લંડનમાં 26 વર્ષીય ભારતીય યુવકની હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

લંડનમાં ભારતના એક 26 વર્ષીય યુવકની હત્યા થઈ છે. મૃતકની ઓળખ ગુરભેજ સિંઘ તરીકે થઈ, જેમની ઉપર ચાકુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા ન હતા.

ગુરભેજ સાથે અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

ઘટના બુધવારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 12:30 વાગ્યે એક શોપની બહાર આ હુમલો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અગાઉ 7 સંદિગ્ધોની અટકાયત પણ કરી હતી. જોકે તેમાંથી 6ને પૂછપરછ બાદ છોડી દેવાયા હતા જ્યારે એકને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. પોલીસે સાક્ષીઓને સામે આવવા માટે અપીલ કરી છે. ઉપરાંત જણાવ્યું છે કે તેઓ મૃતકના પરિવારને મદદ કરી રહ્યા છે.

આ પહેલાં પણ વિદેશોમાં ભારતીય નાગરિકો પર હુમલાની ઘણી ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી છે.