હોમપેજરાજકારણદક્ષિણમાં DMKની નારાજગી, બંગાળમાં TMCમાં આંતરિક ડખા અને ઉત્તરમાં AAPની એક્ઝિટ: 'INDI'...

દક્ષિણમાં DMKની નારાજગી, બંગાળમાં TMCમાં આંતરિક ડખા અને ઉત્તરમાં AAPની એક્ઝિટ: ‘INDI’ ગઠબંધન ગણી રહ્યું છે છેલ્લા શ્વાસ?

ટૂંકમાં કહીએ તો પરસ્પર અવિશ્વાસ, નેતૃત્વની કટોકટી અને પ્રાદેશિક હિતોની અથડામણને કારણે 'INDI' ગઠબંધનનું અસ્તિત્વ હવે પૂરું થવાની અણીએ આવી ગયું છે. જો સાથી પક્ષો હજુ પણ એકબીજાની ટાંટિયાખેંચ બંધ નહીં કરે તો વિપક્ષી એકતાનું આ સપનું કાયમ માટે ઇતિહાસનાં પાનાંમાં દટાઈ જશે તે નક્કી છે.

- Advertisement -

રાષ્ટ્રીય સ્તરે સત્તાધારી પક્ષ સામે એક મજબૂત અને સંયુક્ત મોરચો ઊભો કરવાના ફાંકા સાથે રચાયેલું વિપક્ષી ‘INDI’ ગઠબંધન હાલમાં તેના સૌથી મોટા અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યું છે. એક પછી એક પ્રાદેશિક પક્ષોના આ ગઠબંધનથી અલગ થવા, આંતરિક બળવા અને પરસ્પરના મતભેદોને કારણે આ ગઠબંધનનું માળખું સંપૂર્ણપણે તૂટી જવાના આરે પહોંચી ગયું છે. જે જોડાણને ભાજપ સામે વૈકલ્પિક રાષ્ટ્રીય શક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, તે હવે માત્ર કાગળ પર અને પ્રાદેશિક ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે.

DMKની નારાજગી

આ ગઠબંધનને સૌથી મોટો ઝટકો દક્ષિણ ભારતના તમિલનાડુથી લાગ્યો છે. ગઠબંધનના સૌથી મજબૂત સ્તંભોમાંથી એક એવા દ્રવિડ મુન્નેત્ર કઝગમે (DMK) કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તમિલનાડુમાં કોંગ્રેસે અભિનેતા અને રાજકારણી વિજયની પાર્ટી ‘TVK’ની આગેવાની હેઠળની સરકારમાં જોડાવાનો નિર્ણય લીધો છે. જ્યારે જરૂર હતી ત્યારે રાહુલ ગાંધી સ્ટાલિનના ખભે હાથ મૂકવાની જગ્યાએ વિજયના હાથમાં હાથ નાખીને ફરી રહ્યા હતા. આ બદલાયેલા સમીકરણોને કારણે દક્ષિણ ભારતમાં બંને પક્ષો વચ્ચેનું જોડાણ હવે સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે.

આ નારાજગીની સીધી અસર આગામી 8 જૂને દિલ્હીમાં યોજાનારી વિપક્ષી નેતાઓની હાઈ-પ્રોફાઈલ બેઠક પર પડવાની છે. દેશને ‘અમે બધા એક છીએ’ તેવું ચિત્ર બતાવવા માટે બોલાવાયેલી આ બેઠકમાં 17 પક્ષો ચા-નાસ્તો કરવા ભેગા થાય કે ન થાય એ બે નંબરની વાત છે, પરંતુ તેમાં DMKની ખુરશી ખાલી જોવા મળશે. તમિલનાડુના પક્ષે આ બેઠકનો સત્તાવાર બહિષ્કાર કર્યો છે. DMKના નેતાઓ સ્પષ્ટપણે એવું માની રહ્યા છે કે કોંગ્રેસે તેની સાથે ‘બેવફાઈ’ કરી છે.

- Advertisement -

વાત માત્ર બેઠકના બહિષ્કાર સુધી સીમિત નથી, પરંતુ સંસદની અંદર પણ બંને પક્ષો વચ્ચેના રસ્તા અલગ થઈ ગયા છે. લોકસભામાં DMKએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોથી અલગ થઈને પોતાના સાંસદો માટે સ્વતંત્ર બેઠક બ્લોકની સત્તાવાર માગણી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા સ્પીકર ઓમ બિરલા સમક્ષ મોકલવામાં આવેલી આ દરખાસ્તને લગભગ મંજૂરી મળી ગઈ છે. સંસદમાં જ વિપક્ષી સાથીઓનું આ રીતે અલગ થવું એ તેમની વચ્ચેની ઊંડી ખાઈને સ્પષ્ટપણે દર્શાવે છે.

બંગાળમાં TMCના ડખા

હવે પૂર્વ તરફ નજર કરીએ તો પશ્ચિમ બંગાળમાં તો વળી જુદો જ ‘ખેલો’ થઈ ગયો છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમો પરાજય મળ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસની અંદર જ અંદરોઅંદરના ડખા એવા વણસ્યા કે પક્ષ જ બે ભાગમાં વહેંચાઈ ગયો. દીદીની પાર્ટીના જ એક શક્તિશાળી જૂથે બળવો પોકારીને મુખ્ય વિપક્ષની જગ્યા પર કબજો જમાવી લીધો, જેનાથી તૃણમૂલ કોંગ્રેસમાં સત્તાવાર રીતે ભાગલા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ સિવાય પક્ષના ઘણા ટોચના નેતાઓએ રાજીનામાં પણ ધરી દીધાં છે.

