સબરીમાલા ગોલ્ડ કેસ: પૂર્વ દેવસ્વમ બોર્ડ પ્રમુખ સામે નવા કેસની મંજૂરી, SITએ કહ્યું- દ્વારપાલક મૂર્તિઓ પરથી સોનું હટાવીને કરાઈ ગેરરીતિ

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા અય્યપ્પા મંદિરમાં સોનાચોરીના કેસમાં સોમવારના (29 જૂન) રોજ કેરળ હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન અનેક મહત્વના ખુલાસા થયા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) કોર્ટને જણાવ્યું કે મંદિરના શ્રીકોયિલના (ગર્ભગૃહ) સ્વર્ણજડિત દરવાજાની ફ્રેમમાંથી સોનાની ગેરરીતિની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર અંતિમ રિપોર્ટ દાખલ કરવાનો બાકી છે. બીજી તરફ દ્વારપાલક મૂર્તિઓમાંથી સોનાની ગેરરીતિની તપાસ હજુ ચાલુ છે.

સુનાવણી દરમિયાન કેરળ હાઇકોર્ટે SITને નવા પુરાવાના આધારે ટ્રાવણકોર દેવસ્વમ બોર્ડના (TDB) પૂર્વ પ્રમુખ પી.એસ. પ્રશાંત સામે નવો ગુનો નોંધવાની અથવા હાલની તપાસમાં વધારાનો રિપોર્ટ દાખલ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે SITને તપાસમાં કોઈ કસર ન રાખવા અને જવાબદાર દરેક વ્યક્તિને કાયદા મુજબ ન્યાય સુધી પહોંચાડવાનો નિર્દેશ પણ આપ્યો છે.

2019માં મૂર્તિઓ ચેન્નઈ લઈ જઈ સોનું હટાવાયું હોવાનો આરોપ

SITના સ્ટેટસ રિપોર્ટ મુજબ 1998માં સ્વર્ણજડિત કરાયેલી દ્વારપાલક મૂર્તિઓને 2019માં મુખ્ય આરોપી અને સ્પોન્સર ઉન્નિકૃષ્ણન પોટ્ટીના કહેવાથી ચેન્નઈ લઈ જવામાં આવી હતી. તપાસમાં એવો આરોપ છે કે ત્યાં મૂર્તિઓ પરથી મૂળ સોનાનું આવરણ ઉતારી લેવામાં આવ્યું હતું અને ફરી પ્લેટિંગ માટે જેટલું જરૂરી હતું એટલું જ સોનું વાપરી બાકીનું સોનું ગેરરીતિથી હડપ કરવામાં આવ્યું હતું.

SITએ વધુમાં જણાવ્યું કે કામની ગુણવત્તા નબળી હોવા છતાં 40 વર્ષની વોરંટીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જોકે થોડા જ મહિનામાં ગોલ્ડ પ્લેટિંગ ઊખડવા લાગતાં નીચેનું તાંબું દેખાવા લાગ્યું હતું.

2025માં ફરી રચાયું ષડ્યંત્ર

તપાસ મુજબ અગાઉની ગેરરીતિ છુપાવવા માટે 2025માં ફરી દ્વારપાલક મૂર્તિઓને ગોલ્ડ પ્લેટિંગના બહાને ચેન્નઈ મોકલવાનું ષડ્યંત્ર રચાયું હતું. SITનો આરોપ છે કે પી.એસ. પ્રશાંત ટ્રાવણકોર દેવસ્વમ બોર્ડના પ્રમુખ બન્યા બાદ ઉન્નિકૃષ્ણન પોટ્ટીએ તેમનો વિશ્વાસ જીતી આ પ્રક્રિયાને આગળ ધપાવી હતી.

તપાસમાં એવો પણ આરોપ છે કે બોર્ડના કેટલાક સભ્યોને ખબર હોવા છતાં કે આ પ્રક્રિયા દેવસ્વમ મેન્યુઅલ અને હાઇકોર્ટના અગાઉના આદેશોનું ઉલ્લંઘન કરે છે, તેમ છતાં તેમણે મૂર્તિઓ ફરી મોકલવાનો નિર્ણય કર્યો હતો. SITના જણાવ્યા અનુસાર અધિકારીઓ અને આરોપીઓ વચ્ચે થયેલા સંદેશાવ્યવહાર પરથી એવું પણ સામે આવ્યું છે કે કેટલાક લોકોને 2019માં ઉતારવામાં આવેલા બાકીના સોનાની જાણ હતી, છતાં તેમણે કાર્યવાહી કરવાના બદલે ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કર્યો.

અનેક અધિકારીઓ સામે ગંભીર આરોપો

SITએ કોર્ટને જણાવ્યું કે અત્યાર સુધી એકત્ર થયેલા પુરાવા એક્ઝિક્યુટિવ ઓફિસર મુરારી બાબુ, સ્પોન્સર ઉન્નિકૃષ્ણન પોટ્ટી, સ્માર્ટ ક્રિએશન્સના માલિક પંકજ ભંડારી, પૂર્વ TDB પ્રમુખ પી.એસ. પ્રશાંત, બોર્ડ સભ્ય એ. અજિકુમાર, સબરીમાલાના તંત્રી કંદરારુ રાજીવરારુ અને થિરુવાભરણમ કમિશનર રેજીલાલની ભૂમિકા દર્શાવે છે.

SITના જણાવ્યા અનુસાર આ તમામ સામે વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને ગુનાહિત ષડ્યંત્ર સહિત ભારતીય ન્યાય સંહિતાની (BNS) વિવિધ કલમો હેઠળ ગુનાઓ બનતા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

અન્ય અધિકારીઓની પણ તપાસ ચાલુ

હાઇકોર્ટે નોંધ્યું કે દેવસ્વમ બોર્ડના પૂર્વ સભ્ય સુંદરેશન, સચિવ બિંધુ, તંત્રી મહેશ મોહનારારુ, પૂર્વ થિરુવાભરણમ કમિશનર સુનિલા, પૂર્વ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓ.જી. બિજુ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શ્રીનિવાસ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ ઓફિસર હેમંત, બેલ્લારીના ઝવેરી પાંડુરંગૈયા નાગા ગોવર્ધન અને પૂર્વ એક્ઝિક્યુટિવ ઓફિસર વી.એસ. રાજેન્દ્ર પ્રસાદની ભૂમિકા પણ હજુ તપાસ હેઠળ છે. જો તેમની સામે પૂરતા પુરાવા મળશે તો SIT વધારાની ચાર્જશીટ દાખલ કરી શકશે.

408 સાક્ષીઓ, હાર્ડ ડિસ્ક અને વૈજ્ઞાનિક તપાસ

SIT અત્યાર સુધીમાં 408 સાક્ષીઓના નિવેદનો નોંધાવી ચૂકી છે. તપાસ દરમિયાન મંદિરના રેકોર્ડ ધરાવતા 1 TBના બે અને 2 TBની એક હાર્ડ ડિસ્ક જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.

જમશેદપુર સ્થિત નેશનલ મેટલર્જિકલ લેબોરેટરી (NML) અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના (VSSC) વૈજ્ઞાનિક અહેવાલોના આધારે SITનું કહેવું છે કે સોનાચોરી કેવી રીતે થઈ તેની સ્પષ્ટ સમજ મળી છે. જોકે દ્વારપાલક મૂર્તિઓ સંબંધિત વધુ એક નિષ્ણાત અહેવાલની રાહ જોવાઈ રહી હોવાથી SITએ વધુ સમય માંગ્યો છે, જેને હાઇકોર્ટે મંજૂરી આપી છે.

પૂર્વ TDB પ્રમુખનો બચાવ

આ સમગ્ર મામલે પૂર્વ TDB પ્રમુખ પી.એસ. પ્રશાંતે જણાવ્યું કે આ તેમના માટે ‘અનપેક્ષિત’ છે. તેમણે કહ્યું કે 2025માં મૂર્તિઓને ફરી પ્લેટિંગ માટે મોકલવામાં કોર્ટની મંજૂરી લેવામાં આવી નહોતી, તે સિવાય તેમની સામે કોઈ આરોપ નથી. તેમના કહેવા મુજબ તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને 2019માં સોનાની ગેરરીતિ વિશે તેમના બોર્ડને કોઈ જાણકારી નહોતી. હાઇકોર્ટે આ મામલે આગામી સુનાવણી 20 જુલાઈના રોજ નિર્ધારિત કરી છે.