નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી વિપક્ષમાં ઘણાને વાતેવાતે સનેપાત ઊપડતો રહે છે અને વિરોધ કરવાના સાચા મુદ્દાઓ ન મળે તો મારી મચડીને મુદ્દા ઊભા કરીને બળતરા ઠાલવતા રહે છે. અમુક કિસ્સાઓમાં તેઓ એ પણ જોતા નથી કે મોદીવિરોધમાં તેઓ દેશવિરોધ, રાષ્ટ્રવિરોધ સુધી પણ પહોંચી જતા હોય છે. ગુજરાતમાં આ પ્રવૃત્તિમાં વિપક્ષને પણ ટપી જાય તેવું એક અખબાર વર્ષોથી ચાલે છે– ગુજરાત સમાચાર.
14 જૂનની સવારે ગુજરાત સમાચાર આવ્યું તો પહેલા પાનાંની હેડલાઈન હતી– ‘ખબરદાર… યુએસની ખુલ્લી ધમકી: હોર્મુઝમાંથી ઈરાનનું ક્રૂડ લઈ જશો તો ઉડાવી દઈશું.’ પેટા મથાળામાં લખ્યું, ‘ભારતના વિદેશમંત્રી જયશંકરને માર્કો રૂબિઓએ રોકડું પરખાવ્યું.’
વચ્ચે મોટા અક્ષરે અન્ય એક મથાળામાં ગુજરાત સમાચારે લખ્યું, ‘ભારત યુએનમાં આજીજી કરતું રહ્યું અને અમેરિકાએ સંભળાવી દીધું: મોદી અમારા મિત્ર છે, પરંતુ અમેરિકાના હિતના ભોગે નહીં.’

અહેવાલની શરૂઆતમાં ગુજરાત સમાચાર લખે છે કે, ‘અમેરિકાના હુમલામાં ભારતના ત્રણ ખલાસીઓ માર્યા ગયા તેના સંદર્ભમાં વિદેશપ્રધાન માર્કો રૂબિઓએ જણાવ્યું હતું કે હોર્મુઝમાં અમેરિકાની ઘેરાબંધીને માનવી જ પડશે અને તેનો ભંગ કરીને ઈરાનને ગેરકાયદેસર રીતે ઓઇલ પહોંચાડનાર પર અમેરિકન લશ્કર ચોક્કસ હુમલો કરશે. તેમણે ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકરને પણ સ્પષ્ટપણે આ વાત જણાવી દીધી હતી.’
ગુજરાત સમાચારે અહીં જે ઘટનાક્રમ વિશે અહેવાલ આપ્યો છે તે શું હતો એ પહેલાં સમજીએ.
હમણાં ગયા અઠવાડિયે ઓમાનની ખાડીમાંથી પસાર થતાં ત્રણ કમર્શિયલ જહાજો પર ઉપરાછાપરી હુમલા કર્યા, જેમાં ભારતીય ક્રૂ મેમ્બરો હતા. જહાજો જોકે બીજા દેશોમાં નોંધાયેલાં હતાં, પરંતુ શિપિંગ ઈન્ડસ્ટ્રીમાં ભારતીયો મોટા પ્રમાણમાં કામ કરે છે એટલે કોઈને અનેક જહાજ પર ભારતીય ક્રૂ મળી જાય એની સંભાવના વધુ રહે છે. આ ત્રણમાંથી એક હુમલામાં ત્રણ ભારતીય નાવિકોનાં મોત થઈ ગયાં. ત્રણેય હુમલાઓ અમેરિકી સેનાએ કર્યા હતા, જે ઈરાનનાં બંદરો બ્લૉક કરવા માટે અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ, જ્યાંથી મધ્ય-પૂર્વીય દેશોમાંથી દુનિયાભરમાં સમુદ્રી વ્યાપાર થાય છે, એ માર્ગ બંધ કરવા માટે ત્યાં છેલ્લા ઘણા મહિનાથી પડેલી પાથરેલી રહી છે.
આ ઘટનાક્રમ પછી 12 જૂનની રાત્રે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી સેક્રેટરી ઑફ સ્ટેટ (ભારતના વિદેશમંત્રી સમકક્ષ) માર્કો રૂબિયો સાથે વાતચીત કરી અને ભારતીય નાવિકો પર થયેલા હુમલા સંદર્ભે વિરોધ નોંધાવ્યો.
X પોસ્ટમાં વિદેશ મંત્રી જણાવે છે, ‘આજે સાંજે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે વાતચીત થઈ. મેં ગલ્ફમાં અમેરિકી નૌસેના દ્વારા થતા હુમલાઓ, જેમાંથી એકમાં ત્રણ ભારતીયો માર્યા ગયા, પર ભારત તરફથી કડક વિરોધ નોંધાવ્યો છે. કમર્શિયલ શિપિંગ પર આ પ્રકારના ઘાતકી હુમલા ક્યારેય સ્વીકાર્ય ન હોય શકે કે તેને યોગ્ય ન ઠેરવી શકાય.’
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2026
ત્યારબાદ અમેરિકા તરફથી પણ બંને વિદેશમંત્રીઓની વાતચીત મુદ્દે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું. જેમાં કહેવામાં આવ્યું કે બંને વચ્ચે સ્ટ્રેટ ઑફ હોર્મુઝની સ્થિતિ વિશે વાતચીત થઈ છે અને સેક્રેટરીએ (રૂબિયો) બહાર મૂક્યો કે તમામ કમર્શિયલ જહાજોએ અમેરિકી સશસ્ત્રબળોની સૂચનાનુસાર ચાલવું પડશે અને અમેરિકા હાલ સ્ટ્રેટમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કામ કરી રહ્યું છે. સાથે કહેવામાં આવ્યું કે યુકેસ સેક્રેટરીએ ઉમેર્યું હતું કે યુએસ બ્લૉકેડ (ઈરાનનાં બંદરોનું) અને ઈરાનિયન ઓઇલનું ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટ અમેરિકા ચલાવી નહીં લે.
