હોમપેજદેશ3 વર્ષમાં ન્યાયનું લક્ષ્ય, AIથી ગુનેગારોની ઓળખ: શું છે અમિત શાહે લૉન્ચ...

3 વર્ષમાં ન્યાયનું લક્ષ્ય, AIથી ગુનેગારોની ઓળખ: શું છે અમિત શાહે લૉન્ચ કરેલી 4 નવી સ્માર્ટ પોલીસિંગ સિસ્ટમ્સ

સરળ ભાષામાં કહીએ તો ઓળખ, તપાસ, પુરાવા અને સજા, આ ચારેય તબક્કાઓને હવે એકબીજા સાથે ડિજિટલ રીતે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

- Advertisement -

ભારતમાં કોઈ મોટી ગુનાખોરીની ઘટના બને ત્યારે સામાન્ય રીતે બે પ્રકારની ફરિયાદો સાંભળવા મળે છે. પહેલી ફરિયાદ એ કે પોલીસ આરોપીને પકડી શકી નહીં અને બીજી ફરિયાદ એ કે આરોપી પકડાયો તો ખરો, પરંતુ વર્ષો સુધી કેસ ચાલ્યા બાદ પણ તેને સજા ન થઈ. ઘણી વખત એવું પણ બને છે કે પોલીસ પાસે આરોપી સામે શંકા હોય, ઘટનાસ્થળેથી પુરાવા પણ મળ્યા હોય, પરંતુ પુરાવાઓની સાંકળ એટલી મજબૂત ન હોય કે કોર્ટમાં દોષ સાબિત કરી શકાય. પરિણામે વર્ષો સુધી ચાલેલી તપાસ, પોલીસની મહેનત અને પીડિત પરિવારની આશા બધું જ કોર્ટના એક નિર્ણય સામે નબળું પડી જાય.

આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર માત્ર નવા કાયદા બનાવવામાં નહીં, પરંતુ આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ટેક્નોલોજી આધારિત બનાવવામાં લાગી છે. ગૃહમંત્રી અમિત શાહે 19 જૂન, 2026ના રોજ દિલ્હીમાં યોજાયેલી 26મી ઑલ ઇન્ડિયા ફિંગરપ્રિન્ટ કૉન્ફરન્સમાં ચાર નવી ડિજિટલ સિસ્ટમ્સ લૉન્ચ કરી. પ્રથમ નજરે આ માત્ર કેટલીક એપ્લિકેશન્સ કે સોફ્ટવેર લૉન્ચ થયા હોય તેવી ઘટના લાગે, પરંતુ વાસ્તવમાં આ ચારેય સિસ્ટમ્સને સાથે જોવામાં આવે તો તે ભારતની પોલીસિંગ અને ગુનાની તપાસની પદ્ધતિમાં મોટા પરિવર્તનની શરૂઆત સમાન છે.

આ ચાર સિસ્ટમ્સ છે- NCRB-અભિજ્ઞાન, CrPI, ઈ-ફોરેન્સિક્સ 2.0 અને ઈ-પ્રોસિક્યુશન 2.0. પરંતુ આ ચારેય શું કામ કરે છે અને સરકાર તેમને એટલી મહત્વપૂર્ણ કેમ માની રહી છે? કાર્યક્રમ દરમિયાન અમિત શાહે એક મહત્વની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે મોદી સરકારના ક્રિમિનલ જસ્ટિસ સુધારાઓનો મુખ્ય હેતુ FIR નોંધાય ત્યારથી લઈને આરોપીને સજા થાય ત્યાં સુધીની આખી પ્રક્રિયા ત્રણ વર્ષની અંદર પૂર્ણ કરવાનું છે. ભારત જેવા દેશમાં, જ્યાં કેટલાક ફોજદારી કેસો દાયકાઓ સુધી ખેંચાતા રહે છે, ત્યાં આ લક્ષ્ય ઘણું મોટું અને મહત્ત્વાકાંક્ષી ગણાય.

- Advertisement -

NCRB-અભિજ્ઞાન: પોલીસકર્મીના હાથમાં ફિંગરપ્રિન્ટ ડેટાબેઝ

કલ્પના કરો કે કોઈ શંકાસ્પદ શખ્સને પોલીસ રસ્તા પર કે કોઈ ઘટનાસ્થળ નજીક રોકે છે. પહેલાં તેની ઓળખ ચકાસવા માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવો પડતો, રેકોર્ડ્સ તપાસવા પડતા અને ઘણી વખત કલાકો કે દિવસો પણ લાગી જતા. હવે NCRB-અભિજ્ઞાન આ પ્રક્રિયાને બદલી શકે છે.

આ મોબાઇલ એપ્લિકેશન પોલીસકર્મીઓને ફિલ્ડમાં જ ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની અને તેને સીધા નાફિસ (NAFIS) ડેટાબેઝ સાથે મેચ કરવાની સુવિધા આપે છે. એટલે કે પોલીસકર્મી પાસે પ્રમાણિત સ્કેનર હોય તો તે સ્થળ પર જ જાણી શકે છે કે સામેની વ્યક્તિ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે નહીં.

આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓળખની પ્રક્રિયા ઝડપથી થશે. ગુનેગાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભાગી ગયો હોય તોપણ તેની ઓળખ શક્ય બનશે. પોલીસિંગમાં સમય ઘણી વખત સૌથી મોટી ચાવી હોય છે અને NCRB-અભિજ્ઞાન એ સમય બચાવવાનું કામ કરશે.

CrPI: હવે માત્ર ચહેરો નહીં, આંખ અને DNA પણ બોલશે

આ ચારેય સિસ્ટમ્સમાં સૌથી વધુ ચર્ચા CrPIને લઈને થઈ રહી છે. તેનું કારણ એ છે કે તે માત્ર એક ઓળખ પ્રણાલી નથી, પરંતુ બહુસ્તરીય બાયોમેટ્રિક ઓળખ વ્યવસ્થા છે. CrPIમાં ફેશિયલ રેકગ્નિશન, આઇરિસ મેચિંગ અને DNA મેચિંગ જેવી ક્ષમતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે. અત્યાર સુધી કોઈ CCTV ફૂટેજમાંથી મળેલી તસવીર અને પોલીસ રેકોર્ડ વચ્ચે કડી શોધવી ઘણી વખત મુશ્કેલ બની જતી હતી. પરંતુ હવે ચહેરાની ઓળખ, આંખની ઓળખ અને DNAના આધારે આરોપીની ઓળખ વધુ વિશ્વસનીય રીતે થઈ શકશે.

સરકારના આંકડા મુજબ અત્યાર સુધી 2,190 CrPI યુનિટ્સનું વિતરણ થઈ ચૂક્યું છે અને 5.53 લાખથી વધુ લોકોની નોંધણી થઈ ચૂકી છે. આ દર્શાવે છે કે સિસ્ટમનો પાયલોટ તબક્કો પહેલેથી જ શરૂ થઈ ગયો છે. વિશેષજ્ઞો માને છે કે સંગઠિત ગુનાખોરી, માનવ તસ્કરી, નાર્કોટિક્સ નેટવર્ક અને આંતરરાજ્ય ગુનાખોરીના કેસોમાં CrPI મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કારણ કે આવા ગુનેગારો ઘણી વખત ઓળખ બદલતા રહે છે, પરંતુ બાયોમેટ્રિક્સ બદલવી સરળ નથી.

ઈ-ફોરેન્સિક્સ 2.0: તપાસ અને ફોરેન્સિક વચ્ચેની ખૂટતી કડી

ભારતમાં અનેક કેસોમાં સૌથી મોટો પડકાર ફોરેન્સિક પ્રક્રિયાનો રહ્યો છે. ઘણી વખત સેમ્પલ એકત્ર થાય છે, પરંતુ તે ક્યારે લેબમાં પહોંચે, ક્યારે તપાસ થાય અને રિપોર્ટ ક્યારે તૈયાર થાય તેની પ્રક્રિયા લાંબી અને જટિલ બની જાય છે. ઈ-ફોરેન્સિક્સ 2.0નો હેતુ આ સમસ્યાને ઉકેલવાનો છે. આ પ્લેટફોર્મ દેશભરની ફોરેન્સિક લેબ્સ અને તપાસ એજન્સીઓને એક ડિજિટલ માળખામાં જોડે છે. હવે કેસની નોંધણીથી લઈને સેમ્પલ ટ્રેકિંગ, લેબ પ્રક્રિયા, રિપોર્ટ જનરેશન અને ડિજિટલ રિપોર્ટ ઉપલબ્ધ કરાવવા સુધીનું કામ એક જ સિસ્ટમમાં થઈ શકશે.

આનો અર્થ એ છે કે તપાસ અધિકારીને વારંવાર અલગ-અલગ કચેરીઓમાં સંપર્ક કરવાની જરૂર નહીં પડે. કેસ ક્યાં સુધી પહોંચ્યો છે તે ડિજિટલ રીતે જાણી શકાશે. સૌથી મહત્વની વાત એ છે કે પુરાવાની સાંકળ, જેને ચેઇન ઑફ કસ્ટડી કહેવામાં આવે છે, તે વધુ મજબૂત બનશે.

ઈ-પ્રોસિક્યુશન 2.0: તપાસ પછીની સૌથી મહત્વપૂર્ણ કડી

ભારતમાં ઘણી વખત પોલીસ આરોપીને પકડી લે છે, પરંતુ ત્યારબાદ કેસ પ્રોસિક્યુશન અને કોર્ટની પ્રક્રિયામાં ધીમો પડી જાય છે. પરિણામે સજા થવામાં વર્ષો લાગી જાય છે. ઈ-પ્રોસિક્યુશન 2.0નો હેતુ પોલીસ, સરકારી વકીલો અને ન્યાયતંત્ર વચ્ચે વધુ સારી ડિજિટલ સંકલન વ્યવસ્થા ઊભી કરવાનો છે. એટલે કે આરોપીની ઓળખ થઈ ગયા પછી કેસ કયા તબક્કે છે, ચાર્જશીટ ક્યાં સુધી પહોંચી છે અને આગળ શું કાર્યવાહી બાકી છે તેની માહિતી વધુ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહેશે. સરકારનું માનવું છે કે માત્ર આરોપીને પકડવો પૂરતો નથી. જો સમયસર દોષસિદ્ધિ ન થાય તો ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ શક્ય નથી. ઈ-પ્રોસિક્યુશન 2.0 એ જ ખામી દૂર કરવાનો પ્રયાસ છે.

ચારેય સિસ્ટમ્સ એક સાથે કામ કરશે

આ ચારેય સિસ્ટમ્સને અલગ-અલગ જોવામાં આવે તો કદાચ તેમની અસર મર્યાદિત લાગે. પરંતુ તેમની અસલી તાકાત ત્યારે દેખાય છે જ્યારે તેમને એક જ સાંકળના ભાગ તરીકે જોવામાં આવે. સૌપ્રથમ NCRB-અભિજ્ઞાન અને CrPI આરોપીની ઓળખ કરવામાં મદદ કરશે. ત્યારબાદ CCTNS અને અન્ય ડેટાબેઝ તપાસને આગળ વધારશે. ઈ-ફોરેન્સિક્સ 2.0 પુરાવાઓને વૈજ્ઞાનિક રીતે મજબૂત બનાવશે અને અંતે ઈ-પ્રોસિક્યુશન 2.0 કેસને કોર્ટમાં ઝડપથી આગળ ધપાવવામાં મદદ કરશે. સરળ ભાષામાં કહીએ તો ઓળખ, તપાસ, પુરાવા અને સજા, આ ચારેય તબક્કાઓને હવે એકબીજા સાથે ડિજિટલ રીતે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં