હોમપેજએક્સપ્લેઇનરપાસપોર્ટ માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ, નાગરિકતાનો અંતિમ પુરાવો નહીં…ન આધાર, ન વૉટર આઇડી…તો...

પાસપોર્ટ માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ, નાગરિકતાનો અંતિમ પુરાવો નહીં…ન આધાર, ન વૉટર આઇડી…તો ભારતમાં નાગરિકતા કઈ રીતે સાબિત થાય છે?– સમજો

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાસપોર્ટનો પ્રાથમિક અને મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવાનો છે. તે વિદેશમાં પાસપોર્ટ ધારકની ઓળખ અને રાષ્ટ્રીયતા અંગે માહિતી આપે છે. પરંતુ કાયદાકીય ગૂંચવણો કે વિવાદો દરમિયાન તે નાગરિકતાનું અંતિમ અને સર્વોચ્ચ પ્રમાણપત્ર ગણી શકાતું નથી.

- Advertisement -

હમણાં વિદેશ મંત્રાલયે એક સ્પષ્ટતા કરતાં કહ્યું કે ભારતીય પાસપોર્ટ કે નાગરિકતાનું પ્રમાણ નથી પણ ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે પછી સોશિયલ મીડિયામાં એક ચર્ચા શરૂ થઈ છે કે પાસપોર્ટ જો નાગરિકતાનું પ્રમાણ ન હોય તો ભારતના નાગરિક હોવાનું પ્રમાણ શું છે? બીજું, વિદેશ મંત્રાલય ખરેખર શું કહેવા માંગે છે અને પાસપોર્ટનો ઉપયોગ શું છે.

એ સમજીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે આ વાત આમ તો નવી નથી કે એવું પણ નથી કે સરકાર હમણાં જ આવો કોઈ નિયમ કે નીતિ લઈને આવી હોય અને અચાનક તેની ઘોષણા કરી હોય. પાસપોર્ટ એક્ટ, સિટિઝનશિપ એક્ટ વગેરેનો અભ્યાસ કરશો, નિયમો જોશો તો સમજાશે કે આ હકીકત વર્ષોથી જગજાહેર છે અને અદાલતો પણ તેની ઉપર નિર્ણય આપી ચૂકી છે. વર્તમાન સમયમાં આ મુદ્દાને કોઈ નવી કાયદાકીય કટોકટી કે અચાનક આવેલા નીતિગત બદલાવ તરીકે જોવો બિલકુલ યોગ્ય નથી. આ વર્ષો જૂની કાયદાકીય સ્થિતિનું માત્ર એક સામાન્ય પુનરાવર્તન છે. હમણાં માત્ર વિદેશ મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં સ્પષ્ટતા કરી તેના કારણે મૂંઝવણ ઊભી થઈ છે.

જોકે પછીથી આ સ્પષ્ટતા કરીને કહેવામાં આવ્યું કે આ કોઈ તાજો નિર્ણય નથી અને એવું પણ નથી કે આ સરકાર કંઈ નવું લાવી હોય. પાસપોર્ટ ક્યારે નાગરિકતાનું અંતિમ પ્રમાણ માનવામાં આવ્યો નથી. તેના માટે પાસપોર્ટ એક્ટનો પણ સંદર્ભ આપવામાં આવ્યો. એ વિગતવાર સમજીએ.

- Advertisement -

‘પાસપોર્ટ અધિનિયમ, 1967’ શું કહે છે?

