3 જૂલાઈના રોજ બાબા બર્ફાનીના દર્શન માટે દ્વાર ખૂલી ગયા છે અને અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બાબા બર્ફાની એટલે કે શ્રી અમરનાથ ધામનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કથાઓ એટલી દિવ્ય છે કે તેને જેટલી ઊંડાણપૂર્વક સમજીએ એટલી જ તે વધુ રોમાંચક અને આધ્યાત્મિક લાગે છે. આ પવિત્ર તીર્થક્ષેત્ર માત્ર હિમાલયની એક ગુફા નથી, પરંતુ સનાતન ધર્મની આસ્થા, વિજ્ઞાન, પ્રકૃતિ અને અદભુત ઇતિહાસનો ત્રિવેણી સંગમ છે.
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી આશરે 3,8¨8 મીટરની (12,720 ફૂટ) પ્રચંડ ઊંચાઈ પર આવેલી અમરનાથ ગુફા ભારતના સૌથી પૂજનીય સ્થાનોમાં અગ્રેસર છે. બારેય મહિના બરફની ચાદર ઓઢીને બેઠેલા પહાડોની વચ્ચે સ્થિત આ ગુફા શ્રદ્ધા અને સાહસની પરાકાષ્ઠા છે. અહીં કુદરત પોતે જ ભક્તિના રંગમાં રંગાઈને એક એવો ચમત્કાર સર્જે છે, જે જોઈને આધુનિક વિજ્ઞાન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
સ્વયંભૂ બરફ શિવલિંગનું નિર્માણ અને વિજ્ઞાન
આ ગુફાની લંબાઈ આશરે 60 ફૂટ, પહોળાઈ 30 ફૂટ અને ઊંચાઈ 15 ફૂટ જેટલી છે. આ વિશાળ ગુફામાં ઉપરના ભાગેથી પાણીના ટીપાં સતત ટપકતાં રહે છે. હિમાલયની અતિશય ઠંડીને કારણે આ ટીપાં નીચે પડતાંની સાથે જ બરફનું રૂપ ધારણ કરી લે છે. આ પ્રક્રિયા સતત ચાલવાથી નીચેથી ઉપરની તરફ એક ભવ્ય, નક્કર બરફનું શિવલિંગ આપોઆપ તૈયાર થાય છે, જેને ‘સ્વયંભૂ શિવલિંગ’ કહેવામાં આવે છે. લિડર ઘાટીના ગ્લેશિયર્સમાંથી (બરફની નદીઓ) ગુપ્ત માર્ગો દ્વારા આવતું પાણી આ શિવલિંગનો સ્ત્રોત માનવામાં આવે છે.
બાબા બર્ફાનીના આ શિવલિંગની સૌથી અદભુત બાબત એ છે કે તેનો આકાર ચંદ્રની સ્થિતિ સાથે સીધો સંબંધ ધરાવે છે. જેમ-જેમ ચંદ્ર વધે છે (શુક્લ પક્ષ), તેમ-તેમ આ શિવલિંગનો આકાર પણ વધતો જાય છે અને શ્રાવણ મહિનાની પૂનમે તે પોતાના ભવ્ય અને પૂર્ણ સ્વરૂપમાં આવી જાય છે. ત્યારબાદ જેમ-જેમ ચંદ્ર ઘટે છે (કૃષ્ણ પક્ષ), તેમ શિવલિંગનો આકાર પણ ઘટતો જાય છે. આ શિવલિંગની ડાબી બાજુએ બે નાના બરફના સ્વરૂપો પણ બને છે, જે માતા પાર્વતી અને ગણેશજીના પ્રતીક તરીકે પૂજાય છે.
