
રામ મંદિરના ચડાવા અને દાનની રકમમાં ગેરરીતિના આરોપો બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે બનાવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) છ દિવસની તપાસ પૂર્ણ કરીને પાટનગર લખનૌ પરત ફરી છે. હવે રિપોર્ટ તૈયાર કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવશે. રિપોર્ટ રવિવારે અથવા સોમવારે સોંપવામાં આવી શકે છે. ત્યારબાદ રાજ્ય સરકાર રિપોર્ટની ભલામણો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરશે.
હજુ સુધી સત્તાવાર રીતે SITની તપાસમાં શું જાણવા મળ્યું તેની વિગતો જણાવવામાં આવી નથી. મીડિયા અહેવાલોનું માનીએ તો તપાસમાં 150 વ્યક્તિઓનાં નામ સામે આવ્યાં છે, જેમાંથી 25 વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ તમામની SIT સઘન પૂછપરછ કરી ચૂકી છે અને આગલી સૂચના સુધી તમામને બહાર ન જવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
તપાસમાં SITએ દાનપેટીઓની રકમ, તેની ગણતરીની વ્યવસ્થા, તેના ઉપયોગ, ખર્ચ અને અન્ય સુરક્ષા બાબતોની તપાસ કરી. સાથે છેલ્લા એક વર્ષના મંદીર ટ્રસ્ટ સંબંધિત તમામ બેન્ક રેકર્ડ પણ તપાસવામાં આવ્યા. બેન્ક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી. મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, તેમના નજીકના માણસો અને દાનની રકમના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા માણસોની પણ પૂછપરછ કરવામાં આવી.
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર આ મામલે પાંચ કર્મચારીઓ પાસેથી 2 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓ દાનની રકમની ગણતરી માટે કામ કરતા હતા. 13 જૂનના રોજ મંદિર ટ્રસ્ટના કર્મચારી ટિન્નુના ઘરેથી સોનું પણ મળી આવ્યું હતું, જેની માત્રા વિશે હજુ સુધી જાણકારી બહાર આવી શકી નથી.
તપાસમાં એક અડચણ એ આવી રહી છે કે CCTV ફૂટેજ માત્ર 45 દિવસના જ મળી શકે તેમ છે, કારણ કે તેનાથી જૂના ફૂટેજ આપમેળે ડિલીટ થઈ જાય છે. જે ફૂટેજ છે તેમાં કોઈ ચેડાં કરવામાં આવ્યાં છે કે કેમ તે બાબતે પણ તપાસ ચાલી રહી છે અને ટીમ ફૂટેજ પણ પોતાની સાથે લઈ ગઈ છે. આ સાથે બેન્ક રેકર્ડ, જેમની પૂછપરછ કરવામાં આવી તેમનાં નિવેદનો તમામ દસ્તાવેજો પણ લખનૌ લઈ જવામાં આવ્યા છે.
આ તમામના આધારે એક વચગાળાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સરકારે 7 દિવસમાં એક પ્રાથમિક અહેવાલ રજૂ કરવા માટે જણાવ્યું હતું. એટલે શક્યતા છે કે વધુ અને વિગતવાર તપાસ કરવા માટે SIT ફરી અયોધ્યામાં આવશે. દરમ્યાન જો પ્રાથમિક રિપોર્ટમાં ગંભીર બાબતો ધ્યાનમાં આવી તો સરકાર પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી શકે છે.