સમગ્ર ચર્ચાના કેન્દ્રમાં ‘ધ પાસપોર્ટ એક્ટ, 1967’ છે. પાસપોર્ટ એક્ટનો સેક્શન 3 કહે છે કે કોઈ પણ વ્યક્તિ વેલિડ પાસપોર્ટ કે ટ્રાવેલ ડોક્યુમેન્ટ વગર ભારત છોડી શકે નહીં. સેક્શન 5માં પાસપોર્ટ ઓથોરિટીને અરજદારની અરજી ચકાસીને યોગ્ય જરૂરી તપાસ કરવા માટેની સત્તા આપવામાં આવી છે. સેક્શન 6(2)(a) કહે છે કે જો અરજદાર ભારતીય નાગરિક ન હોય તો તેને પાસપોર્ટ ઇસ્યુ કરી શકાય નહીં. અર્થાત્ પાસપોર્ટ ઇસ્યુ કરતી વખતે નાગરિકતા ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ આ જ કાયદો આગળ વાંચશો તો સમજાશે કે કેમ પાસપોર્ટ એ નાગરિકતાનું અંતિમ પ્રમાણ ગણવામાં આવતો નથી.

પાસપોર્ટ એક્ટની કલમ 20 હેઠળ કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપવામાં આવી છે. જે મુજબ જો કેન્દ્ર સરકારને જાહેર હિતમાં કોઈ કારણસર જરૂરી જણાય તો તે એવી વ્યક્તિને પણ પાસપોર્ટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ ઇસ્યુ કરી શકે છે જે ભારતનો નાગરિક નથી. આ કાયદાકીય જોગવાઈ જ એ સાબિત કરે છે કે માત્ર પાસપોર્ટ હોવો એ નાગરિકતા પર કોઈ શંકા ન હોવાનો અકાટ્ય પુરાવો બની શકતો નથી.

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાસપોર્ટનો પ્રાથમિક અને મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવાનો છે. તે વિદેશમાં પાસપોર્ટ ધારકની ઓળખ અને રાષ્ટ્રીયતા અંગે માહિતી આપે છે. પરંતુ કાયદાકીય ગૂંચવણો કે વિવાદો દરમિયાન તે નાગરિકતાનું અંતિમ અને સર્વોચ્ચ પ્રમાણપત્ર ગણી શકાતું નથી.

ભારતીય અદાલતો પણ આ મુદ્દે ભૂતકાળમાં સ્પષ્ટ અભિપ્રાય આપી ચૂકી છે. વર્ષ 2013માં બૉમ્બે હાઇકોર્ટે પણ જણાવ્યું હતું કે માત્ર પાસપોર્ટની હોવાથી નાગરિકતા આપોઆપ સિદ્ધ થઈ જતી નથી. કાયદાકીય તપાસ દરમિયાન કેટલાક કેસોમાં પાસપોર્ટ રજૂ કરવા છતાં નાગરિકતા અંગેના વિવાદો ચાલુ રહ્યા હોવાના દાખલા છે.

કોણ ગણાય ભારતનો નાગરિક?

આ સ્થિતિ વચ્ચે સ્વાભાવિક સવાલ થાય કે તો પછી ભારતીય નાગરિક કોણ ગણાય?

ભારતની નાગરિકતા મુખ્યત્વે દેશના બંધારણ અને ‘નાગરિકતા અધિનિયમ, 1955’ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ કાયદા હેઠળ કોઈ વ્યક્તિ જન્મ, વંશપરંપરા (Descent), નોંધણી (Registration), નેચરલાઇઝેશન (Naturalisation) અથવા કોઈ નવા પ્રદેશના ભારતમાં સમાવેશ દ્વારા નાગરિક બની શકે છે.

દુનિયાના કેટલાક અન્ય દેશોની જેમ ભારત પાસે કોઈ એક સિંગલ ‘રાષ્ટ્રીય નાગરિકતા કાર્ડ’ નથી જે દરેક નાગરિક પાસે અનિવાર્યપણે હોય. ભારતમાં એવો કોઈ એકમાત્ર દસ્તાવેજ નથી જેને દરેક પરિસ્થિતિમાં નાગરિકતાનો આખરી પુરાવો ગણાવી શકાય. તેથી નાગરિકતા સાબિત કરવા માટે ઘણી વખત વિવિધ દસ્તાવેજોના સંયોજનની (કૉમ્બિનેશન) જરૂર પડે છે.

