મહારાષ્ટ્રના પુણે નજીકના ઐતિહાસિક લોહગઢ કિલ્લાએ ફરવા ગયેલા એક 26 વર્ષીય યુવક કેતન અગ્રવાલના મૃત્યુના કેસે દેશભરમાં ચર્ચા જગાવી છે. 18 જૂનની આ ઘટનાને શરૂઆતમાં ટ્રેકિંગ દરમ્યાન બનેલા એક કરુણ અકસ્માત તરીકે જોવામાં આવતી હતી પણ પછીથી જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ ખબર પડી કે આ ઘટના વાસ્તવમાં અત્યંત ક્રૂર, સુનિયોજિત અને ઠંડા કલેજે ષડ્યંત્રપૂર્વક ઘડવામાં આવેલા એક પ્રિ-મેડિટેટેડ મર્ડરની હતી. આ કેસમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.
મંગળવારે (23 જૂન) પોલીસે સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરી. પોલીસે તે પહેલાં બંનેની અટકાયત કરીને પૂછપરછ પણ કરી હતી. પૂછપરછમાં ઉડાઉ અને અસંતોષકારક જવાબો મળતાં આખરે પોલીસે બંનેની ધરપકડ કરી. પોલીસનું કહેવું છે કે બંનેએ પોતાની સંડોવણીની કબૂલાત કરી લીધી છે.
આ સમગ્ર કેસ શું છે, કઈ રીતે સામે આવ્યો અને પોલીસ કઈ રીતે હત્યાનો ભેદ ઉકેલવા સુધી પહોંચી? વાંચો.
આ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીના કેન્દ્રમાં ત્રણ મુખ્ય વ્યક્તિઓ છે. પ્રથમ છે મૃતક કેતન અગ્રવાલ જે પુણેના એક અત્યંત પ્રતિષ્ઠિત બિલ્ડર અને રિયલ એસ્ટેટ ડેવલપર પરિવારનો પુત્ર હતો અને પોતાની ફેમિલી ફર્મમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતો. બીજી છે મુખ્ય આરોપી 20 વર્ષીય સિયા ગોયલ, જે કેતનની મંગેતર હતી અને ફેબ્રુઆરી 2026માં બંનેની સગાઈ થઈ હતી. ત્રીજી વ્યક્તિ છે 22 વર્ષીય ચેતન ચૌધરી, જે સિયાનો પ્રેમી છે. તે આ ભયાનક ગુનામાં સિયાનો મુખ્ય ભાગીદાર બન્યો હતો.
18 જૂને શું બન્યું હતું?
કેતન અગ્રવાલનું 18મી જુને લોહગઢ કિલ્લા પરથી લગભગ 350 ફિટ ઊંડા ખાડામાં પડી જવાથી મોત થયું હતું. તે તેના મિત્રો અને મંગેતર સિયા સાથે કિલ્લા પર ફરવા માટે ગયો હતો. આગલા મહિને બંનેનાં લગ્ન થવાનાં હતાં, તે પહેલાં 20 જૂને આવતો સિયાનો જન્મદિવસ મનાવવા માટે સૌ એકઠા થયા હતા.
સિયા સાથેની વાતચીતમાં કેતનની બહેનને શંકા ગઈ
સિયાએ ત્યાં હાજર લોકો અને પોલીસને જણાવ્યું કે ભારે પવનના કારણે કેતનનો પગ લપસી ગયો અને અકસ્માતે તે નીચે પડી ગયો હતો. શરૂઆતમાં પોલીસે આને અકસ્માત તરીકે ગણીને અકસ્માતે મૃત્યુનો જ ગુનો નોંધ્યો હતો. પછીથી અંતિમ સંસ્કાર પણ થઈ ગયા. તેના ચાર દિવસ પછી સિયા કેતનના ઘરે તેના પરિવારને મળવા ગઈ અને અહીં કેતનની બહેન સાથે તેની જે વાતચીત થઈ તેનાથી પરિવારને શંકા જવા માંડી.
કેતનની બહેનને પહેલેથી અકસ્માતની વાત પર વિશ્વાસ થતો ન હતો. કેતનનાં માતા-પિતાને પણ શંકા હતી તેનું કારણ એ હતું કે કેતન અનુભવી ટ્રેકર હતો અને અનેક મુશ્કેલ ટ્રેક પર કર્યા હતા. લોહગઢ જેવા કિલ્લા પર સામાન્ય પવનમાં તેનો પગ લપસી જાય અને પડી જાય એ વાત તેમના ગળે પણ ઉતરતી ન હતી.
