
આજે રવિવારે (21 જૂન) દેશભરમાં NEET UG પરીક્ષા યોજાઈ રહી છે. 3 મેના રોજ પહેલી વખત પરીક્ષા યોજાયા બાદ પેપર લીક થયાનું સામે આવતાં 12 મેના રોજ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ 21 જૂન નવી તારીખ જાહેર થઈ હતી. આજે ફરીથી દેશનાં 551 શહેરોનાં 5,440 સેન્ટરો પર પરીક્ષા લેવાશે. જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
આ વખતે પરીક્ષા પારદર્શી રીતે યોજાય તે માટે પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થાની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. પરીક્ષા કુલ 95,000 કરતાં વધુ રૂમમાં થશે અને એ તમામને CCTVથી કવર કરવામાં આવ્યા છે. કુલ 1,38,560 કેમેરા વડે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અને કેન્દ્રીય મંત્રાલય સ્તરે પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે. ઉપરાંત તેના માટે AIની પણ મદદ લેવામાં આવશે. કુલ 51,311 જામર લગાવવામાં આવ્યાં છે.
🩺 NEET (UG) 2026 – NTA is ready for tomorrow, 21 June.
— National Testing Agency (@NTA_Exams) June 20, 2026
After meticulous preparation, the National Testing Agency has put in place comprehensive arrangements for a fair, secure and candidate-friendly examination – across 5,440 centres in 551 cities in India and 14 centres…
દરેક રૂમમાં 2 નિરીક્ષકો હશે અને કેન્દ્ર પ્રમાણે 10 કરતાં વધુ કર્મચારીઓ તહેનાત રહેશે. 38,795 સુરક્ષાકર્મીઓ અને 48,448 બાયોમેટ્રિક સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. 6700 ઓબ્ઝર્વર હશે અને 100થી વધુ વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર હશે. દરેક કેન્દ્ર પર સરેરાશ 40થી 50 સુરક્ષાકર્મીઓ હશે.
પરીક્ષા પહેલાં રાષ્ટ્રીય સ્તરે એક મૉક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ, પેરામિલિટરી અને ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. પેપર પહોંચાડવા માટે પણ વાયુસેનાની મદદ લેવામાં આવી હતી, ઉપરાંત દરેક સ્તરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરાંત દરેક કેન્દ્ર પર પાણીની વ્યવસ્થા, વાલીઓ માટે બેઠક વ્યવસ્થા વગેરે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પરીક્ષા ખંડમાં ઘડિયાળ વગેરે નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) બાળકો અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર માહિતી પર જે આધાર રાખે અને સોશિયલ મીડિયા પર ચાલતા ‘પેપર લીક’ના ખોટા મેસેજો અને અફવાઓ પર વિશ્વાસ ન કરે.

