અમેરિકાની ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા માટે લાદવામાં આવેલી $100,000 (આશરે ₹85 લાખથી વધુ) ફીને ગેરકાયદેસર ઠેરવીને રદ કરી છે. બોસ્ટનના જજ લિયો સોરોકિને કહ્યું કે આ ફી વાસ્તવમાં એક પ્રકારનો ટેક્સ છે, જે કોંગ્રેસની મંજૂરી વિના રાષ્ટ્રપતિ લાદી શકતા નથી. અગાઉ એક બીજી ફેડરલ કોર્ટે આ ફીને માન્ય રાખી હતી, પરંતુ હવે આ ચુકાદાથી ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો લાગ્યો છે. જોકે વ્હાઇટ હાઉસે આ નિર્ણય સામે અપીલ કરવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2025માં ટ્રમ્પ પ્રશાસને એક વ્યાપક પ્રોક્લેમેશન દ્વારા આ જંગી ફી લાદી હતી. હવે કોર્ટના આદેશથી અમેરિકા જવા માંગતા લાખો આઈટી પ્રોફેશનલ્સ અને ત્યાંની કંપનીઓએ હાશકારો અનુભવ્યો છે.
અદાલતમાં 20 ડેમોક્રેટિક સ્ટેટ એટોર્ની જનરલે આ ફી વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી. ટ્રમ્પ સરકારે બચાવ કર્યો હતો કે ઈમિગ્રેશન કાયદા હેઠળ રાષ્ટ્રપતિને દેશના હિતમાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ કે પેનલ્ટી લગાવવાની સત્તા છે. જોકે, જજ સોરોકિને ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે આ રકમ કોઈ સામાન્ય ‘રેગ્યુલેટરી ફી’ નથી પણ એક ‘ટેક્સ’ છે. અમેરિકન બંધારણ મુજબ ટેક્સ નાખવાની સત્તા માત્ર કોંગ્રેસ પાસે જ છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. અથવા તો કોંગ્રેસની મંજૂરીથી જ આવા ટેક્સ લાદી શકાય છે.
H-1B વિઝા શું છે અને તેનો ક્વોટા કેટલો છે?
અમેરિકન કંપનીઓ જ્યારે પોતાના દેશમાં લાયક સ્થાનિક કર્મચારીઓ ન મેળવી શકે, ત્યારે ઉચ્ચ કૌશલ્ય અને વિશેષ જ્ઞાન ધરાવતા વિદેશી નાગરિકોને નોકરી પર રાખવા માટે H-1B વિઝાનો ઉપયોગ કરે છે. અમેરિકા દર વર્ષે સામાન્ય ક્વોટા હેઠળ 65,000 વિઝા આપે છે અને ઉચ્ચ ડિગ્રી (માસ્ટર્સ કે પીએચડી) મેળવેલા વ્યાવસાયિકો માટે વધારાના 20,000 વિઝા ફાળવે છે, જેની પસંદગી લોટરી સિસ્ટમથી થાય છે.
સામાન્ય ફી અને ટ્રમ્પના વધારા વચ્ચેનો તફાવત
ટ્રમ્પના આ આદેશ પહેલાં અમેરિકન એમ્પ્લોયરોએ H-1B વિઝા સ્પોન્સર કરવા માટે તમામ સરકારી પ્રક્રિયાઓ અને ફાઇલિંગ ફી પેટે માત્ર $2,000થી $5,000 (આશરે 1.4 લાખથી 4 લાખ રૂપિયા) ચૂકવવા પડતા હતા. પરંતુ ટ્રમ્પ સરકારે તેને સીધી 60 ગણી વધારીને $1,00,000 કરી દીધી હતી. કોર્ટના રેકોર્ડ અનુસાર આ ફી વધારાને કારણે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે સમગ્ર અમેરિકામાં માત્ર 85 કંપનીઓએ જ આ ફી ચૂકવી શકી હતી, જે દર્શાવે છે કે આ નીતિએ આખી સિસ્ટમને ઠપ્પ કરી દીધી હતી.
H-1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી ભારત દેશ છે. વર્ષ 2024ના સત્તાવાર આંકડા મુજબ અમેરિકાએ મંજૂર કરેલ કુલ H-1B વિઝામાંથી 71% માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા, જ્યારે ચીન 11-12% સાથે બીજા ક્રમે હતું. એક મહત્વનાં રિસર્ચ પેપર ‘ધ અધર વન પર્સન્ટ’માં નોંધવામાં આવ્યું છે કે આ જ વિઝા પ્રોગ્રામના કારણે ભારતીય-અમેરિકનો આજે યુએસએમાં સૌથી વધુ શિક્ષિત અને સૌથી વધુ કમાણી કરતો લઘુમતી સમુદાય બની શક્યા છે.
