હોમપેજદેશએક લડશે, એક સબમરીન શોધશે, એક તૈયાર કરશે દરિયાનો નકશો: પીએમ મોદીએ...

એક લડશે, એક સબમરીન શોધશે, એક તૈયાર કરશે દરિયાનો નકશો: પીએમ મોદીએ નૌકાદળને સોંપ્યાં 3 સ્વદેશી યુદ્ધજહાજો, જાણો કેમ છે મહત્વનાં

હિંદ મહાસાગરમાં વધી રહેલી સ્પર્ધા અને સુરક્ષા પડકારો વચ્ચે આ ત્રણેય પ્લેટફોર્મ ભારતીય નૌકાદળને નવી તાકાત આપશે. એક સમુદ્રમાં લડશે, એક દુશ્મન સબમરીનનો શિકાર કરશે અને એક સમુદ્રને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.

- Advertisement -

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી જમીન અને આકાશની સાથે-સાથે સમુદ્રમાં પણ પોતાની વ્યૂહાત્મક ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યું છે. હિંદ મહાસાગરથી લઈને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર સુધી ભારતના હિતો ઝડપથી વિસ્તરી રહ્યા છે. બીજી તરફ ચીન પોતાના નૌકાદળનો વ્યાપ વધારી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પણ નવી સબમરીનો અને સમુદ્રી ક્ષમતાઓ ઉમેરવાના પ્રયાસોમાં છે. આવી સ્થિતિમાં ભારત માટે માત્ર વધુ યુદ્ધજહાજો હોવાં પૂરતા નથી, પરંતુ સમુદ્રમાં દરેક પ્રકારના પડકારનો સામનો કરી શકે તેવી ત્રિસ્તરીય ક્ષમતા હોવી જરૂરી છે.

આ જ કારણ છે કે 21 જૂન, 2026ના રોજ કોલકાતામાં યોજાયેલા એક સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળને એક સાથે ત્રણ સ્વદેશી પ્લેટફોર્મ INS દુનાગિરિ, INS અગ્રય અને INS સંશોધક સોંપ્યાં. પ્રથમ નજરે આ માત્ર ત્રણ નવાં જહાજો નૌકાદળમાં સામેલ થયાની ઘટના લાગે, પરંતુ વાસ્તવમાં આ કમિશનિંગ ભારતીય નૌકાદળની યુદ્ધ ક્ષમતા, સમુદ્રી સુરક્ષા અને દરિયાઈ માહિતી સંગ્રહની શક્તિમાં એકસાથે થયેલા મોટા વધારાનું પ્રતીક છે.

ત્રણેય પ્લેટફોર્મ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના નિર્માણમાં દેશભરના 200થી વધુ MSMEએ યોગદાન આપ્યું છે. પરંતુ આ ત્રણેયની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ એકબીજાની જગ્યા લેતા નથી, પરંતુ એકબીજાના પૂરક છે.

- Advertisement -

NS દુનાગિરિ: સમુદ્રમાં ભારતની આક્રમક તાકાત

ત્રણેય પ્લેટફોર્મમાં સૌથી શક્તિશાળી અને સૌથી વધુ સશસ્ત્ર INS દુનાગિરિ છે. પ્રોજેક્ટ-17A હેઠળ તૈયાર કરવામાં આવેલું આ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ભારતીય નૌકાદળના આધુનિક યુદ્ધજહાજોમાંનું એક માનવામાં આવે છે.

લગભગ 149 મીટર લાંબા અને આશરે 6,600 ટન વજન ધરાવતાં દુનાગિરિનું મુખ્ય કામ ઊંડા સમુદ્રમાં લાંબા અંતર સુધી કામગીરી કરવાનું છે. સ્ટેલ્થ ટેક્નોલોજીના કારણે તેને રડાર પર શોધવું દુશ્મન માટે વધુ મુશ્કેલ બને છે. આ જ કારણ છે કે આધુનિક નૌકાદળોમાં સ્ટેલ્થ યુદ્ધજહાજોને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

દુનાગિરિ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ છે, જે વિશ્વની સૌથી ઝડપથી કાર્યરત મિસાઇલોમાંની એક ગણાય છે. તેની સાથે મધ્યમ અંતરની હવાઈ સુરક્ષા માટે MRSAM સિસ્ટમ, MFSTAR રડાર, એન્ટી-સબમરીન હથિયારો, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ અને અત્યાધુનિક સેન્સર્સ પણ લગાવવામાં આવ્યા છે.

