
અમદાવાદના વટવા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ચાર માળિયા વિસ્તારમાં રહેતા એક પાડોશીએ ચા બનાવવાના બહાને પોતાના પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ તપાસ મુજબ આરોપી ઇમ્તિયાઝ યુસુફ ઉર્ફે બાબા શેખ ઘરે એકલો હતો ત્યારે તેણે સગીરાની માતાને કહીને સગીરાને ચા બનાવવા માટે પોતાના ઘરે બોલાવી હતી. સગીરાએ ચા બનાવ્યા બાદ આરોપીએ તેને બહારથી નાસ્તો લેવા મોકલી હતી. સગીરા જ્યારે નાસ્તો લઈને પરત ફરી ત્યારે આરોપીએ તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને ન કહેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ભયાનક ઘટનાથી ગભરાઈ ગયેલી સગીરા શરૂઆતમાં એકદમ મૌન થઈ ગઈ હતી. દીકરીના વર્તનમાં ફેરફાર અને ઘરમાં શંકાસ્પદ સ્થિતિ જોઈને માતાને શંકા ગઈ હતી. બીજા દિવસે જ્યારે માતાએ સગીરાને પ્રેમથી સમજાવીને પૂછ્યું, ત્યારે તે ભાંગી પડી હતી અને પોતાની માતાને બધી આપવીતી જણાવી દીધી હતી.
સગીરાની વાત સાંભળીને પરિવાર તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વટવા પોલીસે સગીરાના નિવેદનના આધારે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ 34 વર્ષીય આરોપી ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પરણિત છે અને 4 બાળકોનો અબ્બા છે.