પૌરાણિક રહસ્ય: અમર કથાની જિજ્ઞાસા
પુરાણો અનુસાર આ ગુફાનું નામ ‘અમરનાથ’ પડવા પાછળ એક ખૂબ જ સુંદર અને રહસ્યમય કથા છે. એકવાર ભગવતી પાર્વતીએ મહાદેવને પૂછ્યું, “હે સ્વામી! એવું કેમ છે કે તમારું શરીર અમર છે, જ્યારે મારે દર વખતે નશ્વર શરીર છોડીને નવો જન્મ લેવો પડે છે? તમારા ગળામાં રહેલી મુંડમાળાનું (ખોપડીઓની માળા) રહસ્ય શું છે?” ભગવાને હસીને જવાબ આપ્યો કે, “દેવી, આ માળામાં એટલી ખોપડીઓ છે, જેટલી વાર તમે અત્યાર સુધી પુનર્જન્મ લીધો છે.” આ સાંભળી માતા પાર્વતી પરમ જ્ઞાન એટલે કે ‘અમર કથા’ સાંભળવા આતુર થયા.
અમરત્વનું આ જ્ઞાન એટલું શક્તિશાળી અને ગુપ્ત હતું કે જો કોઈ અન્ય જીવજંતુ કે મનુષ્ય તેને સાંભળી લે તો તે પણ અમર થઈ જાય અને સૃષ્ટિનો નિયમ ખોરવાઈ જાય. આથી ભગવાન શિવ કોઈ એવા એકાંત અને અગોચર સ્થળની શોધમાં નીકળ્યા જ્યાં વાયુ સિવાય કોઈ ન પહોંચી શકે. તેમણે હિમાલયની પવિત્ર ગુફા પસંદ કરી અને ત્યાં પહોંચતા પહેલાં પોતાની તમામ લૌકિક અને અલૌકિક માયાનો ત્યાગ કરવાનું શરૂ કર્યું.
પંચતત્વો અને માયાનો ત્યાગ: યાત્રાના મુખ્ય પડાવો
આજે અમરનાથ યાત્રાના જે મુખ્ય પડાવો છે, તે વાસ્તવમાં શિવજીના આ ત્યાગની જ પાવન ગાથા છે. આ દિવ્ય યાત્રાની શરૂઆતમાં ભગવાને પોતાના પરમ વાહન નંદીનો (પોઠિયા) ત્યાગ પહલગામ (બેલગાંવ) ખાતે કર્યો હતો. ત્યારબાદ આગળ વધતા, પોતાની જટામાં બિરાજમાન અમૃતમય ચંદ્રને તેમણે ચંદનવાડીમાં મુક્ત કર્યો અને પોતાના ગળામાં શોભતા સર્પોના રાજા શેષનાગને શેષનાગ સરોવરના કિનારે છોડ્યા, જ્યાં આજે પણ સાત પહાડો શેષનાગની ફેણ જેવા દ્રશ્યમાન થાય છે. આ ત્યાગના ક્રમમાં તેમણે પોતાના લાડકા પુત્ર ગણેશજીને મહાગુણ સપર્વત પર રોકી રાખ્યા અને છેલ્લે પંચતરણી ખાતે પ્રકૃતિના પાંચ તત્વોનો (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ) પણ ત્યાગ કરી તેઓ પરમ શૂન્ય અવસ્થામાં આવ્યા.
આમ, તમામ પ્રકારની માયા અને સંસાધનો પાછળ છોડીને મહાદેવ અને માતા પાર્વતીએ પવિત્ર અમરનાથ ગુફામાં પ્રવેશ કર્યો. ગુફામાં પહોંચતા જ ભગવાન શિવે મૃગચર્મનું આસન લગાવ્યું અને પરમ સમાધિ લીધી. પરંતુ કથા શરૂ કરતા પહેલાં એ વાતની ખાતરી કરવી જરૂરી હતી કે કોઈ અન્ય જીવ આ અમરત્વનું જ્ઞાન ન સાંભળે. આ માટે તેમણે પોતાના રુદ્ર અવતાર ‘કાલાગ્નિ’ને આદેશ આપ્યો કે ગુફાની આસપાસ રહેલા તમામ તૃણ, વનસ્પતિ અને જીવજંતુઓને અગ્નિથી ભસ્મીભૂત કરી દેવામાં આવે, જેથી કોઈ ગુપ્ત શ્રોતા બાકી ન રહે. કાલાગ્નિએ શિવજીના આદેશનું પાલન કરીને આખી ગુફાને પવિત્ર અને જીવરહિત કરી દીધી.
