બાગેશ્વર ધામ સરકારના નામથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં દરબાર લગાવશે એવી ઘોષણા થઈ ત્યારથી અમુક યુઝઅલ સસ્પેક્ટોને તકલીફ શરૂ થઈ છે એ જેમજેમ સમય નજીક આવતો ગયો એમ વધતી જ ગઈ અને હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ‘જાણીતી’ કરતાં ‘કુખ્યાત’ શબ્દ જેની સાથે વધારે બંધબેસે એવી સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ આમાં મોખરે રહી. પછી બીજા પણ અમુક તથાકથિત રૅશનલોએ ઝંપલાવ્યું. જેમને ભારતનું કશું સારું દેખાતું જ નથી અથવા સારું જોવા માગતા નથી એવા વિદેશમાં બેઠેલા અમુક ડાબેરી દેડકાઓએ પણ યથાશક્તિ યોગદાન આપ્યું. બાકી રહી જતું હતું તો હવાલાના પૈસે પાર્ટીપ્રચાર માટે યુટ્યુબ ચેનલો ચલાવતી પત્રકારોની ગેંગ પણ છેલ્લે કૂદી પડી અને હિંદુઓને ફટકારવાની તક શોધી લીધી.
આ આખી ગેંગની મૂળ દલીલ એ છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવે છે અને આજના સમયમાં આવી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન ન હોવું જોઈએ. કાર્યક્રમ પહેલાં પણ આ વાતને લઈને બહુ કચાટ કર્યો, કાર્યક્રમ પછી અમુક વિડીયો ફેરવવામાં આવ્યા અને ફરી એ જ દલીલો થઈ. સમાજમાં અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો અને નફરત ફેલાવનારાં તત્ત્વોને પ્રોત્સાહન આપવાને સ્થાને બંધારણ મુજબ સમાજમાં તાર્કિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ એવી ડાહીડાહી અને સુફિયાણી વાતો પણ થઈ. અંધશ્રદ્ધાવિરોધી કાયદો અમલમાં છે તો સરકાર શું કરી રહી છે એવા પ્રશ્નો પણ થયા.
આવો ઘોંઘાટ થોડા સમય પહેલાં રાષ્ટ્રીય સ્તરે પણ થયો હતો. ત્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પડકાર ફેંકીને કહ્યું હતું કે જે કોઈને વાંધો હોય તેઓ તેમની પાસે આવીને શંકાનું સમાધાન કરી જાય. અમુક પત્રકારોએ પ્રયાસો કર્યા પણ ખરા પણ બહુ ફાવ્યા નહીં. ગુજરાતમાં પણ જેમને આ બધા પ્રશ્નો હતા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટો કરીને આપણા માથે મારી તેના કરતાં દરબારમાં જઈ આવ્યા હોત અને સ્ટેજ પર જઈને પડકાર ફેંક્યો હોત એ વધુ યોગ્ય રહ્યું હોત.
દલીલ ખાતર માની પણ લઈએ કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવે છે. તો આગળનો પ્રશ્ન એ છે કે શું આવી પ્રવૃત્તિઓ માત્ર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમમાં જ થાય છે. અન્ય મજહબ, પંથમાં આ બધી બાબતોને કોઈ સ્થાન નથી? જો તેવું ન હોય તો બીજો પ્રશ્ન એ છે કે આ બધો ઘોંઘાટ, આક્ષેપો હિંદુ કાર્યક્રમ પહેલાં જ કેમ થાય છે? વિરોધ માત્ર અંધશ્રદ્ધા, વહેમ વગેરેને પ્રોત્સાહન આપવા સામે હોય તો વરસના બાકીના દહાડા આવી પ્રવૃત્તિઓ થતી રહે છે, અન્ય પંથ-મજહબોમાં મોટાપાયે થતી રહે છે ત્યારે આ જમાત, આ ગેંગ ક્યાં વ્યસ્ત રહે છે?
ગ્રામ્ય, અંતરિયાળ વિસ્તારોમાં ભોળા ગરીબ માણસોને અનેક પ્રકારની લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાના કિસ્સાઓ છાશવારે બહાર આવતા રહે છે. ડાંગ અને તાપી જિલ્લાઓમાં ધર્માંતરણ આ જ ગતિએ ચાલ્યું તો થોડાં વર્ષોમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે. આ ધર્માંતરણ કાગળ પર ક્યારેય થતું નથી કારણ કે તો એસટી/એસસીના લાભ મળવાના બંધ થઈ શકે છે. ધર્માંતરણ માટે કેવાં પ્રલોભનો, લોભ-લાલચ આપવામાં આવે છે એ જગજાહેર પણ છે અને પોલીસ અને કોર્ટના ચોપડે અનેક કેસમાં પુરવાર થઈ ચૂક્યું છે.
થોડા સમય પહેલાં નડિયાદથી એક કેસ આવ્યો હતો, જેમાં એક સંસ્થાને ધર્માંતરણ માટે તગડું વિદેશી ભંડોળ મળતું હતું. એમાં વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કઈ રીતે ભોળા હિંદુઓને સ્વાસ્થ્ય સારું કરવાની, તેમનું જીવન સુધરી દેવાની લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવતું રહે છે. આવા જ કિસ્સાઓ દેશભરમાંથી બહાર આવતા રહે છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.
