મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ પર ‘આદિત્ય પટેલ’ બની ફરતો હતો કડીનો કરીમ, ખોટી ઓળખ અને દસ્તાવેજોથી હિંદુ મહિલાઓને ફસાવી: મોબાઈલમાંથી મળ્યા હજારો ફોટા-વિડીયો

અમદાવાદમાં મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને હિંદુ ઉદ્યોગપતિની ખોટી ઓળખ ધારણ કરી મહિલાઓનો સંપર્ક કરવાના આરોપો સાથે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલા અને બજરંગ દળ અનુસાર મહેસાણા જિલ્લાના કડીના રહેવાસી કરીમ સિપાહીએ પોતાને ‘આદિત્ય ચીમનલાલ પટેલ’ તરીકે ઓળખાવી જીવનસાથી એપ પર મહિલાઓનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

માહિતી અનુસાર અમદાવાદની એક વિધવા મહિલા જીવનસાથી એપ પર ‘આદિત્ય પટેલ’ નામના એક માણસના સંપર્કમાં આવી હતી. આરોપીએ પોતે વિધુર હોવાનું, પ્લાસ્ટિક અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સફળ વ્યવસાય ધરાવતો ઉદ્યોગપતિ હોવાનું અને MBA સુધી અભ્યાસ કરેલો હોવાનું જણાવ્યું હતું. બંને વચ્ચે લગભગ પાંચ મહિના સુધી સતત સંપર્ક રહ્યો હોવાનું જણાવાયું છે.

મહિલાના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાનું PAN કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના વિવિધ દસ્તાવેજો પણ મોકલ્યા હતા. આ તમામ દસ્તાવેજોમાં તે પોતે હિંદુ અને પટેલ સમાજનો હોવાનું દર્શાવતો હતો. કેટલાક અહેવાલોમાં પત્નીનું કથિત ડેથ સર્ટિફિકેટ પણ રજૂ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(ફોટો: ન્યુઝ18)

મહિલાને ત્યારે શંકા ગઈ જ્યારે એક દિવસ ફોન પર વાતચીત દરમિયાન ટ્રુકૉલરમાં ‘કરીમ’ નામ દેખાયું હતું. ત્યારબાદ મહિલાએ આરોપી દ્વારા આપવામાં આવેલાં સરનામાં અને અન્ય વિગતોની ચકાસણી શરૂ કરી હતી. અહેવાલો અનુસાર જે સરનામું અને ઓળખ આપવામાં આવી હતી, ત્યાં તપાસ કરતાં ‘આદિત્ય પટેલ’ નામની કોઈ વ્યક્તિ મળી આવી ન હતી.

મહિલાએ વધુમાં જણાવ્યું કે તેણે આરોપીને મુસ્લિમ હોવા અંગે સીધો સવાલ કર્યો ત્યારે તેણે પરિવારમાં કેટલીક સમસ્યાઓ હોવાનું કહી સમય આવ્યે સાચી વાત જણાવી દેવાનું કહ્યું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેની પાસે ₹70,000ની માંગણી કરી હતી.

(ફોટો: ન્યુઝ18)

બાદમાં મહિલાએ બજરંગ દળનો સંપર્ક કર્યો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ તપાસ કરતા આરોપીનું નામ કરીમ સિપાહી હોવાનું અને તે કડીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સંગઠનના જણાવ્યા અનુસાર આરોપી પરિણીત હોવા છતાં પોતાને વિધુર તરીકે રજૂ કરતો હતો અને ખાસ કરીને વિધવા તથા ડિવોર્સી હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરતો હતો.

બજરંગ દળના જણાવ્યા અનુસાર આરોપીના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન 20થી વધુ મહિલાઓની પ્રોફાઇલ મળી આવી હતી. સંગઠને એવો પણ દાવો કર્યો છે કે ફોનમાંથી 8000થી વધુ મહિલાઓના ફોટા અને વિડીયો મળી આવ્યા હતા. અનેક મહિલાઓ સાથેની ચેટ્સ તથા અંગત સામગ્રી પણ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વધુમાં આરોપ છે કે આરોપીના મોબાઇલમાંથી ‘આદિત્ય પટેલ’ નામે બનાવવામાં આવેલા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. તેમાં PAN કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. બજરંગ દળે આરોપ લગાવ્યો છે કે હિંદુ ઓળખ સ્થાપિત કરવા માટે આ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

અહેવાલ અનુસાર જે ‘આદિત્ય ચીમનલાલ પટેલ’ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે નામના વાસ્તવિક ઉદ્યોગપતિ પણ અસ્તિત્વમાં છે. પોલીસ તે વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં કેટલાક દસ્તાવેજો તથા કંપની આઈડી કાર્ડના ફોટા પણ વાયરલ થયા છે, જેમાં આદિત્ય ચીમનલાલ પટેલ નામ જોવા મળે છે.

બજરંગ દળે સમગ્ર ઘટનાને મેટ્રિમોનિયલ પ્લેટફોર્મના વેરિફિકેશન મિકેનિઝમ સાથે પણ જોડી છે. સંગઠનનું કહેવું છે કે પૂરતી ઓળખ ચકાસણી વિના પ્રોફાઇલ મંજૂર થતી હોવાને કારણે આવા બનાવો સામે આવી રહ્યા છે. સંગઠને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સને વધુ કડક વેરિફિકેશન પ્રક્રિયા અમલમાં મૂકવાની માંગ પણ કરી છે.

અહેવાલો મુજબ ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરીમ સિપાહીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આરોપી સામે અગાઉ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી કે નહીં, મોબાઇલમાંથી મળેલા ડેટાની વાસ્તવિકતા શું છે, કેટલી મહિલાઓ તેના સંપર્કમાં આવી હતી અને દસ્તાવેજો સાચા હતા કે બનાવટી, તે તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. 20થી વધુ મહિલાઓની પ્રોફાઇલ, 8000થી વધુ ફોટા-વિડીયો, બ્લેકમેઇલિંગ અને અન્ય ગંભીર આરોપો અંગે પણ તપાસ બાદ જ સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.