કેતનની બહેને સિયા સાથે વાતચીત કરી અને 18 જૂને શું બન્યું હતું એ વિશે પૂછપરછ કરી ત્યારે શંકા વધુ ગઈ કારણ કે સિયા એક પછી એક ઉડાઉ અને અસ્પષ્ટ જવાબો આપતી હતી. તેના કારણે કેતનની બહેને પરિવારને જણાવ્યું. આખરે પરિવાર પોલીસ પાસે ગયો અને મામલાની પહેલેથી તપાસ કરવા માટે માંગ કરી.
પરિવારે પોલીસને કહ્યું કે પહેલી નજરે અકસ્માત લાગતી ઘટના હત્યા હોય શકે છે. પોલીસે પરિવારની ફરિયાદના આધારે તપાસ વાળી દીધી અને હત્યાનો એન્ગલ ચકાસવાનો શરૂ કર્યો.
ભારે ગરમીમાં હૂડી પહેરીને ફરતા શખ્સે શંકા જગાવી, પછીથી એ ચેતન નીકળ્યો
પોલીસ તપાસ દરમ્યાન સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ બન્યા લોહગઢ કિલ્લાના પ્રવેશદ્વાર અને ટિકિટ કાઉન્ટર નજીક લાગેલા CCTV કેમેરાના ફૂટેજ. પોલીસે જોયું કે 33 ડિગ્રીની ગરમીમાં જ્યારે લોકો અડધી બાંયનાં ટી-શર્ટ પહેરીને ફરી રહ્યા હતા ત્યારે ત્યાં એક યુવક જાડી કાળી હૂડીથી ચહેરો ઢાંકીને હેડસેટ લગાવીને ફરતો હતો. તે સતત કેતન અને સિયાની પાછળ-પાછળ કિલ્લા પર ઉપર ચડી રહ્યો હતો. આ અસામાન્ય પહેરવેશે પોલીસની શંકા મજબૂત કરી.
પોલીસે કિલ્લા વિસ્તારના ડમ્પ ડેટા અને સિયાના ફોનની કોલ હિસ્ટ્રી તપાસી. સિયાના ફોનમાંથી તાજેતરમાં જ ડિલીટ કરવામાં આવેલા નંબરો રિકવર કરવામાં આવ્યા. જેમાંથી ચેતન ચૌધરીનું લોકેશન પણ ઘટના સમયે લોહગઢ કિલ્લા પર જ હોવાનું સાબિત થયું. ત્યારબાદ પોલીસે સિયા અને ચેતનની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી.
સિયા-ચેતન પહેલેથી સંપર્કમાં હતાં
પૂછપરછમાં જાણવા મળ્યું કે સિયા પહેલેથી ચેતન સાથે રિલેશનશિપમાં હતી અને કેતન સાથે લગ્ન કરવાં ન હતાં. પણ તેને ડર હતો કે પરિવારે નક્કી કર્યા મુજબ કેતન સાથે લગ્ન નહીં કરે અને સગાઈ તોડી નાખશે અને ચેતન સાથે ભાગી જશે તો પરિવારની સમાજમાં બદનામી થશે. એટલે તેણે સગાઈ ન તોડી અને ખૌફનાક રસ્તો અપનાવ્યો– કેતનની હત્યા કરવાનો.
પોલીસને મળેલા ડેટા અનુસાર સિયા અને ચેતન સતત એકબીજાના સંપર્કમાં હતાં. લોહગઢ કિલ્લા પર હત્યાકાંડને અંજામ આપતાં પહેલાંના દિવસોમાં સિયા અને ચેતન વચ્ચે 2000થી વધુ ફોન કોલ્સ અને મેસેજ થયા હોવાનું પોલીસની કોલ ડિટેલ રેકોર્ડ (CDR) તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં, કેતનની હત્યાના પ્લાનને આખરી ઓપ આપવા માટે અને કિલ્લાની ભૌગોલિક સ્થિતિ સમજવા માટે સિયાએ ચેતન સાથે અનેક મુલાકાતો પણ કરી હતી.
18 તારીખ પહેલાં પણ કેતનને મારવાના થયા હતા પ્રયાસ
18 જૂને કેતનની હત્યા થઈ તે પહેલાં પણ આવા પ્રયાસ થઈ ચૂક્યા હતા. વાસ્તવમાં સગાઈ બાદ કેતન અને સિયા પ્રિ-વેડિંગ વૅકેશન માટે ઇન્ડોનેશિયાના બાલી જવાના હતાં. સિયા આ ટ્રિપમાં જવા માંગતી નહોતી, તેથી એરપોર્ટ પર જતાં સમયે તેણે ચતુરાઈથી કેતનનો પાસપોર્ટ તેની બેગમાંથી ચોરી લીધો અને ગાયબ કરી દીધો. પાસપોર્ટ ન મળવાને કારણે છેલ્લી ઘડીએ આખી ઇન્ટરનેશનલ ટ્રિપ કેન્સલ કરવી પડી હતી, જે સિયાના કાવતરાનો પ્રારંભિક હિસ્સો હતો.