સામાન્ય રીતે જન્મ પ્રમાણપત્ર (Birth Certificate), માતા-પિતાની નાગરિકતા દર્શાવતા દસ્તાવેજો, મતદાર ઓળખપત્ર (Voter ID), શાળા પ્રમાણપત્રો (LC) અને ડોમિસાઇલ રેકોર્ડ જેવા સરકારી દસ્તાવેજો નાગરિકતા સાબિત કરવા માટે ઉપયોગી બને છે. જોકે, દરેક કેસમાં વ્યક્તિની પરિસ્થિતિના આધારે પુરાવા નક્કી થાય છે.

જન્મના આધારે નક્કી થાય છે નાગરિકતા

ભારતમાં જન્મના આધારે નાગરિકતા નક્કી કરવા માટે વ્યક્તિની જન્મ તારીખ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. 26 જાન્યુઆરી 1950થી 1 જુલાઈ 1987 વચ્ચે ભારતમાં જન્મેલા લોકો સામાન્ય રીતે જન્મથી જ ભારતીય નાગરિક ગણાય છે. પરંતુ ત્યારબાદના વર્ષોમાં કાયદામાં સુધારા થતાં માતા કે પિતામાંથી કોઈ એક અથવા બંને ભારતીય નાગરિક હોવા જેવી શરતો ઉમેરાતી ગઈ છે. જેમકે 1 જુલાઈ 1987થી 3 ડિસેમ્બર 2004 સુધી જન્મેલા લોકો માટે જન્મ સમયે માતા-પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોવું જરૂરી છે. 3 ડિસેમ્બર 2004 કે ત્યારબાદ જન્મેલા માટે જોગવાઈ એ છે કે માતા-પિતા બંને ભારતીય નાગરિક હોવાં જોઈએ, અથવા એક નાગરિક હોય તો એ સ્થિતિમાં માન્ય ગણી શકાય કે બીજું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ન હોવું જોઈએ.

આ સમગ્ર ચર્ચામાં લોકોના મનમાં આધાર કાર્ડ અને પાન (PAN) કાર્ડ વિશે પણ અનેક પ્રશ્નો ઉઠે છે. પરંતુ કાયદાકીય રીતે આધાર કાર્ડ એ નાગરિકતાનો પુરાવો નથી. આધાર એક્ટ હેઠળ ભારતમાં રહેતા અમુક વિદેશી અથવા બિન-નાગરિક રહેવાસીઓને પણ આધાર કાર્ડ મળી શકે છે, કારણ કે તે માત્ર ઓળખ અને રહેઠાણનો પુરાવો છે. તેવી જ રીતે પાન કાર્ડ પણ માત્ર કરવેરા (Tax) સંબંધિત ઓળખ દસ્તાવેજ છે. તે તમને ટેક્સપેયર તરીકેની ઓળખ આપી શકે.

સામાન્ય રીતે લોકો જેને મોટો પુરાવો માને છે તે મતદાર ઓળખપત્ર (Voter ID) અંગે પણ કાયદાકીય ગેરસમજો છે. નિયમ મુજબ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ભારતીય નાગરિક હોવું અનિવાર્ય છે, પરંતુ માત્ર મતદાર કાર્ડ હાથમાં હોવું એ નાગરિકતાનો અંતિમ કાયદાકીય પુરાવો નથી. ચૂંટણી સત્તાધિકારીઓ જરૂર પડે ત્યારે વ્યક્તિની પાત્રતા અંગે કાયદેસર વધુ તપાસ કરી શકે છે. ઉપરાંત ચૂંટણી યાદીમાંથી નામ નીકળી જાય તેનો પણ અર્થ એ નથી કે વ્યક્તિ નાગરિક મટી ગઈ.

‘નાગરિકતા પ્રમાણપત્ર’ કયા કિસ્સામાં મળી શકે?

