નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા ભયાનક કાર બૉમ્બ વિસ્ફોટના કેસમાં 10 આરોપીઓ વિરુદ્ધ 7,500 પેજની વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સ્થિત વિશેષ NIA અદાલતે આ ચાર્જશીટ પર વિચારણા કરવા માટે 4 જૂન 2026ની તારીખ નક્કી કરી છે.
10 નવેમ્બર 2025ના રોજ થયેલા આ હાઇ-ઇન્ટેન્સિટી વ્હીકલ-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (VBIED) બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મિલકતોને પણ મોટું નુકસાન થયું હતું.
મુખ્ય સૂત્રધાર અને આત્મઘાતી હુમલાખોર
આ હુમલાનો મુખ્ય સૂત્રધાર અને હુમલાખોર ડૉ. ઉમર ઉન નબી હતો, જે પુલવામાનો રહેવાસી અને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત હતો. હુમલા દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાથી તેની સામેના આરોપો પડતા મૂકવા (abate) દરખાસ્ત કરવામાં આવી છે. નબીની ઓળખ DNA ફિંગરપ્રિન્ટિંગ દ્વારા સાબિત થઈ હતી.
ફિદાયીન હુમલો કરતા પહેલાં ઉમર નબીએ આત્મઘાતી બોંબ ધડાકાને યોગ્ય ઠેરવતો એક વિડીયો બનાવ્યો હતો. નબી યુવાનોને બ્રેઈનવોશ કરવા માટે નિયમિતપણે ઉશ્કેરણીજનક જેહાદી સંદેશાઓ મોકલતો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા વિવિધ વ્યક્તિઓ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનમાંથી 70થી વધુ વિડીયો મળી આવ્યા હતા, જેમાં 12 વિડીયો ખુદ ઉમરના હતા.
7,500-page chargesheet has been filed against 10 accused in Delhi Red Fort area car bomb blast case following thorough probe in the deadly suicide terror attack. Major conspiracy linked with proscribed AQIS/AGuH terror outfit has been unravelled. Investigation continues. pic.twitter.com/YcDrsUES33
— NIA India (@NIA_India) May 14, 2026
NIAની તપાસ મુજબ તમામ આરોપીઓ ‘અંસાર ગઝવત-ઉલ-હિંદ’ (AGUH) સાથે જોડાયેલા હતા. આ સંગઠન અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની (AQIS) એક શાખા છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા જૂન 2018માં AQIS અને તેની સંલગ્ન શાખાઓને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
ચાર્જશીટમાં ડૉ. નબી ઉપરાંત અન્ય જે આરોપીઓના નામ છે તેમાં આમીર રશીદ મીર, જાસિર બિલાલ વાની, ડૉ. મુઝામિલ શકીલ, ડૉ. અદીલ અહેમદ રાથર, ડૉ. શાહીન સઈદ, મુફ્તી ઈરફાન અહેમદ વાગેય, સોયબ, ડૉ. બિલાલ નસીર મલ્લા અને યાસિર અહેમદ ડારનો સમાવેશ થાય છે. આમાંના ઘણા આરોપીઓ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત મેડિકલ પ્રોફેશનલ્સ છે.
‘ઑપરેશન હેવનલી હિંદ’
આતંકીઓએ ‘ઑપરેશન હેવનલી હિંદ’ નામનું ખતરનાક કાવતરું શરૂ કર્યું હતું. આ ઑપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની લોકશાહી ઢબે સ્થપાયેલી સરકારને ઉથલાવી પાડીને દેશમાં ઇસ્લામિક શરિયા કાયદો લાગુ કરવાનો હતો. આ માટે તેઓએ ‘AGUH ઇન્ટરિમ’ નામના સંગઠનનું પુનર્ગઠન કર્યું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વર્ષ 2022માં શ્રીનગરમાં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠક ત્યારે યોજાઈ હતી જ્યારે આરોપીઓ તૂર્કી માર્ગે અફઘાનિસ્તાન જવામાં નિષ્ફળ રહ્યા હતા. આ બેઠકમાં જ આગામી આતંકી હુમલાઓનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.
વિસ્ફોટકોનું ઉત્પાદન અને પરીક્ષણ
હુમલા માટે ‘ટ્રાયસેટોન ટ્રાઈપેરોક્સાઇડ’ (TATP) નામના વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ બજારમાં મળતા રસાયણોનો ઉપયોગ કરીને લેબોરેટરીમાં ગુપ્ત રીતે આ વિસ્ફોટક તૈયાર કર્યો હતો. તેમણે વિવિધ પ્રકારના IED બનાવીને તેનું પરીક્ષણ પણ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું હતું કે આરોપીઓએ વિવિધ ઓફલાઇન અને ઓનલાઇન સ્ત્રોતોમાંથી લેબોરેટરીના સાધનો ખરીદ્યા હતા, જેમાં MMO એનોડ, ઇલેક્ટ્રિક સર્કિટ અને સ્વીચો જેવી વિશિષ્ટ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સિવાય આરોપીઓ દેશના અન્ય ભાગોમાં પણ તેમની કામગીરી વિસ્તારવાની યોજના ધરાવતા હતા, જે આ આતંકી મોડ્યુલના પર્દાફાશને કારણે નિષ્ફળ ગઈ હતી
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ AK-47 રાઈફલ, ક્રિંકોવ રાઈફલ અને દેશી પિસ્તોલ જેવાં પ્રતિબંધિત હથિયારો ગેરકાયદેસર રીતે મેળવ્યાં હતાં. આ ઉપરાંત તેઓ સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવવા માટે રોકેટ અને ડ્રોન-માઉન્ટેડ IED પર પણ પ્રયોગો કરી રહ્યા હતા.
NIAએ આ કેસની તપાસ જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી-NCR સુધી લંબાવી હતી. આ7,500 પેજની ચાર્જશીટ 588 મૌખિક જુબાનીઓ, 395થી વધુ દસ્તાવેજો અને 200થી વધુ જપ્ત કરાયેલ ભૌતિક પુરાવાઓ પર આધારિત છે.
અલ-ફલાહ યુનિવર્સિટીનું જોડાણ
ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી આ તપાસનું કેન્દ્રબિંદુ રહી છે. ગુનાના સ્થળ અને યુનિવર્સિટીની આસપાસના વિસ્તારોમાંથી મળેલા પુરાવાઓની ફોરેન્સિક તપાસ અને વોઈસ એનાલિસિસ દ્વારા આરોપીઓના કાવતરાને સાબિત કરવામાં આવ્યું છે. આરોપીઓએ ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમો દ્વારા MMO એનોડ, ઇલેક્ટ્રિક સર્કિટ અને સ્વીચો જેવી વિશિષ્ટ ટેકનિકલ વસ્તુઓ ખરીદી હતી. આ સાધનોનો ઉપયોગ આધુનિક વિસ્ફોટકો બનાવવામાં થતો હતો.
અગાઉ આ વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (SIA) ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા ‘ડોક્ટર્સ ટેરર મોડ્યુલ’ના 10 આતંકીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બૉમ્બ વિસ્ફોટ પાછળ જવાબદાર હતા.
SIAની ચાર્જશીટમાં આરીફ નિસાર ડાર, યાસિર ઉલ અશરફ ભટ્ટ, મકસૂદ અહેમદ ડાર, ઈરફાન અહેમદ વાગેય (ઉર્ફે ઓવૈસ), ઝમીર અહેમદ અહાંગર (ઉર્ફે મુતલાશી), મુઝમિલ શકીલ ગનાઈ (ઉર્ફે મુસૈબ), ડૉ. અદીલ અહેમદ રાથર (ઉર્ફે જાવેદ), ડૉ. શાહીન સઈદ, તુફૈલ અહેમદ ભટ્ટ અને ડૉ. ઉમર ઉન નબીને આરોપી તરીકે નામિત કરવામાં આવ્યા હતા.
ધરપકડ અને ચાલુ તપાસ
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. NIA હજુ પણ એવા ફરાર આરોપીઓને શોધી રહી છે જેમની ભૂમિકા તપાસ દરમિયાન સામે આવી છે. આ આતંકી મોડ્યુલના પર્દાફાશથી દેશના અન્ય ભાગોમાં થનારા સંભવિત હુમલાઓ ટળી ગયા છે.
આતંકીઓ વિરુદ્ધ UAPA એક્ટ, ભારતીય ન્યાય સંહિતા 2023, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1908, આર્મ્સ એક્ટ 1959 અને જાહેર મિલકતને નુકસાન અટકાવવાના અધિનિયમ 1984 હેઠળ ગંભીર કલમો લગાવવામાં આવી છે.
NIAની આ કાર્યવાહીથી ભારત વિરુદ્ધ કામ કરતા આતંકી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. ઉચ્ચ શિક્ષિત વ્યવસાયિકો કેવી રીતે કટ્ટરપંથી બનીને દેશની લોકશાહી સામે જોખમ ઊભું કરી રહ્યા છે, તે આ કેસમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે. હવે કોર્ટમાં આ પુરાવાઓના આધારે ન્યાયિક પ્રક્રિયા આગળ વધશે.


