હોમપેજક્રાઈમમમતા બેનર્જીનું ‘દારૂ કૌભાંડ’: 55 હોલસેલર્સ બહાર, પસંદગીના વચેટિયાઓની એન્ટ્રી; કેવી રીતે...

મમતા બેનર્જીનું ‘દારૂ કૌભાંડ’: 55 હોલસેલર્સ બહાર, પસંદગીના વચેટિયાઓની એન્ટ્રી; કેવી રીતે બંગાળમાં TMC સરકારે ઊભું કર્યું હતું ‘લિકર સિન્ડિકેટ’

આ WBSBCLના કારણે બજારમાં મોનોપોલી, વહીવટી ખામીઓ અને વેપારીઓ પાસેથી ગેરકાયદેસર વસૂલાત જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ. આ મોડેલે માત્ર રિટેલર્સ અને કંપનીઓનો ખર્ચ જ ન વધાર્યો, પરંતુ દારૂના વેપારમાં રાજકીય નેતાઓ અને અમલદારોની ભ્રષ્ટ દખલઅંદાજી માટેના રસ્તા પણ ખોલી આપ્યા.

- Advertisement -

દિલ્હીના દારૂ કૌભાંડ બાદ હવે પશ્ચિમ બંગાળમાં 2017માં લાગુ કરાયેલી આબકારી નીતિને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે. તત્કાલીન મમતા બેનર્જી સરકારે ‘વેસ્ટ બંગાળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશન લિમિટેડ’ની (WBSBCL) સ્થાપના કરીને દારૂના વેપાર પર સીધું સરકારી નિયંત્રણ લાવી દીધું હતું.

આ સરકારી એજન્સીએ બજારમાંથી તમામ 55 ખાનગી હોલસેલર્સને હટાવી દીધા હતા. સંસ્થાએ વિતરક (ડિસ્ટ્રીબ્યુટર) અને જથ્થાબંધ વેપારી (હોલસેલર) બંને તરીકે એકસાથે કામ કરવાનો પ્રયાસ કર્યો, જેના લીધે આખી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ અને ગ્રાહકો તેમજ છૂટક વેપારીઓ પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવ્યા.

આબકારી વિભાગના એક ગુપ્ત દસ્તાવેજ પરથી ખુલાસો થયો છે કે આ નવી વિતરણ વ્યવસ્થામાં જાણીજોઈને એવા ફેરફારો કરવામાં આવ્યા હતા જેથી કેટલાક ખાસ ખાનગી વેપારીઓને જ ફાયદો થાય. અહેવાલ મુજબ આ ફેરફારો TMCના વડા મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના ઈશારે બજારમાં ચોક્કસ લોકોનો એકાધિકાર (મોનોપોલી) સ્થાપવા માટે કરાયા હતા.

- Advertisement -

ઑપઇન્ડિયાને મળેલા રિપોર્ટ અનુસાર સરકારે જેને સત્તાવાર રીતે દારૂના વેપારને સુવ્યવસ્થિત કરવાનો ‘સુધારો’ ગણાવ્યો હતો, તે વાસ્તવમાં ખાનગી બોટલિંગ કરનારાઓ અને દારૂના ઉત્પાદકો પાસેથી પૈસા પડાવવાની એક આખી સિસ્ટમ બની ગઈ હતી, જેમાં જૂના હોલસેલ મોડલને સંપૂર્ણપણે ખતમ કરી દેવાયું હતું.

અહેવાલના વિશ્લેષણ મુજબ બંગાળ સરકારે મુક્ત સ્પર્ધા અને વિકેન્દ્રીકૃત વિતરણના (ડીસેન્ટ્રલાઈઝ્ડ ડિસ્ટ્રીબ્યુશન) પરંપરાગત નિયમોને હટાવીને એક કડક નિયંત્રણવાળું નેટવર્ક ઊભું કર્યું. જેના કારણે દારૂ ઉત્પાદકોથી લઈને ગ્રાહકો સુધી માલ પહોંચાડવાની આખી રીત બદલાઈ ગઈ અને આખી સિસ્ટમ માત્ર ગણતરીના પસંદગીના વિતરકોના હાથમાં આવી ગઈ.

