
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મંગળવારે એક મોટી કાર્યવાહી હાથ ધરી. સરખેજ વિસ્તારમાં સાણંદ ક્રોસિંગ નજીક આવેલી મરિયમ મસ્જિદ સાથે સંકળાયેલા એક ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સાણંદ ક્રોસિંગ પાસે આ માળખું કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ચણી દેવામાં આવ્યું હતું. આ અંગેની જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે પોલીસ કાફલાની હાજરીમાં આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી નાખ્યું છે.
AMC Razes Illegal Construction Linked to Mosquehttps://t.co/ltNJ0rrbif pic.twitter.com/mqLuCAkn60
— DeshGujarat (@DeshGujarat) June 30, 2026
મહત્વનું છે કે સાણંદ ક્રોસિંગ એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ જતા વાહનો માટે મહત્વનો રોડ છે. આ વ્યસ્ત રોડની બંને બાજુએ ગેરકાયદેસર અતિક્રમણને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર આ આકરા પગલાં લઈ રહ્યું છે.