બંગાળના આ આંતરિક વિવાદના કારણે ત્યાં ભાજપવિરોધી એકીકૃત મોરચો બનાવવાની તમામ શક્યતાઓ ધૂળમાં ભળી ગઈ છે. પક્ષની અંદર જ અસ્તિત્વની લડાઈ લડી રહેલા મમતા બેનર્જી અને જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી પક્ષનું વર્ચસ્વ બચાવવા માટે 8 જૂનની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે, પરંતુ બંગાળના આંતરિક ડખાએ સમગ્ર ભારતમાં ગઠબંધનની નબળાઈને ખુલ્લી પાડી દીધી છે.

AAPની એક્ઝિટ

ગઠબંધનને ત્રીજો મોટો ફટકો ઉત્તર ભારતમાં આમ આદમી પાર્ટી (AAP) તરફથી મળ્યો છે. ‘આપ’એ હવે આ મોરચામાંથી ઓફિશિયલી ‘એક્ઝિટ’ મારી લીધી છે. દિલ્હીમાં સત્તા ચલાવવાની બાબતમાં અને પંજાબની લોકલ રાજનીતિમાં કોંગ્રેસ સાથે રોજ-રોજના કચકચથી કંટાળીને આમ આદમી પાર્ટીએ પોતાનો રસ્તો અલગ કરી લેવાનું જ યોગ્ય માન્યું છે.

ગઠબંધનની સીટ-શેરિંગની ફોર્મ્યુલા અને સેન્ટ્રલ અરેન્જમેન્ટમાંથી બહાર નીકળીને આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે કોઈ નબળા રાષ્ટ્રીય જોડાણ માટે પોતાની પ્રાદેશિક ઓળખ અને સત્તા સાથે સમાધાન કરવા તૈયાર નથી. ‘AAP’ના આ એક્ઝિટને કારણે ઉત્તર ભારતના રાજ્યો અને શહેરી મતવિસ્તારોમાં ગઠબંધનનો પ્રભાવ સાવ શૂન્ય થઈ ગયો છે.

‘INDI’ ગઠબંધન પાસે નથી કોઈ નેતા કે વૈચારિક એજન્ડા

વાસ્તવમાં આ સમગ્ર ‘INDI’ ગઠબંધનની સૌથી મોટી વિડંબના એ છે કે આ મોરચા પાસે ન તો કોઈ એક સર્વસ્વીકૃત નેતા છે, ન તો કોઈ ચોક્કસ વૈચારિક એજન્ડા. વડા પ્રધાન પદના ઉમેદવાર કોણ બનશે, એ સવાલ પૂછતાં જ બધા નેતાઓ એકબીજાના મોં જોવા લાગે છે. રાષ્ટ્રીય હિતોની મોટી-મોટી વાતો વચ્ચે દરેક પ્રાદેશિક પક્ષને માત્ર પોતાની જ મહત્વાકાંક્ષાઓ વહાલી હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે.

પ્રાદેશિક પક્ષોના સ્થાનીય નેતાઓ પોતાના રાજ્યમાં વર્ષોની મહેનતથી ઊભું કરેલું સામ્રાજ્ય કોંગ્રેસના ચરણે ધરવા બિલકુલ તૈયાર નથી. કેન્દ્રમાં નબળી પડી રહેલી કોંગ્રેસને ઓક્સિજન આપવા માટે આ સાથી પક્ષો પોતાના રાજકીય હિતોનું બલિદાન આપે એવી અપેક્ષા રાખવી એ જ કદાચ ગઠબંધનની સૌથી મોટી વ્યુહાત્મક ભૂલ હતી. જ્યારે પણ પ્રાદેશિક સ્તરે બેઠકોની વહેંચણી કે સત્તાની ભાગીદારીની વાત આવે છે, ત્યારે સાથી પક્ષો વચ્ચેનો અસંતોષ બહાર આવી જાય છે.

પરિણામે, આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જ્યાં જુઓ ત્યાં કાં તો સાથી પક્ષો બહિષ્કારના મૂડમાં છે, કાં તો આંદોલનની તૈયારીમાં છે અને કાં તો પોતાના જ પક્ષમાં બળવો વેઠી રહ્યા છે. આ પરિસ્થિતિએ ગઠબંધનને એક મજબૂત રાજકીય વિકલ્પને બદલે માત્ર એક ‘કામચલાઉ ચૂંટણીલક્ષી ગોઠવણ’ બનાવી દીધું છે, જે ગઠબંધનને લકવા તરફ ધકેલી રહ્યું છે.

ટૂંકમાં કહીએ તો પરસ્પર અવિશ્વાસ, નેતૃત્વની કટોકટી અને પ્રાદેશિક હિતોની અથડામણને કારણે ‘INDI’ ગઠબંધનનું અસ્તિત્વ હવે પૂરું થવાની અણીએ આવી ગયું છે. જો સાથી પક્ષો હજુ પણ એકબીજાની ટાંટિયાખેંચ બંધ નહીં કરે તો વિપક્ષી એકતાનું આ સપનું કાયમ માટે ઇતિહાસનાં પાનાંમાં દટાઈ જશે તે નક્કી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં