
સુપ્રીમ કોર્ટે OBC અનામતમાં ‘ક્રીમી લેયર’ મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો માતા-પિતા બંને IAS અધિકારી હોય અને સામાજિક-આર્થિક રીતે સંપૂર્ણ સશક્ત બની ગયા હોય તો તેમનાં બાળકોને ફરીથી અનામતનો લાભ શા માટે આપવો જોઈએ? શુક્રવારે (22 મે) જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભૂયાનની બેન્ચે કર્ણાટકની એક અરજીની સુનાવણી દરમિયાન આ મૌખિક ટિપ્પણીઓ કરી હતી.
કોર્ટ સમક્ષ આવેલી અરજી કર્ણાટક હાઇકોર્ટના એક ચુકાદાને પડકારતી હતી. અરજદાર કર્ણાટકના કુરુબા સમુદાયનો હતો, જેને રાજ્યની પછાત વર્ગોની કેટેગરીમાં II(A) સામેલ કરવામાં આવ્યો છે. અરજદારની આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) તરીકે કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં (KPTCL) અનામત વર્ગ હેઠળ પસંદગી થઈ હતી. જોકે જિલ્લા જાતિ અને આવક ચકાસણી સમિતિએ તેને ‘ક્રીમી લેયર’માં આવતો ગણાવીને જાતિ માન્યતા પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો.
અરજદારના માતા-પિતા બંને રાજ્ય સરકારના કર્મચારી છે. સિંગલ જજે અગાઉ એવો નિર્ણય આપ્યો હતો કે ક્રીમી લેયર નક્કી કરતી વખતે માતા-પિતાની આવકને ગણતરીમાં લેવી નહીં જોઈએ અને અરજદારને પ્રમાણપત્ર આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ બાદમાં ડિવિઝન બેન્ચે આ ચુકાદો રદ કરતા કહ્યું હતું કે માતા-પિતાની આવક પણ ક્રીમી લેયર નક્કી કરવા માટે ગણવી જરૂરી છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલા આંકડા મુજબ અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹19.48 લાખ હતી, જે ક્રીમી લેયર માટે નિર્ધારિત મર્યાદાથી વધુ હોવાનું માનવામાં આવ્યું.
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે અનામતનો લાભ લઈને માતા-પિતા શિક્ષિત બની સારા હોદ્દા અને ઊંચી આવક સુધી પહોંચી ગયા હોય તો તેમનાં બાળકો માટે ફરીથી અનામત માંગવુ યોગ્ય છે કે નહીં તે મુદ્દે વિચાર કરવાની જરૂર છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, “જો બંને માતા-પિતા IAS અધિકારી હોય તો પછી બાળકોને અનામત શા માટે જોઈએ? સામાજિક અને આર્થિક સશક્તિકરણ બાદ પણ અનામત ચાલુ રહેશે તો આપણે આ ચક્રમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકીએ.”
અરજદાર તરફથી હાજર રહેલા વકીલ શશાંક રત્નૂએ દલીલ કરી હતી કે સરકારી કર્મચારીઓ માટે માત્ર પગાર આવકને ક્રીમી લેયર નક્કી કરવાનો આધાર બનાવી શકાય નહીં. તેમણે કહ્યું કે પગાર અને કૃષિ આવકને બહાર રાખવી જોઈએ અને વ્યવસાય અથવા અન્ય સ્ત્રોતોની આવકને ધ્યાનમાં લેવી જોઈએ. સાથે જ માતા-પિતા ગ્રુપ A કે ગ્રુપ B સેવા સાથે જોડાયેલા છે કે નહીં તે બાબત પણ જોવી જોઈએ. વકીલે એવી દલીલ પણ કરી કે જો માત્ર પગાર આવક જ માપદંડ બનાવવામાં આવશે તો ડ્રાઈવર, પટાવાળા, ક્લાર્ક જેવા નીચલા હોદ્દાના સરકારી કર્મચારીઓનાં બાળકો પણ અનામતમાંથી બહાર થઈ શકે છે.
તેના જવાબમાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે આ મુદ્દે સંતુલન જાળવવું જરૂરી છે. તેમણે ફરીથી IAS અધિકારીઓનું ઉદાહરણ આપતાં કહ્યું કે જો માતા-પિતા બંને સરકારી સેવામાં ઉચ્ચ હોદ્દા પર હોય અને સામાજિક રીતે આગળ વધી ગયા હોય તો તેમની સ્થિતિને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. કોર્ટે કહ્યું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામતનો લાભ મળવો જોઈએ, પરંતુ જે પરિવારો અનામતનો લાભ લઈને પહેલેથી જ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, તેમની આગામી પેઢીને ફરીથી તે જ લાભ આપવાનો મુદ્દો ગંભીરતાથી વિચારવા જેવો છે.