આ યુદ્ધજહાજની વિશેષતા એ છે કે તે એકસાથે અનેક પ્રકારના જોખમોનો સામનો કરી શકે છે. તે દુશ્મનના જહાજો સામે હુમલો કરી શકે છે, હવાઈ હુમલાથી પોતાનું રક્ષણ કરી શકે છે અને જરૂર પડે ત્યારે સબમરીન વિરોધી કામગીરી પણ કરી શકે છે. ભારતીય નૌકાદળ જે ‘બ્લૂ વોટર નેવી’ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમાં દુનાગિરિ જેવા પ્લેટફોર્મની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવે છે.

INS અગ્રય: કિનારા નજીક છુપાયેલી સબમરીનોનો શિકાર

જો દુનાગિરિ સમુદ્રમાં ભારતની આક્રમક તાકાત છે તો INS અગ્રય તેની સુરક્ષાત્મક ઢાલ છે. અર્નાલા શ્રેણીના આ એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટનું મુખ્ય કામ દુશ્મનની સબમરીનોને શોધી કાઢવાનું અને જરૂર પડે તો તેનો નાશ કરવાનું છે.

આધુનિક યુદ્ધમાં સબમરીનો સૌથી ખતરનાક હથિયારોમાંની એક ગણાય છે. સમુદ્રની અંદર છુપાયેલી સબમરીનને શોધવી અત્યંત મુશ્કેલ હોય છે. ખાસ કરીને કિનારા નજીકના વિસ્તારોમાં માછીમારીની બોટો, વેપારી જહાજો, સમુદ્રી પ્રવાહો અને દરિયાઈ અવાજોને કારણે સબમરીનની ઓળખ વધુ મુશ્કેલ બની જાય છે.

INS અગ્રયને ખાસ કરીને આવી જ પરિસ્થિતિઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં હલકા ટોર્પિડો, સ્વદેશી એન્ટી-સબમરીન રૉકેટ લૉન્ચર્સ અને અત્યાધુનિક સોનાર સિસ્ટમ લગાવવામાં આવી છે. સોનારની મદદથી સમુદ્રની અંદર છુપાયેલી સબમરીન વિશે માહિતી મેળવી શકાય છે.

તાજેતરના વર્ષોમાં પાકિસ્તાને પોતાની સબમરીન ક્ષમતાઓ વધારવા માટે નવા હેંગોર-ક્લાસ પ્લેટફોર્મ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીજી તરફ ચીનની સબમરીનો પણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સમયાંતરે દેખાઈ રહી છે. આવા સંજોગોમાં INS અગ્રય જેવા પ્લેટફોર્મ ભારતીય કિનારાઓ, બંદરો અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.

INS સંશોધક: સમુદ્રની ગહનતા માપનાર વૈજ્ઞાનિક પ્લેટફોર્મ

પ્રથમ નજરે INS સંશોધક યુદ્ધજહાજ જેટલું આકર્ષક લાગતું ન હોય, પરંતુ નૌકાદળ માટે તેની ભૂમિકા એટલી જ મહત્વની છે. આ એક સર્વે વેસલ (લાર્જ) છે, જેનું કામ સમુદ્રની ઊંડાઈ માપવાનું, સમુદ્રી તળિયાનો અભ્યાસ કરવાનો, નેવિગેશન માટે જરૂરી માહિતી એકત્ર કરવાનું અને દરિયાઈ નકશા તૈયાર કરવામાં મદદ કરવાનું છે.