આ ફી વધારાની સૌથી ક્રૂર અસર તે હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર પડી હતી જેઓ પોતાના ઘર-બાર ગીરવે મૂકીને કે મોટી એજ્યુકેશન લૉન લઈને અમેરિકા ભણવા જાય છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ઓપીટી (Optional Practical Training) હેઠળ નોકરી મેળવે છે અને ત્યારબાદ કંપનીઓ તેમના H-1B વિઝા સ્પોન્સર કરે છે. જો $1,00,000ની ફી ચાલુ રહી હોત તો કોઈ કંપની આ ફ્રેશર વિદ્યાર્થીઓ પાછળ આટલો મોટો ખર્ચ કરવા તૈયાર ન થાત અને વિદ્યાર્થીઓએ અધૂરા સપને ભારત પાછા ફરવું પડત.
ભારતીય IT સેક્ટર પર અસર
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ જેવી ભારતીય આઇટી દિગ્ગજ કંપનીઓ પોતાના હજારો કુશળ કર્મચારીઓને અમેરિકામાં પ્રોજેક્ટ્સ માટે મોકલે છે. જ્યારે સપ્ટેમ્બર 2025માં ટ્રમ્પે આ ફીની જાહેરાત કરી ત્યારે ભારતીય ટેક કંપનીઓના શેરમાં સીધો 3% સુધીનો મોટો કડાકો બોલી ગયો હતો. હવે આ ફી રદ થતા આ કંપનીઓના ઘણા રૂપિયા બચશે.
ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા અને એપલ જેવી ટ્રિલિયન-ડોલર કંપનીઓ કદાચ પોતાની જરૂરિયાત મુજબ આ ફી વસૂલ કરી શકત, પરંતુ યુએસએમાં કાર્યરત નાની ટેક કંપનીઓ, હેલ્થકેર સ્ટાર્ટ-અપ્સ, હોસ્પિટલો અને પ્રખ્યાત યુનિવર્સિટીઓ આ ખર્ચ સહન કરી શકે તેમ નહોતી. બોસ્ટનના આ આદેશથી હવે આ નાની સંસ્થાઓ પણ ભારતના પ્રતિભાશાળી રિસર્ચર્સ, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોને વ્યાજબી ખર્ચે હાયર કરી શકશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વિદેશી કર્મચારીઓ અને ઇમિગ્રન્ટ્સ પ્રત્યેનો કડક અભિગમ જૂનો છે. તેમના પ્રથમ કાર્યકાળ (2017) દરમિયાન પણ ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ નીતિ હેઠળ વિઝા સ્કૂટિની ખૂબ કડક કરાઈ હતી, જેના કારણે 2018માં વિઝા રિજેક્શન રેટ વધીને 24% એ પહોંચ્યો હતો, જે ઓબામાના સમયમાં 5-8% અને બાઇડનના સમયમાં માત્ર 2-4% જ હતો. આ ફી વધારો પણ તે જ રણનીતિનો એક ભાગ હતો.
આ સમગ્ર વિવાદ હજુ કાનૂની ગૂંચવણમાં ફસાયેલો છે. ડિસેમ્બર 2025માં વોશિંગ્ટન ડીસીની એક ફેડરલ કોર્ટે યુએસ ચેમ્બર ઑફ કોમર્સના કેસમાં ટ્રમ્પની આ ફી વધારાની નીતિને લીગલ ઠેરવી હતી. પરંતુ હવે બોસ્ટનની કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવી છે. કાયદાકીય ભાષામાં આને ‘સ્પિલ્ટ ડિસિઝન’ કહેવાય છે, જેનો અર્થ એ થાય છે કે હવે આ મામલો આખરી ફેંસલા માટે ઉપલી અદાલતમાં જશે.
ભારતીયો માટે આગળનો માર્ગ શું?
વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ટ્રમ્પ પ્રશાસન આ આદેશ વિરુદ્ધ એપેલેટ કોર્ટમાં અપીલ કરશે. ઇન્ડિયાસ્પોરા જેવી ભારતીય ડાયસ્પોરા સંસ્થાઓના વડા સંજીવ જોશીપુરાએ જણાવ્યું છે કે, “આ આદેશથી સ્ટેકહોલ્ડર્સે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ લડાઈનો અંત નથી.” ટૂંકમાં આ ચુકાદાથી વિઝા મળવાનું સરળ નથી થયું, પરંતુ ભારતીયોના કરિયર આડે આવેલી કરોડો રૂપિયાની આર્થિક દીવાલ હાલ પૂરતી જમીનદોસ્ત થઈ ગઈ છે.