TMCએ દારૂ વિતરણની આખી પ્રક્રિયાને સેન્ટ્રલાઇઝ કરી દીધી

અહેવાલમાં આપેલા ચાર્ટથી સમજાવવામાં આવ્યું છે કે પરંપરાગત રીતે દારૂ ઉત્પાદકના ગોડાઉનથી (‘મધર ગોડાઉન’) શરૂ થઈને કૅરિંગ એન્ડ ફોરવર્ડિંગ એજન્સી (C&FA) સુધી પહોંચે છે, જે માલના સ્ટોરેજ અને લોજિસ્ટિક્સનું સંચાલન કરે છે. ત્યાંથી આ પ્રોડક્ટ્સ બજારમાં આગળ વધે છે.

C&FAથી માલ કંપનીના સત્તાવાર બિઝનેસ પાર્ટનર એવા ડિસ્ટ્રીબ્યુટર્સ અથવા સુપર સ્ટોકિસ્ટો પાસે જાય છે. ડિસ્ટ્રીબ્યુટર્સ ઉત્પાદકો અને રિટેલર્સ વચ્ચેની મુખ્ય કડી છે, જેઓ ઓર્ડર લેવા, સ્ટોક જાળવવા અને માર્કેટમાં રોકડની તંગી ન વર્તાય તે માટે વેપારીઓને ઉધાર આપવાનું કામ પણ કરે છે.

આ સિસ્ટમમાં હોલસેલર્સ પણ મહત્વના છે, જેઓ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી મોટો જથ્થો ખરીદીને રિટેલર્સને (છૂટક વેપારીઓ) નાના લોટમાં માલ વેચે છે. એક આદર્શ બજારના નિર્માણમાં ઉત્પાદક, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને રિટેલર – આ ચારેયની અલગ અને મહત્વની ભૂમિકા હોય છે.

પરંતુ, અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળ સરકારના ફેરફારોને કારણે આ આખી પરંપરાગત વ્યવસ્થા પડી ભાંગી અને તેના પર એક નાના ગ્રુપનો કબજો થઈ ગયો. બજારમાં મુક્ત હરીફાઈ ખતમ થઈ ગઈ અને ગણતરીના લોકોનો મોનોપોલી સ્થપાતાં તેમણે વધુ નફો કમાવવાનું શરૂ કર્યું, જેનાથી વેપારના મૂળ સિદ્ધાંતોને મોટું નુકસાન થયું.

ડિસ્ટ્રીબ્યુટર અને હોલસેલર કેમ છે મહત્વપૂર્ણ?

ડિસ્ટ્રીબ્યુટર સીધા ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરીને તેમના સત્તાવાર બિઝનેસ પાર્ટનર તરીકે કામ કરે છે. તેમનું કામ માત્ર માલ વેચવાનું જ નથી, પરંતુ પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું, સપ્લાય નેટવર્ક જાળવવું અને મોટા વિસ્તારોમાં ગ્રાહકો કે વેપારીઓ સુધી પહોંચ બનાવવાનું હોય છે. તેઓ વેપારના જોખમો પણ ઉઠાવે છે. બીજી તરફ હોલસેલર મુખ્યત્વે ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદીને રિટેલર્સને વેચે છે. તેમનું મુખ્ય ધ્યાન માલના સ્ટોરેજ અને હેરફેર દ્વારા નફો કમાવવા પર હોય છે.

અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળમાં લાગુ કરાયેલા દારૂ નીતિના ફેરફારોએ ડિસ્ટ્રીબ્યુટર અને હોલસેલર વચ્ચેના આ મહત્વના તફાવતને જ ખતમ કરી નાખ્યો. આ નીતિ હેઠળ એક એવું મોડલ તૈયાર કરવામાં આવ્યું જે વેપારના સ્થાપિત અને પરંપરાગત સિદ્ધાંતોની સાવ વિરુદ્ધ હતું, જેના કારણે આખી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી.