18 જૂનની ઘટનાના બરાબર ચાર દિવસ પહેલાં, એટલે કે 14 જૂનના રોજ પણ સિયા કેતનને એ જ લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગના બહાને લઈ ગઈ હતી. ત્યાં કિલ્લાના એકાંત ખૂણામાં સિયાએ કેતનને ઊંડી ખીણ તરફ ધકેલવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. કેતન ખીણની બિલકુલ કિનારી પર પહોંચી ગયો હતો, પરંતુ નસીબ અને શારીરિક સંતુલનના કારણે તે પડી જતાં બચી ગયો હતો. આ નિષ્ફળતાથી સિયા ડરી ગઈ નહોતી, પણ તેણે ફૂલપ્રૂફ પ્લાન બનાવવાનું શરૂ કરી દીધું હતું.
14 જૂનના રોજ જ્યારે કેતન ધક્કો વાગવા છતાં બચી ગયો ત્યારે તેણે સિયાને પૂછ્યું કે આ શું હતું? સિયાએ તરત જ એક વાર્તા ઘડી કાઢી. તેણે કેતનને કહ્યું કે તેની પાછળ એક મોટો સાપ આવી રહ્યો હતો અને તેને સાપના કરડવાથી બચાવવા માટે જ તેણે ઉતાવળમાં ધક્કો માર્યો હતો. કેતનને શંકા ન જાય તે માટે સિયાએ રડવાનું નાટક કર્યું જેથી તે સાબિત કરી શકે કે તે કેતનની કેટલી ચિંતા કરે છે! કેતન મંગેતરના આ ઘાતકી કાવતરાથી તદ્દન અજાણ રહીને તેના નાટક પર વિશ્વાસ કરી બેઠો.
14 જૂનનો પ્લાન નિષ્ફળ ગયા બાદ, સિયાએ તેના પ્રેમી ચેતનને પણ સક્રિય કર્યો હતો. 18 જૂનના રોજ જન્મદિવસની ઉજવણી કરવાના બહાને તે ફરી કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ. આ વખતે ચેતન ચૌધરી પણ કિલ્લા પર પહોંચી ગયો હતો. જૂનની ભારે ગરમી હોવા છતાં ચેતને પોતાનો ચહેરો અને ઓળખ છુપાવવા માટે કાળી હૂડી અને કાન પર મોટા હેડસેટ પહેર્યાં હતાં, જેથી તે કોઈ પ્રવાસી જેવો લાગે અને CCTVમાં ઝડપાય નહીં.
યોજના મુજબ સિયા કેતનને કિલ્લાના એવા પોઇન્ટ પર લઈ ગઈ જ્યાં ચોમાસાની હવામાં ભારે પવન ફૂંકાતો હતો અને આસપાસ કોઈ પ્રવાસીઓ નહોતા. સિયાએ કેતનને ખીણ તરફ પીઠ કરીને ઊભા રહી ફોટોગ્રાફી કરવા અથવા પ્રકૃતિને નિહાળવા કહ્યું. કેતનનું ધ્યાન ભટક્યું કે પાછળથી સિયા અને હૂડી પહેરીને આવેલા ચેતને ભેગા મળીને પૂરી તાકાતથી કેતનને 400 ફૂટ ઊંડી પથરાળ ખીણમાં ધકેલી દીધો. કેતન સીધો પથ્થરો સાથે અથડાતો નીચે પડ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું.
કેતન પડી ગયા બાદ ચેતન ત્યાંથી ભાગી ગયો અને સિયાએ ત્યાં રડવાનું નાટક શરૂ કરી દીધું. ત્યારબાદ વાર્તા ઘડી કાઢી. પણ પરિવારની શંકાના કારણે આખરે કરતૂત ઉઘાડી પડી.
પોલીસે અટકાયત કરીને પૂછપરછ કરતાં બંને ભાંગી પડ્યાં અને પોતે જ કેતનને ધક્કો માર્યો હોવાની કબૂલાત કરી લીધી. ત્યારબાદ પોલીસે સિયા અને ચેતન બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ FIR દાખલ કરીને ધરપકડ કરી લીધી. કોર્ટમાં રજૂ કરવામાં આવતાં બંનેને કસ્ટડીમાં મોકલી આપ્યાં. હવે પોલીસ એ પણ તપાસી રહી છે કે આ કાવતરામાં આ બંને જણા સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ સંડોવાયેલી હતી કે કેમ કે અન્ય કોઈએ આ બંનેને કોઈ પ્રકારનો કોઈ લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો કે કેમ.