પારેવડાંની જોડી કેવી રીતે અમર થઈ?
પરંતુ કુદરતની રમત જુઓ, આ ભીષણ અગ્નિની વચ્ચે પણ અજાણતા જ શિવજીના આસન (મૃગચર્મ) નીચે દબાયેલું પક્ષીનું એક નાનું ઈંડું બચી ગયું, જે કાલાગ્નિના પ્રકોપથી સંપૂર્ણ સુરક્ષિત રહ્યું હતું. ભગવાન શિવે જ્યારે માતા પાર્વતીને પરમ ગૂઢ અમરકથા સંભળાવવાનું શરૂ કર્યું, ત્યારે કથા સાંભળતાં-સાંભળતાં માતા પાર્વતી વચ્ચે જ નિદ્રાધીન થઈ ગયાં. શિવજી પોતાની ધૂનમાં કથા કહેતા રહ્યા. એ જ સમયે પેલા ઈંડામાંથી બે કબૂતરો (જેને આપણે પારેવડાં કહીએ છીએ) બહાર આવી ચૂક્યાં હતાં .
માતા પાર્વતી ઊંઘી ગયાં હોવા છતાં આ પારેવડાંની જોડી કથા સાંભળતી વખતે વચ્ચે-વચ્ચે ‘હૂં-હૂં’ નો અવાજ કરીને હોંકારો આપતી રહી. શિવજીને લાગ્યું કે પાર્વતીજી જ કથા સાંભળી રહ્યાં છે. કથા પૂરી થઈ ત્યારે શિવજીનું ધ્યાન ગયું કે પાર્વતીજી તો ઊંઘે છે અને આખી કથા આ પારેવડાં સાંભળી ગયાં છે. એવું કહેવાય છે કે આ અમરકથા સાંભળવાના કારણે આ પારેવડાં હંમેશ માટે અમર થઈ ગયાં.
આ દંતકથા માત્ર વાર્તા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આજે પણ એક જીવંત ચમત્કાર તરીકે જોવામાં આવે છે. અમરનાથની પવિત્ર ગુફા જ્યાં આવેલી છે, ત્યાં શૂન્યથી પણ નીચું તાપમાન હોય છે અને ચારેય તરફ માત્ર બરફ જ બરફ હોય છે. આવા અતિશય પ્રતિકૂળ હવામાનમાં સામાન્ય રીતે કોઈ પક્ષી કે જીવજંતુ જીવી શકતા નથી. છતાં, દર વર્ષે યાત્રા દરમિયાન સેંકડો શ્રદ્ધાળુઓ એવો દાવો કરે છે કે તેમણે ગુફાની અંદર આ પારેવડાંની જોડીને સદેહે જોઈ છે. આ પારેવડાંનું ત્યાં હોવું એ ભક્તો માટે શિવ-પાર્વતીની હાજરી અને અમરકથાના સત્ય હોવાનો સૌથી મોટો પુરાવો છે.
બૂટા મલિકની કથા: ઇતિહાસનો સૌથી મોટો ભ્રમ
છેલ્લા કેટલાક દાયકાઓમાં એવો પ્રચાર કરવામાં આવ્યો કે અમરનાથ ગુફા મધ્યકાળમાં લાંબા સમય સુધી ખોવાઈ ગઈ હતી અને 15મી કે 18મી સદીમાં બૂટા મલિક નામના એક મુસ્લિમ ગોવાળ દ્વારા આકસ્મિક રીતે શોધવામાં આવી હતી. વાર્તા મુજબ એક સાધુએ તેને કોલસાની ગુણ આપી હતી, જે ઘરે જતાં સોનું થઈ ગઈ અને જ્યારે તે આભાર માનવા ગયો ત્યારે તેને આ ગુફા મળી હતી. આ વાર્તાના આધારે મલિક પરિવારને વર્ષો સુધી મંદિરની આવકનો ત્રીજો ભાગ મળતો હતો, જેને 2001માં શ્રાઈન બોર્ડની (SASB) સ્થાપના બાદ કાયદાકીય રીતે બંધ કરવામાં આવ્યો હતો.
જોકે, ઇતિહાસકારો, સંશોધકો અને પ્રાચીન દસ્તાવેજો જોઈએ તો વાસ્તવિકતા આ ‘ખોવાઈ જવાની અને શોધાયાની’ વાર્તા કરતાં ઘણી વિપરીત છે. અમરનાથ ગુફા ક્યારેય ખોવાઈ નહોતી, તે સનાતન કાળથી પૂજાનું કેન્દ્ર રહી છે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં લખાયેલા ‘નિલમત પુરાણ’માં કાશ્મીરના તીર્થોમાં ‘અમારેશ્વર’નો (અમરનાથ) સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સિવાય, 6ઠ્ઠી સદી પહેલાં રચાયેલી ‘ભૃગુ સંહિતા’ અને ‘અમરનાથ માહાત્મ્ય’ પુસ્તકોમાં આ યાત્રાના નિયમો અને તેના મહત્વનું વિસ્તૃત વર્ણન મળે છે.
આ ઉપરાંત કવિ કલ્હણ દ્વારા ઈ.સ. 1148-49માં લખાયેલ કાશ્મીરના સૌથી અધિકૃત ઐતિહાસિક ગ્રંથ ‘રાજતરંગિણી’માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઈ.સ પૂર્વે 300માં કાશ્મીરના રાજા આર્યરાજ ઉનાળાના દિવસોમાં અહીં બરફના શિવલિંગની પૂજા કરતા હતા. ગ્રંથમાં એ પણ નોંધ છે કે 11મી સદીમાં કાશ્મીરના રાણી સૂર્યમતીએ અમરનાથના નામે ત્રિશૂળ, ચિહ્નો અને પવિત્ર સાધનો ભેટ આપ્યા હતા. 12મી સદી સુધી આ યાત્રા ભારે વૈભવ સાથે ચાલતી હોવાના પુરાવા છે.
મધ્યકાળમાં મુસ્લિમ શાસન દરમિયાન પણ આ યાત્રા બંધ નહોતી થઈ. જોનરાજા દ્વારા લિખિત ‘ઝૈના રાજતરંગિણી’ અનુસાર કાશ્મીરના શાસક સુલતાન જૈન-અલ-આબિદીને (1420-1470) લિડર ઘાટીમાં નહેરનું નિર્માણ કરાવતી વખતે અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી. આ સિવાય, 16મી સદીમાં અકબરના નવરત્નોમાંના એક અબુલ ફઝલે ‘આઈન-ઈ-અકબરી’માં લખ્યું છે કે, “અમરનાથ એક ગુફા છે જ્યાં બરફનું શિવલિંગ બને છે જે ચંદ્રની કળા સાથે વધે અને ઘટે છે અને આ સ્થાન પર લોકો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે.”
પવિત્ર 51 શક્તિપીઠમાંનું એક મુખ્ય સ્થાન
અમરનાથ ગુફા માત્ર શિવજીનું ધામ નથી, પરંતુ તે માતા સતીની શક્તિપીઠ પણ છે. તંત્ર ચૂડામણિ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતા સતીના શરીરના ટુકડા કર્યા, ત્યારે તેમનો કંઠ (ગળું) આ સ્થળે પડ્યો હતો. અહીં માતાજી ‘મહામાયા’ સ્વરૂપે અને ભગવાન શિવ ‘ત્રિસંધ્યોશ્વર’ ભૈરવ સ્વરૂપે બિરાજમાન છે. તેથી, આ ગુફા શિવ અને શક્તિના અનન્ય મિલનનું પ્રતીક છે.
