‘NEET પેપર લીક મામલે પીએમ મોદી પોતે રાખી રહ્યા છે નજર’: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર, કહ્યું- મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે સરકાર

NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ અને પેપર લીક મામલાની સમગ્ર પ્રક્રિયા પર પીએમ નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. કેન્દ્રે કોર્ટને ખાતરી આપી હતી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દાને સરકાર સર્વોચ્ચ સ્તરે ગંભીરતાથી લઈ રહી છે.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ (Lacunae) પર પીએમ મોદી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે કોર્ટને જણાવ્યું કે NEET-UGની પુનઃપરીક્ષા અને તેની સાથે જોડાયેલી તમામ પ્રક્રિયાઓ પર પણ સરકારના ઉચ્ચતમ સ્તરે નજર રાખવામાં આવી રહી છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ જે. નરસિંહાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો અગાઉથી એક હાઈ-પાવર્ડ કમિટી કાર્યરત હતી તો પછી આવી ગંભીર ગેરરીતિ કેવી રીતે થઈ? કોર્ટે અવલોકન કર્યું કે જો આવી ઘટના બની હોય તો કાં તો અગાઉની ભલામણોમાં ખામી હતી અથવા તેનો યોગ્ય અમલ કરવામાં આવ્યો ન હતો.

તેના જવાબમાં તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર યુવાનો સાથે જોડાયેલા આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. તેમણે ઉમેર્યું કે આગામી પરીક્ષાઓ માટે કેટલાક નવા સુરક્ષા મિકેનિઝમ લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ તેમની વિગતો જાહેર કરી શકાશે નહીં, કારણ કે તેનાથી સુરક્ષા વ્યવસ્થાનો હેતુ જ નિષ્ફળ થઈ શકે છે.

કેન્દ્રે કોર્ટને એ પણ જણાવ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પાસે સંસ્થાકીય અનુભવ તો છે, પરંતુ ડોમેન-સ્પેસિફિક નિષ્ણાતોની અછત હતી. આ ખામી દૂર કરવા માટે IIT સહિત વિવિધ સંસ્થાઓના નિષ્ણાતોને પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પરીક્ષા પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગે વિગતવાર એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સરકારને એ પણ સમજાવવા કહ્યું છે કે ભવિષ્યમાં સંસ્થાકીય સાતત્ય અને નિષ્ણાતોની ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે.

સુનાવણી દરમિયાન કોર્ટે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર આવી ઘટનાઓની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે આવી ઘટનાઓ અત્યંત આઘાતજનક છે અને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ તેમના પરિવારોની વર્ષોની મહેનત, લાગણીઓ અને આશાઓ પણ તેની સાથે જોડાયેલી હોય છે.

ઉલ્લેખનીય છે કે NEET-UG 2026ની પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને 14 આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષા માટે લગભગ 23 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જોકે પેપર લીક અને ગેરરીતિના આરોપો બાદ NTAએ 12 મેના રોજ પરીક્ષા રદ કરીને 21 જૂને ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી.

આ દરમિયાન પેપર લીક મામલાની તપાસ કરી રહેલી CBIએ દેશના વિવિધ વિસ્તારોમાં દરોડા અને તપાસ હાથ ધરી છે. દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાશિક, પુણે, લાતૂર અને અહિલ્યાનગર સહિતના વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલાં કેન્દ્ર સરકારે 21 જૂને યોજાનારી NEET-UG પુનઃપરીક્ષાના પ્રશ્નપત્રોની સુરક્ષા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવાની તૈયારી દર્શાવી હતી. સરકારનું કહેવું છે કે આ વખતે પરીક્ષાને સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત અને લીક-પ્રૂફ બનાવવા માટે કોઈ પણ કસર બાકી રાખવામાં આવશે નહીં.