SIR દરમ્યાન માત્ર તેલુગુમાં ફોર્મ આપવાના નિર્ણયને પડકારતી અરજી પર તાત્કાલિક રાહત આપવાનો તેલંગાણા હાઇકોર્ટનો ઇનકાર, 20%થી વધુ ઉર્દૂ બોલતા લોકો હોય ત્યાં તે ભાષામાં ફોર્મ આપવા વિચારણા કરવા નિર્દેશ

તેલંગાણા હાઇકોર્ટે SIR માટેના એન્યુમરેશન ફોર્મ માત્ર તેલુગુ ભાષામાં છાપવાના નિર્ણય સામે દાખલ થયેલી અરજી પર તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે. જોકે કોર્ટે ચૂંટણી પંચને સૂચન કર્યું છે કે જ્યાં કોઈ મતવિસ્તારમાં ઉર્દૂ ભાષા જાણતા મતદારોની સંખ્યા 20 ટકાથી વધુ હોય ત્યાં તેમની માંગ મુજબ ઉર્દૂમાં પણ ફોર્મ ઉપલબ્ધ કરાવવા અંગે વિચાર કરવો જોઈએ. જોકે કોઈ અંતિમ આદેશ આપવામાં આવ્યો નથી.

આ અરજી કરીમનગરના વકીલ એમ.એ. મુજીબ અયુબે દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે રાજ્યભરમાં 25 જૂનથી 24 જુલાઈ 2026 દરમિયાન ચાલનારી SIR પ્રક્રિયામાં ફોર્મ માત્ર તેલુગુમાં આપવાથી તેલુગુ ન જાણતા મતદારોને મુશ્કેલી પડે છે. તેમણે ચૂંટણી પંચને સમગ્ર રાજ્યમાં તેલુગુ અને અંગ્રેજી બંને ભાષામાં ફોર્મ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવા માંગ કરી હતી.

અરજદારના વકીલે કોર્ટમાં જણાવ્યું કે હૈદરાબાદ ઉપરાંત સમગ્ર તેલંગાણામાં અનેક લોકો તેલુગુ ભાષા જાણતા નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે માત્ર તેલુગુમાં ફોર્મ આપવાનો નિર્ણય ઉર્દૂ ભાષી મતદારો માટે અન્યાય સમાન છે. બીજી તરફ ચૂંટણી પંચે દલીલ કરી કે રાજ્યની પ્રથમ સત્તાવાર ભાષા તેલુગુ હોવાથી ફોર્મ તેલુગુમાં છપાય છે, જ્યારે ગ્રેટર હૈદરાબાદ વિસ્તારમાં અંગ્રેજી ફોર્મ પણ ઉપલબ્ધ છે.

ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે દરેક ભાષામાં ફોર્મ છાપવાથી સંસ્થા પર મોટો આર્થિક બોજ પડશે. તેથી ઉર્દૂ ભાષી મતદારોને મદદરૂપ થવા માટે બૂથ લેવલ અધિકારીઓ (BLO) પાસે ઉર્દૂનાં ડમી ફોર્મ રાખવામાં આવ્યાં છે, જેથી મતદારોને માહિતી સમજાવી શકાય અને તેલુગુના મૂળ ફોર્મમાં યોગ્ય વિગતો ભરી શકાય.

કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો કર્યો ઇનકાર

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તાત્કાલિક કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો. જોકે કોર્ટે સૂચન કરતાં કહ્યું છે કે જ્યાં ઉર્દૂ ભાષી મતદારોની સંખ્યા 20 ટકાથી વધુ હોય ત્યાં ઉર્દૂમાં ફોર્મ આપવાની શક્યતા પર ચૂંટણી પંચે વિચાર કરવો જોઈએ અને આગામી સુનાવણીમાં તેની જાણ કોર્ટને કરવી જોઈએ. સુનાવણી દરમિયાન કોર્ટે ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ વગેરે રાજ્યોમાં ફોર્મ કઈ ભાષામાં આપવામાં આવે છે તેની માહિતી પણ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપીને સુનાવણી અઠવાડિયા પછી મુકરર કરી છે.