આ સિવાય એવું પણ કહેવાય છે કે પૌરાણિક કાળમાં જ્યારે કાશ્મીર ઘાટી જળમગ્ન હતી, ત્યારે કશ્યપ ઋષિએ તે પાણીનો નિકાલ કર્યો હતો. ત્યારબાદ હિમાલય ભ્રમણ દરમિયાન મહર્ષિ ભૃગુએ સૌપ્રથમ આ ગુફાના દર્શન કર્યા હતા. ઋષિ ભૃગુએ પોતાના શિષ્યોને આ યાત્રાનું મહત્વ સમજાવ્યું હતું. યાત્રા દરમિયાન રાક્ષસોના ભયથી બચવા માટે શિવજીએ ઋષિને એક પવિત્ર દંડ (લાકડી) આપ્યો હતો, જે આજે પણ ‘છડીમુબારક’ તરીકે ઓળખાય છે. સાધુઓ અને શ્રદ્ધાળુઓ આ પવિત્ર લાકડીની આગેવાનીમાં જ ગુફા તરફ પ્રયાણ કરે છે.
સ્વામી વિવેકાનંદ અને વિદેશી પ્રવાસીઓનો અનુભવ
17મી સદીમાં ભારતમાં આવેલા ફ્રેન્ચ પ્રવાસી અને ચિકિત્સક ફ્રાન્કોઇસ બર્નિયરે પણ આ ગુફાની અદભુત ભૌગોલિક સ્થિતિ વિશે લખ્યું છે. વર્ષ 1898માં સ્વામી વિવેકાનંદે આ ગુફાની યાત્રા કરી હતી. તેમના શિષ્યા સિસ્ટર નિવેદિતાના જણાવ્યા મુજબ ગુફાની અંદર પ્રવેશતા જ સ્વામીજી એક અગમ્ય આધ્યાત્મિક આવેગથી ધ્રૂજી ઉઠ્યા હતા અને લિંગની સામે ધ્યાનમગ્ન થઈ ગયા હતા. સ્વામીજીએ પાછળથી સ્વીકાર્યું હતું કે તેમને ત્યાં સાક્ષાત શિવજીની દિવ્ય અનુભૂતિ થઈ હતી અને ભગવાને તેમને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું.
આજે પણ દર વર્ષે જૂનથી ઑગસ્ટ મહિના દરમિયાન યોજાતી આ અમરનાથ યાત્રા શારીરિક અને માનસિક કસોટી સમાન છે. પહાડી રસ્તાઓ, ઓક્સિજનની અછત અને અનિશ્ચિત હવામાન હોવા છતાં દર વર્ષે લાખો ભક્તો તમામ અવરોધો પાર કરીને ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નારા સાથે અહીં પહોંચે છે. સનાતન પરંપરામાં એવી દ્રઢ માન્યતા છે કે જે વ્યક્તિ સાચા મનથી બાબા બર્ફાનીના આ દિવ્ય સ્વરૂપના અને ત્યાં બિરાજતાં પારેવડાંના દર્શન કરે છે, તેના તમામ જન્મોના પાપો નષ્ટ થાય છે અને તે પરમ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે.
3 જુલાઈથી શરૂ થતી યાત્રા અને સુરક્ષાના અભેદ્ય કિલ્લા
આ વર્ષે પણ 3 જુલાઈથી બાબા બર્ફાનીની આ પવિત્ર અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે. આ વખતે શ્રદ્ધાળુઓની આસ્થા સુરક્ષાદળોની પહાડી નજર હેઠળ પ્રવાસ કરી રહી છે, કારણ કે જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાની નીતિ અપનાવી છે. ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલા અને સરહદ પારથી ઘૂસણખોરીના ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને આખી યાત્રાને એક અભેદ્ય સુરક્ષા કવચમાં (Security Shield) આવરી લેવામાં આવી છે. જમ્મુના પ્રવેશદ્વાર લખનપુરથી લઈને કાશ્મીરના બેઝ કેમ્પ સુધી દરેક શ્રદ્ધાળુ સુરક્ષિત ઘેરામાં જ આગળ વધી રહ્યો છે.
