ભારતીય નાવિકોનાં મોત બાદ ભારતે અમેરિકાને ઘેર્યું: ટ્રમ્પ બેકફૂટ પર, કહ્યું- અમે ભારતીય જહાજોને ઈરાની હુમલાથી બચાવ્યાં, જયશંકરે રૂબિયો સાથે કરી વાત

ઓમાનના કિનારા નજીક અમેરિકી નૌકાદળના મિસાઇલ હુમલામાં ભારતીય નાવિકોનાં મોત મામલે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. પલાઉના ધ્વજવાળાં જહાજ પર થયેલા અમેરિકી હુમલા બાદ ભારતે બે વખત અમેરિકી રાજદૂતાવાસના વરિષ્ઠ અધિકારીને તેડું મોકલ્યું હતું. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમના અમેરિકી સમકક્ષ માર્કો રૂબિયો સાથે વાતચીત કરીને ભારતનો કડક અભિગમ ફરી સ્પષ્ટ કર્યો છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એવો દાવો કરી રહ્યા છે કે અમેરિકાએ ભારતીય જહાજોને ઈરાનના હુમલાથી બચાવ્યાં છે.

સેટેબેલો પર અમેરિકી હુમલો અને નાવિકોનાં મોત

અમેરિકાએ 10 જૂન 2026ના રોજ ઓમાનની ખાડીમાં પલાઉના ઓઇલ ટેન્કર MT Settebello પર હુમલો કર્યો હતો. હુમલામાં જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ થતાં ત્રણ ભારતીય નાવિકોનાં મોત થયાં હતાં. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો હતો કે જહાજે અમેરિકી દળોની ચેતવણીનું પાલન ન કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. સેટેબેલો ઉપરાંત મારિવેક્સ અને જલવીર નામના જહાજો પર પણ હુમલા કરવામાં આવ્યા હોવાનું કહેવાયું હતું.

11 જૂન 2026ના રોજ અમેરિકાએ જલવીર જહાજ પર પણ હુમલો કર્યો હતો. આ જહાજ પર અંદાજે 20 ભારતીય નાવિકો સવાર હતા. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નહોતા. આ ઘટનાને પગલે ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

ભારતનો વિરોધ

ઘટના બાદ ભારતે અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને તેડું મોકલીને ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતીય ક્રૂ સભ્યોવાળાં વેપારી જહાજો પર અમેરિકી નૌકાદળના આવા હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ.

ત્યારબાદ 12 જૂન 2026ના રોજ ભારતે બીજી વખત પણ જેસન મીક્સને તેડું મોકલ્યું હતું. તેઓ લગભગ 45 મિનિટ સુધી વિદેશ મંત્રાલયમાં હાજર રહ્યા હતા.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોન પર વાત કરી હતી. જયશંકરે X પર લખ્યું હતું કે આજે સાંજે તેમણે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી. ખાડી વિસ્તારમાં અમેરિકી નૌકાદળ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ સામે ભારતનો કડક વિરોધ ફરી નોંધાવ્યો છે. આ હુમલાઓમાં ત્રણ ભારતીય નાવિકોનાં મોત થયાં છે. વ્યાપારી જહાજરાની સામે આ પ્રકારની ઘાતક કાર્યવાહી યોગ્ય નથી.

ટ્રમ્પનો દાવો- ઈરાન ભારતીય જહાજોને નિશાન બનાવી રહ્યું છે

ભારતના કડક વિરોધ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન ભારતીય જહાજો પર ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે ગઈ રાત્રે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલાં ભારતીય જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલો ડ્રોન હુમલો સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ સ્વીકાર્ય નથી અને ઈરાને પોતાનું વલણ તરત બદલવું જોઈએ.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ જણાવ્યું હતું કે ઈરાને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવા માટે અનેક વન-વે એટેક ડ્રોન છોડ્યા હતા, પરંતુ અમેરિકી દળોએ તે તમામ ડ્રોનને તોડી પાડ્યા હતા. સાથે જ આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ આ જળમાર્ગ ખુલ્લો અને સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું હતું.

ઈરાનનો જવાબ

ટ્રમ્પના આરોપોને ઈરાને ફગાવી દીધા હતા. ભારતમાં આવેલા ઈરાની દૂતાવાસે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગમાં ભારતીય જહાજ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ઈરાન પર મૂકવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

ઈરાની દૂતાવાસે વધુમાં દાવો કર્યો હતો કે આ આરોપો દ્વારા લોકોનું ધ્યાન એ હકીકત પરથી હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અમેરિકાએ એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ત્રણ ભારતીય જહાજો પર હુમલા કર્યા અને ત્રણ નિર્દોષ ભારતીય નાવિકોના જીવ ગયા. દૂતાવાસે આ ઘટનાને શરમજનક ગણાવી હતી.

મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન બંને પોત-પોતાના દાવા કરી રહ્યા છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં ભારતીય ક્રૂ સભ્યોને નિશાન બનાવતી કોઈપણ કાર્યવાહી સ્વીકારવામાં આવશે નહીં.