‘અનામત ચુકાદો 3 મહિનામાં ફરજિયાત, જામીન મળે તો 24 કલાકમાં મુક્તિ’: સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ માટે જારી કરી નવી ગાઇડલાઇન્સ

દેશભરની હાઇકોર્ટોમાં ચુકાદાઓ આપવામાં થતી વિલંબની સમસ્યાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરી છે. શુક્રવારે (29 મે) મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ કેસમાં ચુકાદો અનામત રાખ્યા બાદ વધુમાં વધુ 3 મહિનાની અંદર અંતિમ નિર્ણય જાહેર કરવો ફરજિયાત રહેશે.

સુપ્રીમ કોર્ટે ખાસ કરીને જામીન અરજીઓ સંબંધિત કેસોમાં તાત્કાલિક કાર્યવાહી પર ભાર મૂક્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે જામીન મંજૂર કરવાનો અથવા સજા પર રોક લગાવવાનો આદેશ તરત જ જેલ પ્રશાસન સુધી પહોંચાડવામાં આવે. આવા કિસ્સાઓમાં કેદીને એ જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે મુક્ત કરવો પડશે. સાથે જ જામીન સંબંધિત આદેશો સુનાવણીના દિવસે અથવા આગામી દિવસે કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવા પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે જો કોઈ બેન્ચ કોઈ કેસમાં ચુકાદો અનામત રાખે અને 3 મહિના સુધી નિર્ણય ન આપે તો હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને તેની જાણ મુખ્ય ન્યાયાધીશને કરવી પડશે. જો 4 મહિના પછી પણ ચુકાદો જાહેર ન થાય તો કેસ સાથે જોડાયેલ કોઈપણ પક્ષ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અરજી કરી શકશે. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ પાસે કેસને જૂની બેન્ચ પાસેથી પાછો ખેંચીને નવી બેન્ચને સોંપવાનો અધિકાર રહેશે, જ્યાં કેસની ફરીથી સુનાવણી થઈ શકશે.

કોર્ટમાં ઘણી વખત માત્ર ચુકાદાનો મુખ્ય ભાગ (Operative Portion) જ જાહેર કરવામાં આવે છે અને વિગતવાર કારણો બાદમાં આપવામાં આવે છે. આવા કિસ્સાઓ માટે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સંપૂર્ણ અને કારણસરનો ચુકાદો 7થી 15 દિવસની અંદર વેબસાઇટ પર અપલોડ કરવો પડશે. જો આવું ન થાય તો સંબંધિત પક્ષ ફરીથી અરજી કરીને ઝડપથી ચુકાદો અપલોડ કરવાની માંગ કરી શકશે.

નવી ગાઇડલાઇન્સ અનુસાર હવે હાઇકોર્ટોની વેબસાઇટ પર કેસ સંબંધિત તમામ મહત્વની તારીખોની વિગતો પણ ઉપલબ્ધ રહેશે. સર્ટિફાઇડ કોપી પર સ્પષ્ટ લખવામાં આવશે કે ચુકાદો કઈ તારીખે અનામત રાખવામાં આવ્યો હતો, ક્યારે જાહેર થયો અને ક્યારે વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો. સાથે જ ચુકાદો અપલોડ થતાં જ વકીલો અને પક્ષકારોને ઓટોમેટેડ ઇ-મેઇલ દ્વારા તેની જાણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો ઝારખંડના ચાર આદિવાસી અને OBC કેદીઓની અરજી બાદ સામે આવ્યો હતો. આ કેદીઓના કેસમાં હાઇકોર્ટે વર્ષ 2022માં ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ બેથી ત્રણ વર્ષ સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે આ સ્થિતિને બંધારણની કલમ 21 હેઠળ મળતા જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ત્યારબાદ કોર્ટે દેશભરની તમામ હાઇકોર્ટો માટે આ નવી અને ફરજિયાત માર્ગદર્શિકા જાહેર કરી છે.