2017માં સરકારી નિયંત્રણવાળી વિતરણ વ્યવસ્થામાં ફેરફાર

2017માં પશ્ચિમ બંગાળ સરકારે ‘વેસ્ટ બંગાળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશન લિમિટેડ’ (WBSBCL) નામની સરકારી કંપની બનાવી, જેના માધ્યમથી મમતા બેનર્જીની TMC સરકારે દારૂના વેપારમાં સીધો પ્રવેશ કર્યો. આ કંપનીએ રાજ્યમાં પેક કરેલા દારૂના હોલસેલ વિતરણની આખી જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી. આ નવી વ્યવસ્થા અમલમાં આવી તે પહેલાં હોલસેલ વિતરણનું કામ 1909ના ‘બંગાળ આબકારી અધિનિયમ’ હેઠળ લાયસન્સ ધરાવતા ખાનગી વેપારીઓ કરતા હતા, જેઓ ઉત્પાદકો પાસેથી દારૂ ખરીદીને આખા રાજ્યના રિટેલર્સને સપ્લાય કરતા હતા.

WBSBCLના ગઠન પછી આ સરકારી સંસ્થા પોતે જ ડિસ્ટ્રીબ્યુટર અને હોલસેલર બંને બની ગઈ. ત્યારબાદ સંસ્થાએ પોતે જ રજિસ્ટર્ડ સપ્લાયર્સ પાસેથી દારૂ ખરીદીને પશ્ચિમ બંગાળની અંદાજે 5,200 રિટેલ દુકાનોને સીધો વેચવાનું શરૂ કરી દીધું. આ બદલાવને કારણે જૂની ખાનગી હોલસેલ સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ અને સરકારનો તેના પર એકહથ્થુ અંકુશ આવી ગયો.

બંગાળ આબકારી કાયદાની કલમ 20 મુજબ દારૂના વેચાણ માટે લાયસન્સ હોવું ફરજિયાત છે, પરંતુ વિદેશી દારૂના સેક્ટરમાં ઘણા સપ્લાયર્સ લાયસન્સ વગર જ માત્ર રજિસ્ટર્ડ બ્રાન્ડ માલિક કે આયાતકાર તરીકે કામ કરી રહ્યા હતા. આમ છતાં આ સરકારી નિગમે તેમને પ્રોડક્ટ્સ વેચવાની અને બિલ બનાવવાની મંજૂરી આપી દીધી. અહેવાલ અનુસાર આના કારણે એક એવી સ્થિતિ ઊભી થઈ જે કાયદાના મૂળ હેતુ અને નિયમોની સાવ વિરુદ્ધ હતી.

છૂટક વેપારીઓ અને ઉત્પાદકોએ શા માટે ફરિયાદ કરી?

નવા સરકારી મોડલના કારણે વેપારમાં મોટી નાણાકીય અને ઑપરેશનલ મુશ્કેલીઓ ઊભી થઈ, જેમાં સૌથી મુખ્ય સમસ્યા ઉધાર (ક્રેડિટ) સુવિધા બંધ થવાની હતી. જૂની ખાનગી હોલસેલ સિસ્ટમમાં રિટેલર્સને સરળતાથી ઉધાર માલ મળી જતો હતો, જેના લીધે તેમણે શરૂઆતમાં મોટી રકમ રોકવી પડતી નહોતી અને દુકાનમાં સ્ટોક પણ જળવાઈ રહેતો હતો. પરંતુ, WBSBCLએ બજાર પોતાના હાથમાં લીધા પછી રિટેલર્સ માટે માલ ખરીદતી વખતે આખી રકમ એડવાન્સમાં ચૂકવવી ફરજિયાત કરી દેવાઈ. દારૂની કિંમતના આશરે 70થી 80 ટકા હિસ્સો સરકારી ટેક્સ અને ડ્યુટીનો હોવાથી આ એડવાન્સ પેમેન્ટના નિયમે વેપારીઓ પર આર્થિક બોજ ખૂબ વધારી દીધો.

