પ્રાઇવેટ ટૂર ઑપરેટરની મદદથી માનસરોવર યાત્રાએ ગયેલા 52 ભારતીયો નેપાળમાં ફસાયા, પરમિટના અભાવે ચીનમાં પ્રવેશ ન અપાયો: સરકારે બહાર પાડી એડવાઈઝરી

કૈલાશ માનસરોવરની યાત્રા દરમ્યાન ચીનમાં પ્રવેશ માટે પૂરતી પરમિટ અને વિઝા ન હોવાના કારણે અમુક યાત્રાળુઓ નેપાળમાં ફસાયા બાદ વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી બહાર પાડીને જણાવ્યું છે કે આ તમામ પ્રાઇવેટ ટુર ઑપરેટરોની મદદથી ગયા હતા. સાથે સરકારે અપીલ કરી છે કે યાત્રા કરનારા સૌ પૂરતાં ડોક્યુમેન્ટ સાથે રાખે અને ખાસ તો ટુર ઑપરેટર રજિસ્ટર્ડ અને ઓથોરાઇઝ્ડ છે કે કેમ તે ચકાસી લે.

તાજેતરમાં માનસરોવર યાત્રા શરૂ થઈ છે. દરમ્યાન એક સમાચાર આવ્યા કે નેપાળમાં અમુક ભારતીયો ફસાઈ ગયા છે. તેમને અમુક દસ્તાવેજો અને પરમિટના અભાવે ચીનમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ તેમણે હવે ભારત સરકાર પાસે મદદ માંગી છે.

વિદેશ મંત્રાલયની એડવાઇઝરી

શનિવારે (27 જૂન) એક X પોસ્ટમાં NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેએ નેપાળમાં 52 ભારતીયો ફસાયા હોવાની જાણકારી આપીને સરકાર પાસે મદદ માંગી હતી. સાથે વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસને અપીલ કરીને યાત્રાળુઓની મદદ કરવા અને તેમની યાત્રા આગળ વધે એ સુનિશ્ચિત કરવા માટે અપીલ કરી હતી.

હવે વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી બહાર પાડી છે. જેમાં જણાવવામાં આવ્યું કે નેપાળમાં જેઓ ફસાયા છે અને જેમને ચીનમાં પ્રવેશ નથી અપાયો તેઓ પ્રાઇવેટ ટુર ઑપરેટરની મદદથી ગયા હતા, જેમની પાસે ન પરમિટ હતી, ન ચીનના વિઝા હતા.

આગળ જણાવવામાં આવ્યું કે, ‘નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે યાત્રા માટે જે કંઈ દસ્તાવેજોની જરૂર હોય તે પોતાની પાસે હોય તેની ખાતરી કરીને જ ભારતથી યાત્રાનો પ્રારંભ કરે. ડોક્યુમેન્ટેશન વગર કે પરવાનગી વગર જ યાત્રા શરૂ કરવાથી આ રીતે ફસાઈ જવાની સંભાવના છે. ઉપરાંત યાત્રાળુઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટુર ઑપરેટર રજિસ્ટર્ડ અને માન્યતા પ્રાપ્ત છે કે કેમ તેની ખરાઈ કરી લે.

ઉલ્લેખનીય છે કે ગત 20 જૂનના રોજ ભારતથી યાત્રાળુઓના પહેલા બેચે ચીનમાં પ્રવેશ કર્યો હતો. હાલ યાત્રા ચાલી રહી છે. આ વર્ષે ભારત-ચીન વચ્ચે યાત્રા ફરીથી શરૂ કરવા માટે સહમતિ બની હતી.