ચુસ્ત નિયમો અને ‘કોન્વોય ઓન્લી’ની કડક નીતિ
યાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા એટલી કડક છે કે ઇતિહાસમાં પહેલીવાર ખાનગી વાહનોમાં આવતા શ્રદ્ધાળુઓને પણ એકલા મુસાફરી કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. દરેક વાહને જમ્મુથી ઉપડતા અધિકૃત સુરક્ષા કોન્વોયનો હિસ્સો બનવું અનિવાર્ય છે. નેશનલ હાઈવે-44નો (NH-44) વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદની ખૂબ નજીક હોવાથી લખનપુરમાં સવારે 6થી 8 વાગ્યાની વચ્ચે આવતા શ્રદ્ધાળુઓને જ સુરક્ષા ઘેરામાં આગળ મોકલવામાં આવે છે અને ત્યારપછી આવનારાઓએ ત્યાં જ રોકાવું પડે છે. આ ઉપરાંત, હાઈવેને સરહદ સાથે જોડતા દરેક નાના રસ્તા પર વધારાના સુરક્ષાદળો તહેનાત કરીને ચેકપોઇન્ટ્સ બનાવવામાં આવ્યાં છે અને રાત્રિ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભક્તોની સુરક્ષા વધારવા માટે પ્રશાસને ‘વન ગેટવે, વન રૂટ’નો કડક નિયમ લાગુ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પ્રવેશદ્વાર લખનપુરને ઓળંગ્યા પછી યાત્રીઓ માટે માત્ર મુખ્ય નેશનલ હાઈવે જ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જ્યારે ઉધમપુર-ધાર રોડ અને મુઘલ રોડ જેવા વૈકલ્પિક રસ્તાઓ યાત્રાળુઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. ભીડને નિયંત્રિત કરવા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે ઉધમપુર અને બનિહાલ વચ્ચે નિયત સમયાંતરે નાના-નાના કાફલા (Mini-convoys) ઑપરેટ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વાહનોની ભીડ જમા ન થાય.
નિયંત્રિત અવરજવરને કારણે શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે લખનપુરથી લઈને બનિહાલ વચ્ચે અંદાજે 55,000 ભક્તો રોકાઈ શકે તેવા ભવ્ય સેલ્ટર પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. સરકારી લોજ, અસ્થાયી શેડ, સામાજિક સંસ્થાઓના હૉલ અને રાત-દિવસ ચાલતા ભંડારા કાર્યરત કરી દેવાયા છે, જ્યાં રહેવા, જમવા અને શૌચાલયની ઉત્તમ વ્યવસ્થા છે. આ સાથે જ આરોગ્ય, પરિવહન અને સેનિટાઈઝેશનની સુવિધાઓ પણ યુદ્ધના ધોરણે વધારવામાં આવી છે.
શ્રી અમરનાથ યાત્રા એ માત્ર ભૌગોલિક યાત્રા નથી, પરંતુ માનવીય મર્યાદાઓથી પર જઈને પરમતત્વને પામવાની એક દિવ્ય આધ્યાત્મિક યાત્રા છે. એક તરફ જ્યાં પ્રકૃતિ બરફના સ્વયંભૂ શિવલિંગ અને અમર પારેવડાંની જોડી દ્વારા પોતાના અદભુત ચમત્કારોથી ભક્તોને મંત્રમુગ્ધ કરે છે તો બીજી તરફ હજારો વર્ષ જૂનો દૈવી ઇતિહાસ આ સ્થાનની સનાતન પવિત્રતાની સાક્ષી પૂરે છે. આ વર્ષે 3 જુલાઈથી શરૂ થયેલી યાત્રા એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે બદલાતા સમય અને પડકારોની વચ્ચે પણ સનાતન આસ્થા ક્યારેય ડગતી નથી.