આ બધું જ ઈન્ટરનેટ પર જાહેરમાં ઉપલબ્ધ છે. આપણે ક્યારે આ જમાતમાંથી કોઈને આ બધા સામે વાંધો ઉઠાવતા જોયા? ક્યારે તેમણે ઇસ્લામી ધર્માંતરણ સામે બે શબ્દ લખ્યા અને સ્વીકાર્યું કે હિંદુઓને લોભ-લાલચ આપીને મુસ્લિમ બનાવવામાં આવે છે. નાશિક TCS જેવા કાંડ બહાર આવ્યા ત્યારે આમાંથી કેટલાએ ફેસબુક પોસ્ટો લખીને તેનો વિરોધ કર્યો?
ધર્માંતરણ માટે યોજાતા કાર્યક્રમોમાં મિશનરીઓ આ જ રીતે સ્વાસ્થ્ય સારું કરવાના દાવા કરીને, ધતિંગો કરાવે છે. આમાંથી કેટલું મીડિયામાં આવે છે, કેટલું સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે? કેટલાને પડકારવામાં આવે છે? વાંધો માત્ર અંધશ્રદ્ધા સામે હોય તો આ બધું શા માટે અવગણી દેવાય છે એ પણ એક પ્રશ્ન છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે બીજો એક આરોપ નફરત ફેલાવવાનો લાગે છે. સદંતર ખોટો છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણની વાતો કરવી, હિંદુઓ સચેત કરવા, ઇસ્લામી જેહાદથી સાવચેત કરવા એ નફરત ફેલાવવી ન કહેવાય. હિંદુઓ સાથે જે થાય છે તેને નફરત ફેલાવવી કહેવાય પણ આ જમાતને તેમાં ક્યારેય નફરત કે ઘૃણા દેખાતી નથી અને ઉપરથી આવા ગુનાઓમાં મુસ્લિમોની ધરપકડ થાય ત્યારે તેમના માટે સહાનુભૂતિ ઉઘરાવવા પહેલી લાઇનમાં ઊભી રહી જાય છે.
બીજો એક આરોપ એ પણ છે કે આવા કાર્યક્રમોથી ભાજપને ફાયદો થાય છે. પણ એ પણ હકીકત છે કે આવા કાર્યક્રમમાં ક્યારેય પણ કોઈ રાજકીય ટિપ્પણીઓ થઈ નથી. કોઈ સંતોના કાર્યક્રમમાં થતી નથી. જો હિંદુઓને એકઠા કરવાથી, સત્સંગ કરવાથી ફાયદો થતો હોય તો બીજી પાર્ટીઓને આવું કરવામાં શું જોર પડે છે? અને હિંદુઓના દેશમાં હિંદુઓના કાર્યક્રમ થાય તેનાથી તકલીફ શું હોવી જોઈએ?
અન્ય પંથ-મજહબો સામે મોઢું કેમ ખુલતું નથી એવું પૂછવામાં આવે ત્યારે આ ટોળકી એવી દલીલો લઈને દોડી આવે છે કે આ બધાનો આશય હિંદુ ધર્મમાં સુધારો લાવવાનો છે કારણ કે એ ધર્મ તેમનો પોતાનો છે અને બીજા ધર્મોમાં શું ચાલે છે તેનાથી તેમને નિસ્બત નથી.
આમાં પણ બે વાતો છે.
એક. આ રૅશનલ તરીકે પોતાને ઓળખાવતા બદમાશોને ધર્મ સાથે ક્યારેય કશું લાગ્યું-વળગ્યું નથી એ તેમની અન્ય ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ જોતાં સમજાય જશે. બાકીના દહાડે પણ તેઓ હિંદુઓના જ વાંક શોધતા હોય છે. બીજું, ધર્મમાં સુધારો લાવનારાઓનાં, સુધારકોનાં લક્ષણો જુદાં હોય છે. આ બધી પોસ્ટ્સ, દલીલોના શબ્દો પારખો તો સમજાશે કે આશય બીજો કોઈ પણ હોય પણ સુધારાનો નથી. સુધારો કરવા માગતા માણસો આ રીતે અન્યોને ઉતારી પાડતા નથી.
બે. બીજા ધર્મોમાં ચાલે છે એનાથી નિસ્બત ન હોય એ માન્યું, પણ હિંદુઓને જ જ્યારે પ્રલોભનો આપીને, અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપીને ધર્માંતરિત કરવામાં આવતા હોય ત્યારે ન બોલી શકાય?
બોલી શકાય, પણ પોચું ભાળીને ક્રાંતિ કરવાની કુટેવ પડી ગઈ છે. કથિત ક્રાંતિવીરો જાણે છે કે હિંદુઓ વિશે, તેમના સાધુઓ વિશે, ધર્મ-પરંપરાઓ વિશે ગમે તેટલું બોલાય કે લખાય તેનો ઝાઝો ફેર નહીં પડે. બહુબહુ તો કૉમેન્ટ બોક્સમાં બે માણસો ગાળો દેશે. પણ બીજે સળી કરવાનાં પરિણામો ઘાતક આવી શકે છે. એટલે બીજે ક્યાંય મોં ઊઘડતાં નથી. હિંદુઓ સૉફ્ટ ટાર્ગેટ છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ પત્યો હવે આ ચર્ચા ફરી ત્યારે થશે જ્યારે ફરી દરબાર લગાવવા આવશે, ત્યાં સુધી બીજી પ્રવૃત્તિઓ પર આંખ આડા કાન કરવામાં આવશે.
લોકો આ બધું પણ સાથેસાથે જોતા થયા છે અને એટલે આ ટોળકીને ગંભીરતાથી લેવાની માંડી વાળી છે.


