અમદાવાદના ધોલેરા SIR (સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ રિજન) વિસ્તારમાં ચાલી રહેલા વીજ ટ્રાન્સમિશન લાઇનના પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને વીજ કંપની વચ્ચે સર્જાયેલો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ધોલેરાના કમીયાળા ગામના કેટલાક ખેડૂતોની ખેતીની જમીનમાંથી વીજ લાઇન અને વીજ થાંભલાઓ પસાર કરવાના કામ સામે તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ખેડૂતોનું કહેવું હતું કે તેમની જમીનમાંથી વીજ લાઇન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ તે પહેલાં તેમની વાત યોગ્ય રીતે સાંભળવામાં આવી નહોતી. હાઇકોર્ટે મામલો ફરી એક વખત અમદાવાદ જિલ્લા તંત્રને મોકલીને ખેડૂતોને સાંભળીને નવેસરથી નિર્ણય લેવા માટે જણાવ્યું છે.
હાલ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા ધોલેરા SIR માટે જરૂરી ટ્રાન્સમિશન લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ લાઇન કમીયાળા ગામની કેટલીક ખેતીની જમીનોમાંથી પસાર થવાની છે. ખેડૂતોનું માનવું છે કે વીજ થાંભલાઓ ઉભા કરવાથી તેમની જમીનની ઉપયોગિતા ઘટી શકે છે અને ઉભા પાકને પણ નુકસાન થઈ શકે છે. તેથી તેઓએ પ્રોજેક્ટ અંગે વાંધાઓ રજૂ કર્યા હતા અને વીજ કંપની પાસે સંબંધિત દસ્તાવેજોની માંગણી કરી હતી.
અરજદાર ખેડૂતોનો મુખ્ય આરોપ એવો હતો કે તેમને પ્રોજેક્ટ સંબંધિત જરૂરી દસ્તાવેજો સમયસર આપવામાં આવ્યા નહોતા. ઉપરાંત અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલતી પ્રક્રિયા દરમિયાન તેમને પોતાની વાત વિગતવાર રજૂ કરવાની પૂરતી તક પણ મળી નહોતી. ખેડૂતોનું કહેવું હતું કે તેમની રજૂઆતો અને વાંધાઓને યોગ્ય રીતે સાંભળ્યા વિના જ વીજ કંપનીને કામ આગળ વધારવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ તેઓ હાઇકોર્ટના દ્વારે પહોંચ્યા.
હાઇકોર્ટમાં શું કાર્યવાહી થઈ?
જૂન 2026માં મામલો હાઇકોર્ટ પહોંચ્યો પછીથી વીજ કંપનીએ ખેડૂતોને જરૂરી દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા. 9 જૂનની સુનાવણીમાં કોર્ટને જણાવવામાં આવ્યું કે દસ્તાવેજો સોંપી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ખેડૂતોના વકીલે પણ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે હવે દસ્તાવેજો ન મળવાની ફરિયાદ રહી નથી. એટલે કે, કેસનો એક મહત્વનો મુદ્દો કોર્ટમાં જ ઉકેલાઈ ગયો હતો.
પરંતુ ખેડૂતોની બીજી અને વધુ મહત્વપૂર્ણ ફરિયાદ યથાવત રહી હતી. તેમનું કહેવું હતું કે દસ્તાવેજો મળ્યા બાદ હવે તેમને પોતાની વાત અને વાંધાઓ યોગ્ય રીતે રજૂ કરવાની તક મળવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કલેક્ટરે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ આદેશ આપી દીધો હતો. આ પ્રકારના એકપક્ષીય નિર્ણયથી નારાજ થઈને ખેડૂતોએ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવ્યું હતું.
આ પરિસ્થિતિમાં હાઇકોર્ટે 2 મે 2026ના રોજ અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટે આપેલા હુકમને રદ કરવાનો નિર્ણય કર્યો. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ વીજ લાઇનના પ્રોજેક્ટના ગુણદોષ કે તેની કાયદેસરતા અંગે કોઈ અભિપ્રાય આપી રહ્યા નથી અને કેસનાં મેરિટમાં જઈ રહ્યા નથી. કોર્ટનો હેતુ માત્ર એટલો હતો કે અસરગ્રસ્ત ખેડૂતોને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય અને ન્યાયસંગત તક મળે.
અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલાયો કેસ
હાઇકોર્ટે સમગ્ર મામલો ફરી અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે ખેડૂતોને સાંભળ્યા વગર કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી. તેથી તમામ અરજદાર ખેડૂતોને ફરીથી સુનાવણીનો અવસર આપવામાં આવે અને તેમના તમામ વાંધાઓ તથા રજૂઆતોને ધ્યાનમાં લઈને નવો નિર્ણય લેવામાં આવે.
સુનાવણી દરમિયાન વીજ કંપની તરફથી એક મહત્વપૂર્ણ દલીલ પણ કરવામાં આવી હતી. કંપનીએ કોર્ટને જણાવ્યું કે હવે ચોમાસું શરૂ થઈ જશે તો ધોલેરા વિસ્તારના કેટલાક ભાગોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં વીજ થાંભલાઓ માટે પાયો નાખવાનું કામ મુશ્કેલ બની શકે છે અને સમગ્ર પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે. તેથી મામલાનો વહેલો ઉકેલ જરૂરી હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે સમયમર્યાદા પણ નક્કી કરી છે. કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચના આપી છે કે જરૂર પડે તો રોજિંદી ધોરણે સુનાવણી હાથ ધરવામાં આવે. તમામ ખેડૂતોને સાંભળવાની પ્રક્રિયા 19 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ તેમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને 23 જૂન સુધીમાં નવો અને કારણસભર નિર્ણય આપવામાં આવે.
હવે ખેડૂતોના વાંધાઓ, વીજ કંપનીની જરૂરિયાતો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અંતિમ નિર્ણય લેશે. તેથી હાલ માટે ખેડૂતોને રાહત મળી છે, પરંતુ વીજ લાઇનનું કામ ચાલુ રહેશે કે તેમાં કોઈ ફેરફાર થશે તેનો નિર્ણય આગામી દિવસોમાં જિલ્લા મેજિસ્ટ્રેટના નવા હુકમ બાદ સ્પષ્ટ થશે.


