
મુંબઈમાં મોહરમના જુલૂસ દરમ્યાન ઝેરીલી કેપ્સ્યુલ વહેંચનાર ફૈયાઝ પ્રેમજી નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને સાથે કહ્યું છે કે પોતે 15000 માણસોને મારવા માગતો હતો અને ટાર્ગેટ જુલૂસ જ હતું. પોલીસે તેને રિમાન્ડ પર લઈને આગળની પૂછપરછ હાથ ધરી છે.
ફૈયાઝ પ્રેમજી લોકોને ‘પેઇનકિલર’ અને ‘ઇમ્યુનિટી બૂસ્ટર’ ગણાવીને દવા આપી રહ્યો હતો. વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે તેણે જુલૂસ દરમ્યાન કેપ્સ્યુલ ઉપર પણ ઉછાળી હતી. તેની પાસેથી 14900 કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી છે.
ફૈયાઝે વહેંચેલી કેપ્સ્યુલમાંથી એક કેપ્સ્યુલ સલમાન નામની એક વ્યક્તિએ ખાઈ લેતાં તેની તબિયત બગડી હતી. તેને પછીથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે ડૉક્ટરોએ પૂછવા પર જણાવ્યું કે તેણે કેપ્સ્યુલ ખાધી હતી. ડૉક્ટરોએ પોલીસને જાણકારી આપતાં પોલીસે આરોપીની શોધખોળ આદરી અને આખરે ફય્યાઝને પકડી લીધો હતો.
કેપ્સ્યુલમાં વાસ્તવમાં ઝિંક ફોસ્ફાઈડ હતું. જે ખાવાથી અન્ય પણ 11 લોકોની તબિયત બગડી હતી. પોલીસે ફૈયાઝને પકડીને કોર્ટમાં રજૂ કરતાં તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું કે પોતે 15000 લોકોને મારવા માગતો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મોહરમ પર જેજે ફ્લાયઓવર જંક્શનથી જુલૂસ નીકળે છે.
પોલીસ અનુસાર ફૈયાઝે ઓનલાઇન લગભગ 40,000 ખાલી કેપ્સ્યુલ ખરીદી હતી અને પચાસ કિલો ઝીંક ફોસ્ફાઇડ પણ ઓર્ડર કર્યું હતું. આ ઉંદર મારવાની દવામાં વપરાય છે. ઉપરાંત ખેતીમાં પણ કીટનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે.
ફૈયાઝ પોતે શિયા મુસ્લિમ છે. પુણેમાં બાપની એક પેઇન્ટ કંપની સંભાળે છે. નિકાહ થયા છે પણ પત્ની સાથે રહેતી નથી. બહેન અને માતા સહિતના તેના અમુક સંબંધીઓ ઈરાનમાં રહે છે. 2019થી અનેક વખત તે ઈરાન અને ઈરાકની યાત્રા કરી ચૂક્યો છે. ગયા વર્ષે પણ બે વખત ઈરાન ગયો હતો. તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