આવા સંજોગોમાં કોઈ વ્યક્તિની નાગરિકતા પર પ્રશ્નાર્થ સર્જાય તો તે કેન્દ્ર સરકાર પાસે ‘સિટિઝનશિપ સર્ટિફિકેટ’ની માંગ કરી શકે છે. સિટિઝનશિપ એક્ટની કલમ 13માં આ જોગવાઈ છે. જે કહે છે કે જો કોઈ વ્યક્તિની નાગરિકતા પર શંકા હોય તો કેન્દ્ર સરકાર જો તેને લાગે તો વ્યક્તિ જો પાત્ર હોય તો તેને નાગરિકતા પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકે છે. જો આવું પ્રમાણપત્ર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે તો તે નાગરિકતાનું અંતિમ પ્રમાણ ગણી શકાય. પણ અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ પ્રમાણપત્ર દેશના તમામ નાગરિકને મળતું નથી.

નાગરિકતા પ્રમાણપત્રની જોગવાઈ એ જ કિસ્સા માટે કરવામાં આવી છે જ્યારે કોઈની નાગરિકતા પર પ્રશ્ન ઉભો થાય. જે વ્યક્તિ પહેલેથી ઉપર જણાવ્યા એ ક્રાઈટેરિયામાં ફિટ બેસતી હોય કે કોઈ ઓથોરિટી દ્વારા તેની નાગરિકતા પર પ્રશ્ન ન કરવામાં આવ્યો હોય તેને આવા પ્રમાણપત્રની જરૂર રહેતી નથી કે તેને સર્ટિફિકેટ અપાતું પણ નથી. આ જોગવાઈ માત્ર શંકાના નિવારણ માટે વિશેષ કિસ્સામાં ઉપયોગમાં લેવા માટે રાખવામાં આવી હતી. દેશના દરેક નાગરિકને પ્રમાણપત્ર મળતું નથી.

નિષ્કર્ષ શું?

કાયદાની નજરે જોવામાં આવે તો કોઈ એક સિંગલ દસ્તાવેજ નાગરિકતાના પ્રશ્નનો દરેક સંજોગોમાં આખરી જવાબ આપી શકતો નથી. ઓથોરિટી કે અદાલતો સામાન્ય રીતે વ્યક્તિના તમામ દસ્તાવેજો, પરિવારની પૃષ્ઠભૂમિ, જન્મની વિગતો અને અન્ય તમામ સ્થાનિક પુરાવાઓને એકસાથે ધ્યાનમાં લઈને જ કોઈ આખરી નિર્ણય કરે છે. એટલે કે નાગરિકતા એ કોઈ એક કાગળથી નહીં પરંતુ પુરાવાઓની શૃંખલાથી સ્થાપિત થાય છે. ભારતમાં નાગરિકતા માટે કોઈ એક દસ્તાવેજ નથી. એટલા માટે જ NRC– નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ જરૂરી છે પણ હમણાં જે વિપક્ષ કોઈ એક નાગરિકતા દસ્તાવેજ ન હોવાની વાતે હલ્લાબોલ કરી રહ્યો છે એ જ વિપક્ષ NRCનું નામ સાંભળીને ભડકી ઉઠે છે અને આખી પ્રક્રિયાનો વિરોધ કરવાનું શરૂ કરી દે છે!

છેલ્લે એટલું સમજી શકાય કે વિદેશ મંત્રાલયે કરેલી સ્પષ્ટતા કોઈ નવો આદેશ નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી કાયદાકીય સ્થિતિની યાદ અપાવતું નિવેદન છે. પાસપોર્ટ એ ભારતીય નાગરિક હોવાનો ખૂબ જ મજબૂત અને પ્રતિષ્ઠિત પુરાવો ચોક્કસ છે, પરંતુ કાયદાકીય ચકાસણી કે વિવાદના સમયે તે અચૂક કે અંતિમ પુરાવો નથી. ભારતમાં નાગરિકતાની પ્રક્રિયા આજે પણ વિવિધ દસ્તાવેજો અને પરિસ્થિતિઓના સંયુક્ત મૂલ્યાંકન પર જ નિર્ભર કરે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં