હોમપેજદેશપૈસા માટે 5-7 વર્ષની પુત્રીને વેચી દેતા અફઘાનો પ્રત્યે સહાનુભૂતિ ઉઘરાવવામાં લાગ્યું...

પૈસા માટે 5-7 વર્ષની પુત્રીને વેચી દેતા અફઘાનો પ્રત્યે સહાનુભૂતિ ઉઘરાવવામાં લાગ્યું બીબીસી

લેખમાં બીબીસીએ અફઘાનિસ્તાનની દરેક સમસ્યાનું વર્ણન કર્યું છે, સિવાય એ જે સૌથી ખતરનાક છે. સાવ નાની તરુણી-કિશોરીઓને તેમની ઉંમરથી ત્રણ-ચાર ગણી ઉંમરના પુરુષો સાથે પરણવા મજબૂર કરવી.

- Advertisement -

ઑગસ્ટ 2021માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત લઈ લીધું પછી અહીં ફરીથી તાલિબાનનું શાસન આવ્યું અને તેની સાથે દેશનો કપરો કાળ શરૂ થયો. તાલિબાનના શાસન હેઠળના અફઘાનિસ્તાનમાં સમસ્યાઓ જોવા જઈએ તો ઘણી છે. ખાસ કરીને મહિલાઓએ જે ભોગવવું પડ્યું છે એ જો કોઈ બીજા દેશમાં હોત તો રોજ હેડલાઈનો બની હોત અને બનવી જ જોઈએ, પણ ઇસ્લામિક શાસન હેઠળના અફઘાનિસ્તાનના ઘણા સમાચારો તો બહાર પણ આવતા નથી. બહાર આવે છે તેને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે મહિલાઓ સાથે થતા ગુનાઓ, માનવાધિકાર ઉલ્લંઘન, અત્યાચારોની વાતો દબાઈ જાય અને સીધી કે આડકતરી રીતે આ બધી બાબતો યોગ્ય ઠરાવી દેવાય. BBCએ હમણાં આવું કર્યું છે.

20 મેએ બીબીસી ગુજરાતીએ એક લેખ પ્રકાશિત કર્યો છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલા અને ગુજરાતમાં ભાષાંતરિત કરવામાં આવેલા આ લેખનું શીર્ષક છે– ‘હું મારી અન્ય દીકરીઓને ખવડાવવા માટે એક પુત્રી વેચવા તૈયાર છું.’- અફઘાનિસ્તાનમાં ભૂખમરાની કાળજું કંપાવનારી કહાણીઓ.’  અંગ્રેજીમાં યોગિતા લિમયેએ 19 મેએ આ લેખ લખ્યો હતો.

બીબીસીના લેખની શરૂઆતમાં ‘કેટલીક વિગતો વિચલિત કરી શકે છે’ એવી ચેતવણી આપીને અફઘાનિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે અને તેઓ કેવી-કેવી સમસ્યાઓ વેઠી રહ્યા છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખ મૂળ ઘોર પ્રાંતની પરિસ્થિતિ પર આધારિત છે. જેમાં કહેવાયું છે કે રોજ સવારે અહીં સેંકડો પુરુષો ભેગા થાય છે કે કોઈ તેમને કામ આપે અને કામને આધારે નક્કી થાય છે કે તે દિવસે પરિવારને ભોજન મળશે કે નહીં.

- Advertisement -

એક જુમા ખાનને ટાંકીને કહેવામાં આવ્યું કે તેમને છ અઠવાડિયાંમાં માત્ર ત્રણ દિવસ કામ કર્યું અને રોજનું મહેનતાણું પણ નજીવું હોય છે, જેના કારણે તેમનાં બાળકોએ ઘણી વખત ભૂખ્યાં ઊંઘી જવું પડે છે અને પરિવારને પાળવા માટે તેમણે પાડોશી પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે.

સંયુક્ત રાષ્ટ્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ચારમાંથી ત્રણ લોકો મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરી શકે એમ નથી. બેરોજગારી ચરમસીમાએ છે. આરોગ્ય સેવાઓ પણ પૂરતી નથી. લેખ કહે છે, “અંદાજે 47 લાખ લોકો, એટલે કે અફઘાનિસ્તાનની કુલ વસ્તીના દસમા ભાગથી વધારે, દુષ્કાળથી માત્ર એક ડગલું દૂર છે.’

એક ઘટનાનું લેખમાં વર્ણન છે, જે પ્રેમને ઘોરની રાજધાનીના ચોક પાસે આવેલી બેકરી ખુલતાં જ માલિક તેને ત્યાં એકઠી થયેલી ભીડને વાસી રોટલીના ટુકડા વહેંચે છે અને અડધો ડઝન માણસો ટુકડા માટે પડાપડી કરે છે. આવું જ મજૂરી મેળવવા માટે થાય છે.

અહીંથી લેખ એક વિચિત્ર વળાંક લઈ લે છે અને સમસ્યા ત્યાં જ છે.

અહીં સુધી રિપોર્ટિંગ હતું. આગળની ઘટનાઓ પણ રિપોર્ટિંગ છે એક પ્રકારે, પરંતુ આ બધી કરુણ કહાણીઓ વચ્ચે એક ખતરનાક પ્રથાને વાજબી ઠરાવવાનું કામ કરવામાં આવ્યું છે.

લેખનું પેટાશીર્ષક છે– ‘હું મારી દીકરીઓને વેચવા તૈયાર છું.’ જેમાં એક અબ્દુલ રશીદ અઝીમીનો ઉલ્લેખ છે, જેનાં બે બાળકો છે. સાત વર્ષની જોડિયા દીકરીઓ વિશે અબ્દુલ કહે છે કે તે દીકરીઓને વેચવા માટે પણ તૈયાર છે કારણ કે પોતે અત્યંત ગરીબ, દેવાદાર અને લાચાર છે. લેખ કહે છે, ‘અબ્દુલે અમને જણાવ્યું કે તે લગ્ન માટે કે ઘરકામ માટે પોતાની દીકરીઓને વેચવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, જો હું મારી એક દીકરીને વેચી દઉં તો બાકીનાં બાળકોને ઓછામાં ઓછાં ચાર વર્ષ સુધી ખવડાવી શકું.’ ત્યારબાદ લેખમાં અબ્દુલના પરિવારની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે એ જણાવવામાં આવ્યું છે.

આગળ એક સઈદ અહમદનો ઉલ્લેખ છે જે બીબીસીને કહે છે કે તેની પાંચ વર્ષની પુત્રીને લીવરમાં ગાંઠ થઈ ગઈ હતી અને તબીબી ખર્ચ ચૂકવવાના પૈસા ન હતા એટલે તેણે દીકરીને વેચી દીધી. તેની કિંમત પણ લેખમાં આપવામાં આવી છે. સઈદને ટાંકીને કહેવામાં આવ્યું, ‘જો મારી પાસે પૈસા હોત તો હું આ નિર્ણય ક્યારેય ન લેત’

લેખમાં આગળ આવી અન્ય વ્યક્તિઓના ઉલ્લેખ સાથે મૂળભૂત અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ કેવી છે એ બધી વાતો કહેવામાં આવી છે.

બાકીના દિવસોમાં બીબીસી કાયમ માનવાધિકારના ઝંડા ઉપાડીને દુનિયાને અને ખાસ કરીને ભારતને જ્ઞાન આપતું રહે છે. પણ આ કિસ્સામાં દીકરીને, સાત-આઠ-દસ વર્ષની દીકરીને ભયાનકતા તરફ ધકેલી દેતા, દોજખમાં નાખતા બાપ પ્રત્યે ભરપૂર સહાનુભૂતિ દર્શાવવાના પ્રયાસ કર્યા છે. જ્યારે હકીકત એ છે કે અફઘાનિસ્તાનમાં આ હમણાં થઈ રહ્યું નથી, વર્ષોથી અને દાયકાઓથી આવું ચાલે છે. તાલિબાન શાસન આવ્યું પછી તો તેનું પ્રમાણ વધ્યું જ છે.

બીબીસીએ ગુજરાતી ભાષાંતરમાં અમુક વિગતો લખી નથી, પરંતુ મૂળ અંગ્રેજી લેખમાં વધુ ભયાનક અને શરમજનક રીતે આ પ્રેક્ટિસને યોગ્ય ઠરાવતી વાતો લખવામાં આવી છે.

અંગ્રેજી લેખમાં લેખિકા પુત્રને કેમ નહીં અને પુત્રીને જ કેમ વેચવામાં આવે છે તેનું કારણ જણાવતાં કહે છે કે, ‘… તેનું કારણ એ છે કે પુત્રો ભવિષ્યમાં મોટા થઈને કામ કરીને પરિવારનું ભરણપોષણ કરી શકે એવું ત્યાં માનવામાં આવે છે અને અહીં અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયમોને કારણે મહિલાઓના શિક્ષણ અને નોકરી પર પહેલેથી પ્રતિબંધ છે.… બીજું, એવી પરંપરા પણ છે કે નિકાહ સમયે યુવકના પરિવાર તરફથી યુવતીના પરિવારને મેરિટલ ગિફ્ટ આપવામાં આવે છે.”

ગુજરાતી વર્ઝનમાં આ બે ફકરા જોવા મળતા નથી, કારણ બીબીસી જાણે!

ગુનાહિત માનસિકતા અને પ્રવૃત્તિને બીબીસીના લેખમાં આ રીતે આવરી લેવામાં આવી છે અને આવા તર્ક સાથે રજૂ કરવામાં આવી છે. જોકે ગુજરાતી ભાષાંતરમાં આ બે ફકરા ઉડાવી દેવાયા છે!

બીબીસીને બધી સમસ્યાઓ દેખાઈ, પણ જે સૌથી ખતરનાક છે તે અવગણી દીધી

લેખમાં બીબીસીએ અફઘાનિસ્તાનની દરેક સમસ્યાનું વર્ણન કર્યું છે, સિવાય એ જે સૌથી ખતરનાક છે. સાવ નાની તરુણી-કિશોરીઓને તેમની ઉંમરથી ત્રણ-ચાર ગણી ઉંમરના પુરુષો સાથે પરણવા મજબૂર કરવી. ઉપરથી તેનો ઉલ્લેખ માત્ર એ બાપ માટે સહાનુભૂતિ ઉઘરાવવા માટે કરવામાં આવ્યો છે, જે પુત્રીઓને વેચી દે છે.

અહીં આર્થિક સ્થિતિની આડમાં આ પ્રેક્ટિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ હકીકત એ પણ છે કે આ બધું પહેલેથી અફઘાનિસ્તાનમાં ચાલતું આવ્યું છે. અગાઉ કહ્યું એમ, 2021 પછી તેનું પ્રમાણ વધ્યું જ છે. ઘણી વખત અફઘાન મહિલાઓને પણ તેમની પુત્રીને વેચી દેવાની ફરજ પાડવામાં આવે છે.

યુનિસેફ જેવી સંસ્થાઓ કહી ચૂકી છે કે અફઘાનિસ્તાનમાં બાળલગ્નોનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને નાણાકીય લાભોની લાલચમાં નાની પુત્રીઓને પણ પરિવારો વેચી દે છે. અન્ય એક NGOના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, “અફઘાનિસ્તાનમાં બાળલગ્નને પરિવારનો આંતરિક મામલો માનવામાં આવે છે અને તેમાં મજહબી બાબતો ઉમેરાય એટલે પ્રોત્સાહન મળે છે. મૌલવીઓ અને ઇમામો આમાં ઘી રેડવાનું કામ કરે છે અને એટલે પ્રમાણ સતત વધતું રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં છોકરીઓને શાળા પણ છોડાવી દેવાય છે, જેથી તેમનાં નિકાહ થઈ શકે.

NGO રિપોર્ટ અનુસાર, ઘણી વખત પરિવારની પુત્રીઓનો ઉપયોગ બે પરિવારો વચ્ચેના વિવાદોના સમાધાન માટે પણ થતો રહ્યો છે. એટલે એક પરિવાર સમાધાન માટે પુત્રીને બીજા પરિવારમાં નિકાહ કરીને મોકલી આપે છે. જેમાં છોકરીની સહમતી/અસહમતી ક્યાંય ધ્યાને લેવામાં આવતી નથી અને જો તેઓ ભાગી જાય તો ધરપકડ કરી લેવામાં આવે છે. અત્યાચારો સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

કહેવાની વાત એ છે કે અફઘાનિસ્તાનમાં સમસ્યાઓ અનેક છે અને આર્થિક સ્થિતિ ખરેખર સારી નથી. પરંતુ આ સ્થિતિ દર્શાવવાના સ્થાને બીબીસીએ એક કારસ્તાન એ કર્યું છે કે માત્ર જમીની વાસ્તવિકતા દર્શાવવાના સ્થાને મહિલાઓ પર થતા અત્યાચારોને સદંતર અવગણીને તેના માટે જવાબદાર કુપ્રથાઓ અને ખતરનાક માનસિકતાને સારા શબ્દોમાં રજૂ કરી દીધી છે. જે વધુ ખતરનાક છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં