ઉદ્ધવ જૂથના 6 સાંસદો ઔપચારિક રીતે સામેલ થયા એકનાથ શિંદેની શિવસેનામાં

મહારાષ્ટ્રમાં શિવસેનાના (ઉદ્ધવ ઠાકરે જૂથ) છ સાંસદો પાર્ટી છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. થોડા દિવસો પહેલાં આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પાર્ટી બદલવાની માંગ કરી હતી, હવે તેઓ સત્તાવાર રીતે શિવસેનામાં સામેલ થયા છે.

સોમવારે (22 જૂન) યોજાયેલા એક કાર્યક્રમમાં તમામ છ સાંસદો એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા. સાંસદોમાં સંજય જાધવ, ભાઉસાહેબ વાક્ચૌરે, ઓમપ્રકાશ નિમ્બલકર, સંજય પાટીલ, સંજય દેશમુખ અને નાગેશ પાટિલનો સમાવેશ થાય છે.

તમામ સાંસદો પાર્ટીમાં સામેલ થયા બાદ પત્રકારોને સંબોધતાં એકનાથ શિંદેએ કહ્યું કે, “આજે છ સાંસદો અમારી સાથે જોડાયા છે. આપણી સાથે અત્યારે ત્રણ સંજય છે. આપણી સાથે અન્ય એક સંજય, સંજય રાઠોડ (ધારાસભ્ય) પણ છે. એટલે હવે બીજા કોઈ સંજયની ચર્ચા કરવાની જરૂર નથી. તમે જાણો છો હું કોની વાત કરી રહ્યો છું.” વાસ્તવમાં તેઓ ગાળાગાળી કરવા માટે કુખ્યાત શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની વાત કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના આ રાજકીય ઘટનાક્રમને મીડિયામાં ‘ઑપરેશન ટાઇગર’ નામ આપવામાં આવ્યું હતું. આખરે આ ઑપરેશન સફળ થયું છે. ઘણા સમયથી શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદો પક્ષપલટો કરશે તેવી ચર્ચાઓ હતી. દરમ્યાન ઉદ્ધવે સાંસદોની એક બેઠક પણ બોલાવી હતી, પણ તેમાં નવમાંથી 3 જ સાંસદો હાજર રહ્યા હતા. 6 ગેરહાજર હતા.

આ સાંસદોએ લોકસભા અધ્યક્ષ સમક્ષ પાર્ટી બદલવાની માંગ કરી હતી. હવે તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. બીજી તરફ શિવસેના (UBT) સાંસદોને નોટિસ ફટકારી ચૂકી છે પણ હવે તેનો કોઈ અર્થ રહ્યો નથી.

લોકસભામાં ઉદ્ધવ જૂથના નવ સાંસદો હતા, જેમાંથી 2/3 કરતાં વધુ સાંસદોએ પક્ષ બદલ્યો હોવાના કારણે પક્ષપલટાવિરોધી કાયદો લાગુ પડી શકે તેમ નથી.