Violations of the U.S. blockade and the illicit transport of Iranian oil will not be tolerated: US Secretary of State Rubio to EAM Dr Jaishankar during ystyd talks after killing of Indian sailors pic.twitter.com/rZHcTASXGv
— Sidhant Sibal (@sidhant) June 13, 2026
આ બંને વચ્ચેની વાતચીતની જે કંઈ વિગતો જાહેર માધ્યમમાં છે એ આટલી જ છે. આમાંથી ક્યાંય એ પણ આવ્યું નહીં કે અમેરિકાએ ભારતને ‘ઉડાવી દેવાની’ ધમકી આપી હોય કે ન ક્યાંય ભારતે સંયુક્ત રાષ્ટ્ર જઈને કોઈ આજીજી કરી. ઉપરાંત અમેરિકાએ ‘મોદી અમારા મિત્ર છે પણ અમેરિકાના હિતના ભોગે નહીં’ એવું પણ ક્યાંય કહ્યું હોવાનું ગુજરાત સમાચારના પહેલા પાના સિવાય ક્યાંય નથી.
પ્રોપગેન્ડા માત્ર હેડલાઇનોમાં, અંદર ક્યાંય એ વાતો લખવામાં આવી નથી જેનો આધાર નથી
તો ગુજરાત સમાચાર આ બધું ક્યાંથી લાવ્યું? દર વખતની જેમ આ લખનારના મગજની ઉપજ હોય એમ જણાય છે. માર્કો રૂબિયોએ એસ જયશંકર સાથે જે વાત કરી તેના વિશે અમેરિકન પ્રશાસને જે પ્રેસનોટ બહાર પાડી એમાં જેટલી વિગતો છે એ ઉપર જણાવી. તેમાં ક્યાંય આ બધી વાતો લખવામાં આવી નથી, જે ગુજરાત સમાચારે હેડલાઇનમાં ઘૂસાડી છે. ઉપરાંત અમેરિકાએ કહ્યું કે કમર્શિયલ જહાજોએ તેમના નિયમો માનવા પડશે એમાં પણ ગુજરાત સમાચાર દ્વારા અતિશયોક્તિ કરવામાં આવી છે, કારણ કે ‘ઉડાવી દેવાની’ વાત ક્યાંય કહેવામાં આવી નથી.
આ અહેવાલ લખનારની બુદ્ધિના સ્તરનો ખ્યાલ એ બાબત પરથી પણ આવે છે કે પહેલી લીટીમાં રૂબિયોને ટાંકીને લખવામાં આવ્યું છે, ‘ઈરાનને ગેરકાયદેસર રીતે ઓઇલ પહોંચાડનાર ઉપર અમેરિકન લશ્કર ચોક્કસ હુમલો કરશે.’ હકીકત એ છે કે ઈરાન દુનિયાને ઓઇલ પહોંચાડે છે ઈરાનને ઓઇલ પહોંચાડવાની જરૂર નથી રહેતી. અમેરિકાએ કહ્યું છે, ‘ટ્રાન્સપોર્ટ ઑફ ઈરાનિયન ઓઇલ.’ એટલે ઈરાનના ઓઇલનું વહન. ઈરાનમાં નહીં.
મીડિયાનો, પત્રકારત્વનો, અહેવાલ લેખનનો એક સામાન્ય નિયમ એ પણ છે કે મથાળામાં જે કોઈ બાબત લખાય તેનું વિવરણ નીચે આપવામાં આવે છે. જે કોઈ માહિતી હોય એ ક્યાંથી આવી, તેના સ્ત્રોત શું છે એ વિશે જાણકારી અપાય છે. ક્યારેક ‘સૂત્રો’ને ટાંકવામાં આવે છે. અહીં ગુજરાત સમાચારે આ બધું તો બાજુ પર રહ્યું, હેડલાઇન સિવાય અંદર ક્યાંય લખ્યું નથી કે ભારત યુએનમાં ક્યારે ગયું, આજીજી ક્યારે કરી અને અમેરિકામાં કોણે એવું કહ્યું કે, ‘મોદી અમારા મિત્ર છે પણ અમેરિકાના ભોગે નહીં.’ કારણ કે આ બધું વાસ્તવમાં ક્યાંય બન્યું જ નથી અને તેની ગુજરાત સમાચાર પાસે કોઈ માહિતી પણ નથી. પરંતુ મોટાભાગના લોકો અંદર મેટર વાંચવા બેસતા નથી અને હેડલાઇન વાંચીને જતા રહે છે, ગુજરાત સમાચાર જેવાં અખબારો એટલે જ હેડલાઈનમાં બદમાશી કરી જાણે છે અને ત્યારબાદ અંદર આ બધી બાબતોનો ક્યારેય ઉલ્લેખ આવતો નથી.
અહેવાલમાં ગુજરાત સમાચારે લખ્યું છે કે ભારતે વિરોધ નોંધાવ્યો અને સામે પક્ષેથી શું કહેવામાં આવ્યું. આ ભાષાંતર ઘણુંખરું મળતું આવે છે. પરંતુ હેડલાઇન અતિશયોક્તિ કરીને, મીઠું-મરચું નાખીને પીરસવામાં આવી છે. મોટાભાગના વાચકો, ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા પર કટિંગ શૅર થાય ત્યારે માત્ર હેડલાઇન વાંચે છે, એટલે ગુજરાત સમાચાર જેવાઓનો એજન્ડા સચવાય જાય છે. પરંતુ વાસ્તવમાં આને બદમાશી કહેવાય.


