
બોલીવૂડ અભિનેતા રણવીર સિંઘ મંગળવારે (26 મે 2026) સવારે મુંબઈ એરપોર્ટથી સીધો મૈસૂર પહોંચ્યો હતો અને ત્યાં આવેલા ઐતિહાસિક ચામુંડેશ્વરી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ‘કાંતારા’ મિમિક્રી વિવાદ મામલે કર્ણાટક હાઇકોર્ટે આપેલા આદેશ બાદ તેમણે આ પગલું ભર્યું છે. કોર્ટે FIR રદ કરતા રાહત આપી હતી, પરંતુ ચાર અઠવાડિયાની અંદર મંદિરે જઈ માફી માંગવાનો આદેશ પણ આપ્યો હતો.
આ સમગ્ર વિવાદ 2025માં ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) દરમિયાન શરૂ થયો હતો. પોતાની ફિલ્મ ‘ધુરંધર’ના પ્રમોશન દરમિયાન રણવીર સિંઘે ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ સાથે જોડાયેલી પવિત્ર ‘દૈવ’ પરંપરાની મિમિક્રી કરી હતી. આ દરમિયાન તેમણે આ પૂજનીય પરંપરાને ‘ભૂત’ અને ‘ચૂડેલ’ કહી સંબોધી હતી, જેને લઈને કર્ણાટકના તુલુભાષી સમુદાય અને હિંદુ સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
આ મામલે એડવોકેટ પ્રશાંત મેથલે બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાનૂની દબાણ વધતા રણવીર સિંઘે કોર્ટમાં સુધારેલું એફિડેવિટ દાખલ કરીને જાહેરમાં હાથ જોડીને માફી માંગી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે અભિનેતાઓનો સમાજ પર ઊંડો પ્રભાવ હોય છે, તેથી તેમણે પોતાની મર્યાદા જાળવવી જોઈએ.
રણવીર સિંઘે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમનો હેતુ માત્ર ફિલ્મમાં ઋષભ શેટ્ટીના અભિનયની પ્રશંસા કરવાનો હતો. તેમણે કહ્યું કે કોઈપણ સંસ્કૃતિ, પરંપરા કે આસ્થાનું અપમાન કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો અને જો તેમની હરકતથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ તેના માટે બિનશરતી માફી માંગે છે.
ઉલ્લેખનીય છે કે રણવીર સિંઘ હાલમાં પોતાની ફિલ્મો કરતાં વધુ વ્યક્તિગત અને કાનૂની વિવાદોને લઈને ચર્ચામાં છે. તેમની તાજેતરની ફિલ્મો ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’એ બોક્સ ઑફિસ પર ₹3000 કરોડથી વધુની કમાણી કરી છે. બીજી તરફ ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન 3’માંથી અચાનક બહાર થયા બાદ ફિલ્મ સંસ્થા FWICEએ તેમના પર પ્રતિબંધ પણ મૂક્યો છે.

