
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMCની હાર બાદ પક્ષમાં શરૂ થયેલો આંતરિક બળવો હવે વધુ ગંભીર બનતો દેખાઈ રહ્યો છે. રવિવારે (14 જૂન) TMCના બળવાખોર સાંસદો નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને એકત્ર થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બળવાખોર જૂથ લોકસભામાં અલગ સંસદીય જૂથ તરીકે માન્યતા મેળવવા માટે પ્રયત્નશીલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં TMCના વરિષ્ઠ નેતા સુદીપ બંદોપાધ્યાય સહિત કાકોલી ઘોષ દસ્તીદાર, શતાબ્દી રોય, સાયોની ઘોષ, માલા રોય, બાપી હાલદાર અને પ્રસૂન બેનર્જી હાજર રહ્યા હતા. બેઠકમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબે પણ ઉપસ્થિત હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
#Breaking : Rebel TMC MP's reach Lok Sabha spraker Om Birla's house in New Delhi pic.twitter.com/hkmlJJbJ4e
— Megha Prasad (@MeghaSPrasad) June 14, 2026
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે બળવાખોર સાંસદો પોતાને અલગ સંસદીય જૂથ તરીકે માન્યતા અપાવવા માટે સક્રિય બન્યા છે. કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો હતો કે બળવાખોર જૂથને હવે 22 સાંસદોનું સમર્થન મળી ગયું છે અને ટૂંક સમયમાં સ્પીકર સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવશે.
આ પહેલાં પણ બળવાખોર જૂથે અલગ સંસદીય જૂથને માન્યતા આપવા માટે પત્ર સોંપ્યો હતો. શુક્રવારે 19 TMC સાંસદોની સહી ધરાવતો એક પત્ર જાહેર થયા બાદ મમતા બેનર્જીની પાર્ટીમાં મોટા વિભાજનની અટકળો તેજ બની હતી. ત્યારબાદ હવે 22 સાંસદોના સમર્થનનો દાવો કરવામાં આવતા TMCની અંદરનો સંકટ વધુ ઘેરો બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તાજેતરના દિવસોમાં અનેક TMC સાંસદોએ પક્ષના નેતૃત્વ સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કર્યો છે. બળવાખોરોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળની રાજકીય પરિસ્થિતિ અને પક્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓ NDAને સમર્થન આપવા તરફ આગળ વધી રહ્યા છે. જો બળવાખોર જૂથને લોકસભામાં અલગ માન્યતા મળે તો તે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ માટે અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ફટકો સાબિત થઈ શકે છે.
આ દરમિયાન TMCના સત્તાવાર કેમ્પે પણ ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું છે. બળવાખોર સાંસદો સ્પીકર ઓમ બિરલાને મળવા પહોંચ્યા તે પહેલાં અભિષેક બેનર્જીએ લોકસભા સ્પીકરને પત્ર લખીને તૃણમૂલ કોંગ્રેસના કોઈપણ અલગ જૂથને માન્યતા ન આપવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે TMC એક જ રાજકીય અને સંસદીય એકમ છે અને કોઈ બળવાખોર જૂથને અલગ ઓળખ આપવામાં ન આવે.
#WATCH | Delhi: TMC MPs Kirti Azad and Sagarika Ghose arrive at the residence of Lok Sabha Speaker Om Birla.
— ANI (@ANI) June 14, 2026
When asked if they have an appointment, Kirti Azad says, "If Sir gives us the time, we will go. Otherwise, we will leave after receiving." pic.twitter.com/x9AETJFaGI
બીજી તરફ TMC સાંસદ કીર્તિ આઝાદ અને સાગરિકા ઘોષ પણ રવિવારે (14 જૂન) ઓમ બિરલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા કીર્તિ આઝાદે કહ્યું હતું કે, “જો સ્પીકર સાહેબ સમય આપશે તો અમે મળીશું, નહીં તો રજૂઆત કરીને પાછા ફરીશું.” બળવાખોરો અને સત્તાવાર TMC કેમ્પ બંને તરફથી સ્પીકર સુધી પહોંચવાની કવાયત શરૂ થતાં પાર્ટીમાં ચાલી રહેલો સત્તાસંઘર્ષ હવે ખુલ્લેઆમ દિલ્હીના રાજકીય કેન્દ્ર સુધી પહોંચી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