અહેવાલમાં જણાવ્યા અનુસાર આ ફેરફારને કારણે આખી સપ્લાય ચેઈનમાં મૂડીની ભારે તંગી સર્જાઈ. ખાસ કરીને નાના રિટેલર્સ આનાથી સૌથી વધુ પ્રભાવિત થયા, કારણ કે તેમને બજારમાંથી મળતી ઉધારની મદદ બંધ થઈ ગઈ અને તેની સામે પોતાનું રોકાણ ઘણું વધારવું પડ્યું. આ આર્થિક ખેંચતાણને લીધે બજારમાં મંદી જેવી સ્થિતિ ઊભી થઈ અને સરકાર તેમજ વેપારીઓ બંનેની કમાણી પર તેની માઠી અસર પડી.

સ્ટોરેજ અને સિસ્ટમની ખામીઓથી જોડાયેલી સમસ્યાઓ

WBSBCLના ગોડાઉન અને લોજિસ્ટિક્સ વ્યવસ્થામાં ઘણી ગંભીર ખામીઓ હતી. રાજ્યભરમાં ચાલતા તેના અનેક ડેપો અસ્થાયી હતા, જ્યાં આગ સામે સુરક્ષા જેવી જરૂરી સુવિધાઓ પણ નહોતી. માલ લોડ-અનલોડ કરવાનું કામ સ્થાનિક મજૂરો કરતા હોવાથી ખર્ચમાં વિસંગતતા અને કામમાં અડચણો આવતી હતી, તેમજ ગુંડાતત્વો આ પ્રવૃત્તિઓ પર નજર રાખતા હતા. આ સિસ્ટમમાં ‘ફર્સ્ટ ઇન, ફર્સ્ટ આઉટ’ના (જે માલ વહેલો આવ્યો તે પહેલા વેચાય) નિયમનું પાલન ન થતાં ઘણો સ્ટોક જૂનો અને ખરાબ થઈ ગયો. ગોડાઉનોમાં જગ્યાની અછતને કારણે તહેવારો જેવા વધુ માંગવાળા સમયે પણ સપ્લાય અટકવા જેવી સમસ્યાઓ આવવા લાગી જે જૂની ખાનગી સિસ્ટમમાં ક્યારેય નહોતી આવતી.

અહેવાલના નિષ્કર્ષ મુજબ સરકારી નિગમે ડિસ્ટ્રીબ્યુટર અને હોલસેલર બંને તરીકે કામ કરવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ તે બંને ભૂમિકાઓ સાથે જોડાયેલા વેપારના જોખમો ઉઠાવવામાં સાવ નિષ્ફળ રહ્યો. આ સરકારી તંત્રનું માળખું જરાય પ્રોફેશનલ નહોતું. નિગમ ખાનગી ડિસ્ટ્રીબ્યુટર્સની જેમ પ્રોડક્ટ્સનું પ્રમોશન કરી શકતું ન હોવાથી દારૂ ઉત્પાદક કંપનીઓને અલગથી પ્રમોશન એજન્ટો રાખવાની ફરજ પડી હતી.

તેવી જ રીતે કંપનીઓએ માલની હેરફેર માટે સ્વતંત્ર ટ્રાન્સપોર્ટ એજન્ટો પર નિર્ભર રહેવું પડતું હતું. આના લીધે એક એવી સ્થિતિ ઊભી થઈ જ્યાં ઉત્પાદકો એવી સંસ્થાઓ કે એજન્સીઓ પર નિર્ભર થઈ ગયા જે સીધી રીતે આ વિતરણ વ્યવસ્થા સાથે જોડાયેલી નહોતી અને પરંપરાગત વેપારના નિયમો હેઠળ કોઈને જવાબદાર પણ નહોતી. અહેવાલમાં સ્પષ્ટ કહેવાયું છે કે સપ્લાય ચેઈનને સરળ બનાવવાના નામે લાવવામાં આવેલી આ નવી સરકારી સિસ્ટમે પ્રક્રિયાને વધુ ગૂંચવણભરી અને જટિલ બનાવી દીધી.

મોનોપોલીની શરૂઆત અને ભ્રષ્ટાચારના આક્ષેપો

અહેવાલ અનુસાર નવી નીતિથી TMC સરકારે દારૂ ઉત્પાદકોને માત્ર સરકારી નિગમ (WBSBCL) દ્વારા નક્કી કરાયેલા વચેટિયાઓ સાથે જ વેપાર કરવા મજબૂર કર્યા, જેમણે ગોડાઉન ભાડા અને ટ્રાન્સપોર્ટના નામે બોટલર્સ પાસેથી ગેરકાયદેસર અને ભારે રકમ વસૂલવાનું શરૂ કરીને બજારમાં પોતાની મોનોપોલી સ્થાપી દીધી. આ સિન્ડિકેટ દ્વારા વસૂલાતા નફાનો મોટો હિસ્સો સરકારી તિજોરીમાં જવાને બદલે કથિત રીતે TMC નેતાઓ અને તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના કોલકાતા સ્થિત નજીકનાં ઠેકાણાં સુધી સીધો પહોંચાડવામાં આવતો હતો. આમ, એક મુક્ત અને હેલ્ધી હરીફાઈવાળા વેપારના સ્થાને વસૂલાત કરતું એકહથ્થુ શાસન ઊભું કરી દેવાયું.

બોટલિંગ કંપનીઓ પર દબાણ અને નવી સિસ્ટમની નિષ્ફળતા

નવી વ્યવસ્થાનો વિરોધ કરનારી બોટલિંગ કંપનીઓ પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે ‘આઈએફબી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ નામની કંપનીએ આબકારી વિભાગના અધિકારીઓની ગેરકાયદેસર માંગણીઓ અને હેરાનગતિ સામે અનેક પત્રો લખીને ચિંતા વ્યક્ત કરી હતી. કંપનીએ આ મામલે તપાસ કરવાની અને દોષિત અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી, તેમજ આ આખી ગેરકાયદેસર વ્યવસ્થા સરકારી નિર્દેશો પર જ ચાલતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

અહેવાલમાં આ નીતિનું માળખું તૈયાર કરનારા પાંચ ઉચ્ચ સરકારી અધિકારીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગૌતમ ઘોષ, શાંતનુ આચાર્ય, સંચયન ગાંગુલી, રાજર્ષિ ચક્રવર્તી અને કુનાસ બિસ્વાસનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ નવી નીતિ ઘડવામાં અને તેને મંજૂરી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ નીતિની સૌથી મોટી ખામી એ હતી કે સરકારે એક્સાઇઝ ડ્યુટી વસૂલાત સિસ્ટમ શરૂ કરી. પહેલાં ટેક્સ માત્ર માલના મેન્યુફેક્ચરિંગ સમયે જ લેવાતો હતો, જે સૌથી સુરક્ષિત અને સરળ રીત હતી. પરંતુ નવી નીતિમાં ટેક્સને ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુટર એમ બે તબક્કામાં વહેંચી દેવાયો. આના કારણે ટેક્સ જમા કરાવવામાં વિલંબ થવા લાગ્યો અને સરકારી કમાણી પ્રભાવિત થઈ.

આબકારી વિભાગના આ ગુપ્ત અહેવાલમાં પશ્ચિમ બંગાળના દારૂ વેપારનું વિવાદાસ્પદ ચિત્ર રજૂ કરાયું છે. તેમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે 2017 પછી તત્કાલીન TMC સરકારના શાસનમાં એક ખુલ્લા અને હરીફાઈવાળા બજારને બદલીને તેના પર કડક સરકારી અને રાજકીય નિયંત્રણ લાવી દેવામાં આવ્યું.

અહેવાલના અંતે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે આ WBSBCLના કારણે બજારમાં મોનોપોલી, વહીવટી ખામીઓ અને વેપારીઓ પાસેથી ગેરકાયદેસર વસૂલાત જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ. આ મોડેલે માત્ર રિટેલર્સ અને કંપનીઓનો ખર્ચ જ ન વધાર્યો, પરંતુ દારૂના વેપારમાં રાજકીય નેતાઓ અને અમલદારોની ભ્રષ્ટ દખલઅંદાજી માટેના રસ્તા પણ ખોલી આપ્યા.

આ આર્ટીકલ મૂળ અંગ્રેજીમાં લખાયેલો છે, જેનો હિન્દીમાં ભાવાનુવાદ થયો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં