હોમપેજગુજરાત'ગાય હિંદુઓ માટે પવિત્ર, તેની હત્યા ધાર્મિક લાગણીઓ દુભાવી શકે': ગૌમાંસ સાથે...

‘ગાય હિંદુઓ માટે પવિત્ર, તેની હત્યા ધાર્મિક લાગણીઓ દુભાવી શકે’: ગૌમાંસ સાથે પકડાયેલા ગોધરાના મોહમ્મદ આરિફને જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

કોર્ટે કહ્યું, "પ્રથમ દૃષ્ટિએ જણાય છે કે આરોપી વારંવાર ગૌવંશની હત્યા અને તેના ગેરકાયદેસર પરિવહન સાથે સંબંધિત ગુનાઓમાં સંડોવાતો રહ્યો છે. આ પ્રકારની ગતિવિધિઓ સાર્વજનિક વ્યવસ્થા અને સાંપ્રદાયિક સૌહાર્દ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે એમ છે."

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક ગૌમાંસ સાથે પકડાયેલા એક આરોપીની જામીન અરજી ફગાવી દીધી. આરોપી સામે અગાઉ પણ આઠ જેટલા આ પ્રકારના ગુના નોંધાઈ ચૂક્યા હોવાની હકીકત નોંધીને કોર્ટે કહ્યું કે અગાઉના કેસોમાં જામીન આપવામાં આવ્યા પછી પણ વારંવાર તે આ પ્રકારના ગુનાઓમાં સંડોવાતો રહ્યો છે, જેથી તેને મુક્તિ આપી શકાય નહીં. દરમ્યાન કોર્ટે એ બાબત પણ નોંધી કે ગાય હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેના રક્ષણ માટે ગુજરાત સરકારે કડક કાયદો પણ બનાવી રાખ્યો છે.

આરોપીની ઓળખ મોહમ્મદ આરિફ અબ્દુલ રઝાક તરીકે થઈ છે. ડિસેમ્બર 2025માં તેની સામે ગોધરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. 3 જાન્યુઆરીએ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, ત્યારથી તે જેલમાં બંધ છે. આરિફ સામે ગોધરા ટાઉન બી પોલીસ મથકે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 2011ની કલમ 5(1), 6(b), 8(2), 8(4) અને 10 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 હેઠળ FIR થઈ હતી.

કેસની વિગતો

કેસની વિગતો એવી છે કે 1 ડિસેમ્બર 2025ના રોજ ગોધરા પોલીસને ગૌમાંસની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મોહમ્મદના ઘરે દરોડા પાડતાં ત્યાંથી 23 કિલોગ્રામ ગૌમાંસ મળી આવ્યું હતું. સ્થળ પરથી આરોપી મોહમ્મદ પકડાઈ ગયો હતો અને અન્ય આરોપીઓ ભાગી છૂટ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે મોહમ્મદ પોતાની કારમાં ગૌમાંસની હેરાફેરી કરતો હતો અને તેના માટે તેણે અન્ય માણસો પણ રાખ્યા હતા.

- Advertisement -

હાઇકોર્ટમાં આરોપી મોહમ્મદ આરિફના વકીલે દલીલ કરી કે આરોપી 3 જાન્યુઆરીથી જેલમાં બંધ છે અને ગુનાની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે તેમજ ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. હવે કશું રિકવર કરવા માટે રહ્યું નથી અને ટ્રાયલમાં ઘણો સમય લાગી શકે એમ છે. સાથે એવી પણ દલીલ કરવામાં આવી કે આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી.

પરંતુ જ્યારે રાજ્ય સરકારે દલીલ કરી ત્યારે જાણવા મળ્યું કે મોહમ્મદ આરિફ વિરુદ્ધ આ પ્રકારના આઠ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. દર વખતે તે જામીન લઈને બહાર આવી જતો હતો અને ફરી ગૌમાંસની હેરાફેરીમાં લાગી જતો. સરકારે આ તમામ કેસની યાદી કોર્ટમાં રજૂ કરીને કહ્યું કે આરોપીની પ્રવૃત્તિથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડી શકે એમ છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સર્જાય શકે તેમ છે. ઉપરાંત જે આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા તેમને પકડવાના હજુ બાકી છે.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને રેકર્ડ પરની સામગ્રી ચકાસ્યા બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આરોપી સામે કેસ બનતો જણાય છે. ઉપરાંત કોર્ટે એ હકીકત પણ ધ્યાને લીધી કે આરોપીને અગાઉ જામીન આપવામાં આવ્યા હતા ત્યારે તેણે સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને ફરી ગુનાઓ ચાલુ કરી દીધા હતા.

જામીન અરજી નકારતાં કોર્ટે શું કહ્યું?

કોર્ટે સાથે એક અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું, “બંધારણ કહે છે કે દરેક નાગરિકે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ અને અન્ય સજીવો પ્રત્યે કરુણતા દાખવવી જોઈએ. મૂળભૂત અધિકારો આમ તો સીધી રીતે લાગુ નથી થતા પણ તે બંધારણની મૂળ ભાવના અને કારોબારીની મંશા દર્શાવે છે. આ જ બંધારણીય નિર્દેશોને ધ્યાનમાં રાખતાં ગુજરાત સરકારે પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ બનાવ્યા છે. ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગાય અને તેના વંશના વધ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેના સંરક્ષણ અને સુરક્ષાની જોગવાઈઓ કરવામાં આવી છે.”

આગળ કોર્ટે કહ્યું, “પ્રથમ દૃષ્ટિએ જણાય છે કે આરોપી વારંવાર ગૌવંશની હત્યા અને તેના ગેરકાયદેસર પરિવહન સાથે સંબંધિત ગુનાઓમાં સંડોવાતો રહ્યો છે. આ પ્રકારની ગતિવિધિઓ સાર્વજનિક વ્યવસ્થા અને સાંપ્રદાયિક સૌહાર્દ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે એમ છે.”

‘ગાય હિંદુઓ માટે પવિત્ર, તેની હત્યા ધાર્મિક ભાવનાઓ દુભાવી શકે’

કોર્ટે અગત્યની ટિપ્પણી કરીને કહ્યું, “કોર્ટ એ હકીકત પણ અવગણી ન શકે કે ભારતીય સમાજના એક મોટા વર્ગ માટે, ખાસ કરીને હિંદુઓ અને જૈનો માટે, ગાય પવિત્ર છે અને તેઓ તેના સંરક્ષણને મહત્ત્વપૂર્ણ માને છે. આ સંજોગોમાં વારંવાર ગૌહત્યાના ગુનામાં સંલિપ્તતા લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચાડી શકે અને સામાજિક તણાવ સર્જી શકે તેમ છે.”

કોર્ટે એમ પણ કહ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતા જરૂરી છે, તેનું મહત્ત્વ પણ છે પરંતુ તે સંપૂર્ણ નથી અને સાથે સમાજનું વિશાળ હિત પણ જોવાનું રહે છે. વ્યક્તિગત સ્વતંત્રતા સમાજનાં હિતો પર હાવી ન થઈ શકે. ન્યાયાલય માટે એ જરૂરી છે કે આરોપોની વ્યક્તિગત સ્વતંત્રતા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટેનાં સામાજિક હિતો, બંને વચ્ચે સંતુલન જળવાય રહે.

જોકે કોર્ટે ટ્રાયલ કોર્ટને ટ્રાયલ ઝડપી ચલાવવા માટે કહ્યું છે અને પ્રોસિક્યુશનને નિર્દેશ આપ્યા છે કે તેઓ જલ્દીથી સાક્ષીઓની તપાસ પૂર્ણ કરે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં