
તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવી અને હવે પાર્ટી પણ તેમના હાથમાંથી સરકી રહી છે. બંગાળ વિધાનસભામાં અમુક ધારાસભ્યોએ બળવો કર્યા બાદ હવે પાર્ટીના 28માંથી 20 સાંસદોએ અલગ જૂથ બનાવીને NDA સાથે જોડાવાની માંગ કરતો એક પત્ર લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખ્યો છે.
તાજેતરમાં પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂકેલાં કાકોલી ઘોષના નેતૃત્વમાં પાર્ટીના 20 સાંસદો દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. અહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ આવ્યા.
બેઠક બાદ 20 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો હતો અને અલગ જૂથ બનાવીને NDA સાથે સામેલ થવા માટે જણાવ્યું છે. કાકોલી ઘોષે આ બાબતની પુષ્ટિ કરી છે.
આ ઘટનાક્રમ વખતે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી પણ દિલ્હીમાં જ હતાં. તેઓ INDI ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. મમતાના સમર્થકો કહી રહ્યા છે કે સાંસદોને પક્ષપલટાનો નિયમ લાગુ પડશે, પણ બળવાખોર જૂથની સંખ્યા 20 પર પહોંચી ગઈ હોવાના કારણે હવે એ જોખમ નહીં રહે.
બીજી તરફ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યોએ આવું જ એક અલગ જૂથ બનાવી રાખ્યું છે. આ ધારાસભ્યોએ ટીએમસીમાંથી સસ્પેન્ડ થયેલા રિતબ્રતા બેનર્જીને વિપક્ષ નેતા બનાવવા માટે સ્પીકરને પત્ર લખ્યો હતો જેને સ્પીકરે મંજૂરી આપી હતી. સ્પીકરના આ નિર્ણય વિરુદ્ધ મમતા બેનર્જીની પાર્ટી હવે કલકત્તા હાઇકોર્ટ પહોંચી છે.
આ પહેલાં પશ્ચિમ બંગાળના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રૉયે સાંસદ પદેથી અને પાર્ટીના પ્રાથમિક પદેથી રાજીનામું ધરી દીધું હતું. ભૂપેન્દ્ર યાદવને મળવા માટે પહોંચેલા સાંસદો સાથે રૉય પણ હતા.

