્યાં હતાં.
સરકારી આદેશમાં શું કહેવામાં આવ્યું?
4 જુલાઈએ બહાર પાડવામાં આવેલા સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સત્તાવાર આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બંને પુસ્તકોમાં ‘અત્યંત વાંધાજનક સામગ્રી’ (Highly Inappropriate Content) હતી. આ સામગ્રી અલગતાવાદને પ્રોત્સાહન આપતી હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની ક્ષમતા ધરાવતી હતી. આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પુસ્તકોની પસંદગી દરમિયાન ગંભીર બેદરકારી, ફરજમાં નિષ્ફળતા અને જરૂરી ચકાસણીનો અભાવ જોવા મળ્યો હતો.
આ જ કારણસર સમિતિના સભ્યો અને દેખરેખ રાખનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
8 અધિકારીઓ સસ્પેન્ડ, એક કર્મચારીને હટાવાયો
LG મનોજ સિન્હાના આદેશ બાદ સમગ્ર શિક્ષાના કોઓર્ડિનેટર ફાઝિલ ઇમરાન સદ્દીકી, આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર ગુરજીત સિંઘ, પ્રિન્સિપાલ સંજીવ શર્મા, એકેડેમિક ઑફિસર શાઝિયા કૌસર તેમજ ઇમ્તિયાઝ અહમદ મીર, નિરંજન શર્મા, રેણુ મેંગી અને રાજમોહિની સહિત કુલ 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સમગ્ર શિક્ષા સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટ આધારિત કમ્પ્યુટર આસિસ્ટન્ટ શેખ સુહેલ અહમદની સેવાઓ પણ સમાપ્ત કરી દેવામાં આવી છે.
30 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને LG મનોજ સિન્હાએ પાવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ફાઇનાન્શિયલ કમિશનર તથા એડિશનલ ચીફ સેક્રેટરી અશ્વિની કુમારને સમગ્ર તપાસના ઇન્ક્વાયરી ઑફિસર તરીકે નિયુક્ત કર્યા છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી રોહિત શર્માને પ્રેઝેન્ટિંગ ઑફિસર બનાવવામાં આવ્યા છે.
આ સમિતિને પુસ્તકોની પસંદગી, મૂલ્યાંકન અને ખરીદીની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરીને 30 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સરકારના આદેશમાં બંને પુસ્તકોના લેખકો તથા પ્રકાશકોને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના દ્વારા લખાયેલાં અથવા પ્રકાશિત થયેલાં અન્ય તમામ પ્રિન્ટેડ પ્રકાશનો પણ જમ્મુ-કાશ્મીરમાંથી પરત ખેંચી લેવા માટે સૂચના આપવામાં આવી છે.
પુસ્તકોમાં શું લખવામાં આવ્યું હતું?
માહિતી અનુસાર ‘Personalities and Legends of J&K’ પુસ્તકમાં JKLFના સહસ્થાપક આતંકી મકબૂલ ભટ્ટને ‘શહીદ’ તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. પુસ્તકમાં તેના પાકિસ્તાન જવાના પ્રસંગને ‘મહાન બલિદાન તરફની યાત્રા’ તરીકે પણ વર્ણવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
પુસ્તકમાં 1971ના ઇન્ડિયન એરલાઇન્સ વિમાન હાઈજેક કેસ સાથે જોડાયેલા આતંકી હાશિમ કુરેશી વિશે પણ સકારાત્મક વર્ણન કરવામાં આવ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ઉપરાંત અલગતાવાદી નેતા શબ્બીર શાહને ‘કાશ્મીરી સ્વતંત્રતા માટેના સૌથી મોટા અભિયાનકર્તાઓમાંના એક’ તરીકે રજૂ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
અહેવાલો અનુસાર પુસ્તકમાં મસરત આલમ ભટ્ટ અને સૈયદ અલી શાહ ગીલાની વિશે પણ સકારાત્મક ભાષામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો છે કે પુસ્તકમાં 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદની પણ પ્રશંસા કરવામાં આવી છે.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરને ‘Indian Occupied Kashmir’ (ભારત અધિકૃત કાશ્મીર અથવા ભારતે કબજે કરેલું કાશ્મીર) અને ‘Indian Held Kashmir’ તરીકે સંબોધવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકીય વિવાદ પણ ગરમાયો
મામલો સામે આવ્યા બાદ ભાજપે આ સમગ્ર ઘટનાને ‘એકેડમિક જેહાદ’ ગણાવી હતી. વિપક્ષના નેતા સુનીલ શર્માએ આરોપ લગાવ્યો હતો કે આવાં પુસ્તકો બાળકોના મનમાં અલગતાવાદી વિચારધારા ફેલાવી શકે છે અને આ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે શિક્ષણ મંત્રીની જવાબદારી પણ નક્કી કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસે પણ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રવિંદર શર્માએ કહ્યું હતું કે આ પુસ્તકો સરકારની શાળાઓ સુધી કેવી રીતે પહોંચ્યાં તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ DGP એસ.પી. વૈદે પણ આ મામલાને ગંભીર ગણાવીને જણાવ્યું હતું કે આવાં પુસ્તકો વિદ્યાર્થીઓમાં મજહબી કટ્ટરતા રોપવાનું જોખમ ઊભું કરી શકે છે અને તેને તાત્કાલિક પરત ખેંચી લેવાં જોઈએ.

