સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી ફી વસૂલશે ઈરાન, કહ્યું– મિત્રદેશો માટે વિશેષ વ્યવસ્થા; અમેરિકાને વાંધો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ હાલ શમી ગયું છે પરંતુ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મુદ્દે બંને દેશો હજુ ભિન્ન મત ધરાવે છે. દરમ્યાન ચીનમાં ઇરાનના રાજદૂતે તાજેતરમાં કહ્યું કે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી હવે શુલ્ક વસૂલવામાં આવશે. જોકે સાથે એમ પણ કહ્યું છે કે જે મિત્ર દેશોએ યુદ્ધ દરમ્યાન ઈરાનનો સાથ-સહકાર આપ્યો છે તેમને વિશેષ સુવિધા આપવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાને જ્યારે યુદ્ધવિરામ કર્યો ત્યારે એ નક્કી કર્યું હતું કે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો આગામી 60 દિવસ સુધી કોઈ પણ પ્રકારના શુલ્ક વગર પસાર થશે. યુદ્ધ શરૂ થયું ત્યારથી સેંકડો જહાજ મધ્ય-પૂર્વમાં ફસાયાં છે, જે હોર્મુઝમાંથી જ બહાર નીકળી શકે એમ છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે 60 દિવસ પછી વ્યવસ્થા શું હશે.

ઈરાનનું કહેવું છે કે ત્યારબાદ તેઓ શુલ્ક વસૂલવાનું ચાલુ કરશે. જ્યારે અમેરિકાએ આ વિચાર નકારી દીધો છે.  

ચીનના બેઇજિંગમાં આયોજિત ‘વર્લ્ડ પીસ ફોરમ’માં બોલતી વખતે ઈરાનના રાજદૂત અબ્દુલરાજા રહમાનીએ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે ઓમાન સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું, “હોર્મુઝ એ ટેરિટોરિયલ વૉટર્સનો ભાગ છે અને અમે ચોક્કસપણે સર્વિસ ફી વસૂલ કરીશું.”

આગળ ઉમેર્યું કે, “આ વ્યવસ્થા એટલા માટે હશે જેથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર દેખરેખ રાખીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ઉપરાંત આટલી મોટી સંખ્યામાં જહાજો પસાર થતાં હોવાથી પર્યાવરણીય અસરો પણ જોવાની રહે છે.”

જોકે એમ પણ કહ્યું હતું કે જે દેશો ઈરાનના મિત્રદેશો છે અને ખાસ કરીને કઠિન સમયે પડખે રહ્યા હતા તેમના માટે વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે.

અમેરિકાએ આ બધી દલીલો નકારી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે અંતિમ ડીલ થશે ત્યારે ઈરાનને કોઈ પણ પ્રકારનો ટોલ કે ફી વસૂલવા દેવામાં નહીં આવે. આ મુદ્દે બંને દેશો ફરી બાખડશે એ શક્યતાઓ પણ નકારી શકાય નહીં.