યુદ્ધજહાજો અને સબમરીનો ખાલી પાણીમાં ફરતા નથી. તેઓ એવા વિસ્તારોમાં કામગીરી કરે છે જ્યાં સમુદ્રની ઊંડાઈ, તળિયાની રચના, પ્રવાહો, ચેનલો અને બંદરોની સ્થિતિ અત્યંત મહત્વ ધરાવે છે. આ તમામ માહિતી વિના નૌકાદળની કામગીરી જોખમી બની શકે છે.

INS સંશોધકમાં ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ્સ (AUV), રિમોટલી ઑપરેટેડ વ્હીકલ્સ (ROV), ડિજિટલ સાઇડ સ્કેન સોનાર અને અન્ય આધુનિક સિસ્ટમ્સ લગાવવામાં આવી છે. તેની મદદથી સમુદ્રની અંદરની માહિતી વધુ ચોકસાઈથી મેળવી શકાય છે. આ જહાજનો ઉપયોગ માત્ર નૌકાદળ પૂરતો મર્યાદિત નથી. બંદરોના વિકાસ, દરિયાઈ સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે પણ તેની માહિતી ઉપયોગી બની શકે છે.

એક લડશે, એક શોધશે અને એક માર્ગ બતાવશે

આ ટ્રિપલ કમિશનિંગનું સૌથી મોટું મહત્વ અહીં સમાયેલું છે. સામાન્ય રીતે લોકો નૌકાદળની શક્તિને યુદ્ધજહાજોની સંખ્યાથી માપે છે, પરંતુ આધુનિક સમુદ્રી સુરક્ષા તેના કરતાં ઘણી વધુ જટિલ છે. INS દુનાગિરિ દુશ્મન સામે દૂર સમુદ્રમાં લડશે. INS અગ્રય કિનારા નજીક છુપાયેલી સબમરીનોને શોધશે અને તેમનો સામનો કરશે. જ્યારે INS સંશોધક સમુદ્ર વિશેની મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરીને બાકીના સમગ્ર નૌકાદળને વધુ અસરકારક રીતે કામગીરી કરવામાં મદદ કરશે.

સરળ શબ્દોમાં કહીએ તો દુનાગિરિ ભારતની તાકાત છે, અગ્રય તેની સુરક્ષા છે અને સંશોધક તેની આંખો અને કાન છે. આ જ કારણ છે કે ત્રણેય પ્લેટફોર્મને એકસાથે નૌકાદળમાં સામેલ કરવાનો માત્ર એક ઔપચારિક સમારોહ નહોતો. તે એ સંકેત હતો કે ભારત હવે સમુદ્રમાં પણ સ્તરવાર અને લાંબાગાળાની વ્યૂહાત્મક તૈયારી કરી રહ્યું છે.

આત્મનિર્ભર ભારતની વધુ એક સફળતા

આ ત્રણેય પ્લેટફોર્મનું બીજું મહત્વનું પાસું તેમનું સ્વદેશી નિર્માણ છે. ભારત વર્ષો સુધી સંરક્ષણ ક્ષેત્રે મોટાપાયે આયાત પર નિર્ભર રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. INS દુનાગિરિ, અગ્રય અને સંશોધકમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. તેમના નિર્માણમાં 200થી વધુ MSME જોડાયા હતા. આ માત્ર સંરક્ષણ ક્ષેત્રની સફળતા નથી, પરંતુ ભારતના ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ વિકાસનું પણ પ્રતિબિંબ છે.

વડા પ્રધાન મોદીએ સમારોહ દરમિયાન કહ્યું હતું કે ભારત હવે માત્ર ખરીદદાર બની રહેવા માંગતું નથી, પરંતુ નિર્માતા બનવા માંગે છે. INS દુનાગિરિ, INS અગ્રય અને INS સંશોધક એ દિશામાં ભારતના વધતા આત્મવિશ્વાસના જીવંત ઉદાહરણો છે.

હિંદ મહાસાગરમાં વધી રહેલી સ્પર્ધા અને સુરક્ષા પડકારો વચ્ચે આ ત્રણેય પ્લેટફોર્મ ભારતીય નૌકાદળને નવી તાકાત આપશે. એક સમુદ્રમાં લડશે, એક દુશ્મન સબમરીનનો શિકાર કરશે અને એક સમુદ્રને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં