કચ્છના રાયધણપર ગામમાં શુક્રવારે (29 મે) રાત્રે હિંદુઓ પર થયેલા હુમલાની ઘટનાને જ્યારે મેઇનસ્ટ્રીમ મીડિયા બે જૂથો વચ્ચેની અથડામણમાં ખપાવીને સામાન્ય મારામારીની ઘટના તરીકે રજૂ કરી રહ્યું હતું ત્યારે ઑપઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઘટના પૂર્વનિયોજિત હુમલાનો ભાગ હતી અને પહેલાં ગામની વીજળી કાપ્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ માહિતી પર મહોર લાગી છે. PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા માધાપર પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું કે અમુક શખ્સોએ જાણીજોઈને ઇરાદાપૂર્વક વીજલાઇન સાથે ચેડાં કરીને પુરવઠો ખોરવી નાખ્યો હતો અને તેના કારણે પાંચ ગામોની વીજળી ગુલ થઈ ગઈ હતી. ઘટના બરાબર એ સમયે બની જ્યારે રાયધણપરમાં હુમલો થયો હતો.
FIRમાં રાયધણપર અને નાના વરનોરા વચ્ચે આવેલી વીજલાઇન સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે વીજ વિક્ષેપનો સમયગાળો અને રાયધણપરમાં થયેલા હુમલાનો સમયગાળો એકસરખો છે. જેના કારણે હવે સમગ્ર ઘટનાની તપાસને વધુ એક પરિમાણ મળ્યું છે.
રાયધણપર હુમલા કેસમાં આ ત્રીજી FIR નોંધાઈ છે. અગાઉ હિંદુ યુવાનો પર હુમલો, પથ્થરમારો, વાહન ચડાવવાનો પ્રયાસ સંબંધિત ફરિયાદો નોંધાઈ ચૂકી હતી. બીજી FIRમાં પોલીસ પર પથ્થરમારો કરવા મામલે ચાર મુસ્લિમ યુવાનો સામે FIR થઈ હતી. હવે વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જવા અંગે વીજ વિભાગે પણ અલગથી ગુનો નોંધાવ્યો છે.
રાયધણપરમાં શું બન્યું હતું?
29 મે, 2026ની રાત્રે કચ્છના ભુજ તાલુકાના રાયધણપર ગામમાં હિંદુઓ પર હુમલો કરી દેવાયો હતો, બાજુના વરનોરા ગામમાંથી મુસ્લિમ ટોળું આવ્યું હતું અને વીજળી કાપીને હુમલો શરૂ કર્યો હતો. ગામના યુવાન દર્શન બરાડિયાની ફરિયાદ મુજબ ગામના પાદરે થયેલી બોલાચાલી બાદ બાજુના વરનોરા ગામમાંથી આવેલા મુસ્લિમ શખ્સો સાથે વિવાદ સર્જાયો હતો. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ થોડા સમય બાદ ફરીથી વધુ લોકો સાથે પરત ફર્યા હતા.
ફરિયાદમાં જણાવાયું છે કે રઝાક સિદ્દીક મેર સહિતના કેટલાક આરોપીઓએ બોલેરો વાહન પૂરઝડપે હંકારીને ગામલોકો પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વધુ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને અનેક વાહનોમાં ટોળાં ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. તેમના હાથમાં ધોકા, લાકડીઓ, પાઈપો અને પથ્થરો હતા. ત્યારબાદ ગામમાં અંધારપટ થઈ ગયો હતો અને મુસ્લિમ શખ્સોએ હુમલો શરૂ કરી દીધો હતો.
ઘટનામાં દર્શન બરાડિયા, રાજેશ ચાવડા સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. રાજેશ ચાવડાને આંખ પાસે ગંભીર ઈજા થઈ હોવાનું FIRમાં નોંધાયું છે. હિંસક ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી, પરંતુ પોલીસનાં વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ માધાપર પોલીસે 23 નામજોગ આરોપીઓ તથા અન્ય અજાણ્યા લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
હવે સામે આવી PGVCLની FIR
આ સમગ્ર કેસમાં સૌથી મહત્વપૂર્ણ બાબત વીજ વિભાગની ફરિયાદ છે. PGVCLના ભુજ રૂરલ સબ-ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર વી. કે. સુવેરાએ માધાપર પોલીસ સ્ટેશનમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 140 હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
ફરિયાદમાં જણાવાયું છે કે 29 મે 2026ની રાત્રે અંદાજે 10:30 વાગ્યાથી 11:15 વાગ્યા સુધી રાયધણપર અને નાના વરનોરા વચ્ચે આવેલી 11 KV વીજલાઇનમાં વિક્ષેપ સર્જવામાં આવ્યો હતો. તેના કારણે રાયધણપર સબ-સ્ટેશનના KVNT-1 ફીડર હેઠળ આવતાં ગામોમાં વીજ વિક્ષેપ સર્જાયો હતો.
ફરિયાદમાં અનુસાર આ હરકતના કારણે રાયધણપર સબ-સ્ટેશન હેઠળ આવતાં રાયધણપર, નાના વરનોરા, ગડપાદર, ત્રાયા અને પૈયા ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પાંચેય ગામોમાં અંદાજે પોણો કલાક સુધી વીજ વિક્ષેપ રહ્યો હતો. ફરિયાદમાં કહેવાયું છે કે વીજળી ન હોવાની ફરિયાદ મળ્યા બાદ તરત જ PGVCLના લાઈનમેન દોડતા થઈ ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. જોકે કોઈ ફૉલ્ટ ન મળી આવતાં રસ્તા પર પણ તપાસ શરૂ કરી દીધી હતી.
તેવામાં રાયધણપર અને વરનોરા ગામની વચ્ચે 11 KV વીજ લાઇન સાથે ચેડાં થયા હોવાનું દેખાઈ આવ્યું હતું. અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ હરકત કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી છે અને તેના માટે કોઈક સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જોકે, ત્યારબાદ વીજળીનો પુરવઠો અન્ય કોઈક રીતે શરૂ કરી દેવામાં આવ્યો હતો અને આખરે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી હતી.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં PGVCLના અધિકારી-ફરિયાદી વર્ગીસ સુવેરાએ જણાવ્યું છે કે રાત્રિના 10:30થી 11:15 સુધીના સમયગાળામાં સબ-સ્ટેશન પર ફરિયાદ આવી હતી કે રાયધણપર સહિતનાં 5 ગામોમાં વીજળી ઠપ થઈ છે, તે દરમ્યાન તેમણે સ્ટાફને સબ-સ્ટેશનમાંથી જ વીજળી બંધ કરી ફરી શરૂ કરવા આદેશ આપ્યો હતો પણ વીજળી પરત આવી નહોતી. તે પછી લાઈનમેન સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે વરનોરા અને રાયધણપર વચ્ચેની લાઇનમાં કોઈ અજાણ્યા માણસોએ બાહ્ય વસ્તુ ફેંકીને લાઇન ટ્રીટ કરી હતી.
અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે સ્થળ પર તે સમયે કોઈ શંકાસ્પદ વસ્તુ તો નહોતી પણ આ કૃત્ય કોઈના દ્વારા જાણીજોઈને કરવામાં આવ્યું છે એ હકીકત છે. આ ઉપરાંત એ જ સમયગાળામાં લાઇટ બંધ થઈ હતી, જે સમયગાળામાં રાયધણપર ગામમાં હુમલો થયો હતો. હાલ તો પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
વીજળી કાપવાની વાત ઑપઇન્ડિયાએ જણાવી હતી
રાયધણપર હુમલા બાદ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઑપઇન્ડિયાએ જણાવ્યું હતું કે હુમલા પહેલાં વિસ્તારની વીજળી સાંકળો દ્વારા કાપી નાખવાના આવી હતી અને ત્યારબાદ પથ્થરમારો તથા હુમલો શરૂ થયો હતો. વાતચીત દરમ્યાન હિંદુ સંગઠનોએ પણ કહ્યું હતું કે મુસ્લિમ શખ્સોએ પહેલાં ગામની વીજળી કાપી હતી. ગ્રાઉન્ડ રિપોર્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
હવે PGVCLના ડેપ્યુટી એન્જિનિયરની FIRમાં 11 KV વીજ લાઇન સાથે ચેડાં કરીને પાંચ ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હોવાનો ઉલ્લેખ નોંધાતા ઑપઇન્ડિયાએ પોતાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઉઠાવેલા મુદ્દાને મહત્વપૂર્ણ દસ્તાવેજી આધાર મળ્યો છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે વીજ વિભાગની ફરિયાદમાં દર્શાવાયેલ સમયગાળો પણ એ જ છે જે સમયગાળા દરમિયાન રાયધણપરમાં હિંદુઓ પર અને પોલીસ પર પણ હુમલો કરવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસે આ જ કેસને લઈને ત્રણ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.


