હોમપેજદેશકર્ણાટકમાં મુસ્લિમ વૉટબેન્કને ખુશ કરવામાં વ્યસ્ત કોંગ્રેસ સરકાર, જનેઉ-કલાવાની આડમાં હિજાબ પરની...

કર્ણાટકમાં મુસ્લિમ વૉટબેન્કને ખુશ કરવામાં વ્યસ્ત કોંગ્રેસ સરકાર, જનેઉ-કલાવાની આડમાં હિજાબ પરની રોક હટાવી: સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણયનો અર્થ શું

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે હિજાબનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. આ પહેલાં કર્ણાટક હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ‘હિજાબ પહેરવો એ ઇસ્લામની અનિવાર્ય મજહબી પ્રથા નથી’.

- Advertisement -

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર હવે ઇસ્લામી તૃષ્ટીકરણ પર ઉતરી આવી છે. જેના માટે કોંગ્રેસ સરકારે વર્ષ 2022નો એ નિર્ણય પલટાવી દીધો છે જેમાં શિક્ષણ સંસ્થાઓ પર હિજાબ-બુરખા વગેરે ઇસ્લામી મજહબી પહેરવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તેના સ્થાને કોંગ્રેસ સરકારે ચૂપચાપ એ નિર્ણય લાગુ કરી દીધો છે જેમાં કલાવા, જનેઉ, માળા અને રુદ્રાક્ષ પહેરવાની અનુમતિની આડ લેવામાં આવી છે.

સરકારે બુધવારે (13 મે) જાહેર કરેલા નવા આદેશ દ્વારા સીમિત પારંપરિક અને આસ્થા આધારિત ઓળખ ચિહ્નોના નામે શાળાઓ અને કોલેજોમાં હિજાબનો રસ્તો ફરી એક વખત મોકળો બનાવી દીધો છે.

વાસ્તવમાં આ પ્રશાસનિક આદેશ નથી પરંતુ વૉટબેન્ક બચાવવાની એક ચાલ છે. નિર્ણય માત્ર પ્રશાસનિક ફેરબદલ નથી પરંતુ તેની પાછળ રાજનીતિક ગણિત પણ છે અને તૃષ્ટિકરણની પરાકાષ્ઠા પણ છે, જેનાથી કર્ણાટકના શૈક્ષણિક માહોલને ફરી એક વખત વૈચારિક પ્રયોગશાળા બનાવી દેવામાં આવ્યો છે.

- Advertisement -

2022નો આદેશ શું હતો અને તે કેમ જરૂરી હતો?

ફેબ્રુઆરી 2022માં તત્કાલીન બસવરાજ બોમ્મઈ સરકારે કર્ણાટક શિક્ષણ અધિનિયમ હેઠળ જારી કરેલ આદેશ અનુસાર જે શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો હોય ત્યાં વિદ્યાર્થીઓ માટે તે યુનિફોર્મ પહેરવો ફરજિયાત હતો. આ વિવાદ ઉડુપીની સરકારી પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજથી શરૂ થયો હતો, જ્યાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને વર્ગખંડમાં બેસવાની જીદ પર અડી ગઈ હતી. ધીમે-ધીમે આ વિવાદ આખા રાજ્યમાં ફેલાઈ ગયો, જેના કારણે મોટાપાયે વિરોધ પ્રદર્શનો થયાં અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવી પડી હતી.

તે સમયે કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજોની બેન્ચે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હિજાબ એ કોઈ અનિવાર્ય મજહબી પ્રથા નથી. તે વ્યક્તિગત માન્યતાનો વિષય હોઈ શકે છે, પરંતુ શાળા-કોલેજ જેવી જાહેર સંસ્થાઓમાં યુનિફોર્મ અને શિસ્ત સર્વોપરી છે. કોર્ટે નોંધ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ વૈજ્ઞાનિક અભિગમ, સમાનતા અને બિનસાંપ્રદાયિકતા શીખવવાનાં કેન્દ્રો છે, મજહબી ઓળખ પ્રદર્શિત કરવાનાં નહીં. આ મામલો હાલમાં પણ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે, તેમ છતાં વર્તમાન સરકારે કોર્ટના આખરી નિર્ણયની રાહ જોયા વિના જ 2022નો આદેશ પાછો ખેંચી લીધો છે, જે એક રીતે ન્યાયતંત્રની મજાક છે.

સીમિત પ્રતીકોની આડમાં કટ્ટરતાને પ્રોત્સાહન

સરકારે જાહેર કરેલ નવા પરિપત્રના મુદ્દા નંબર 3 અને 4માં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ નક્કી કરેલા યુનિફોર્મની સાથે ‘મર્યાદિત પરંપરાગત અને માન્યતા આધારિત પ્રતીકો’ પહેરી શકે છે. આ પ્રતીકોમાં પેટા (પાઘડી), જનોઈ, શિવદારા, રુદ્રાક્ષ અને ‘માથાનું કપડું’ (હિજાબ) સામેલ છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અન્ય પ્રતીકોની આડ લઈને વાસ્તવમાં હિજાબને ફરી મંજૂરી આપવામાં આવી રહી છે.

પહેલી નજરે આ આદેશ ભલે બધા ધર્મોને સમાન ન્યાય આપતો લાગે પરંતુ તેની પાછળની ચાલાકી સમજવી જરૂરી છે. જનોઈ, રુદ્રાક્ષ કે કલાવા જેવાં પ્રતીકો હિંદુ વિદ્યાર્થીઓ સદીઓથી પહેરતા આવ્યા છે અને તેનાથી ક્યારેય ‘યુનિફોર્મ’ના નિયમોનો ભંગ થયો નથી કે ભણવામાં અવરોધ આવ્યો નથી. પરંતુ આ પ્રતીકો બતાવીને તેની આડમાં હિજાબને શાળાઓમાં ફરી પ્રવેશ અપાવવો એ સીધી રીતે એ કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપવા જેવું છે, જેને 2022માં કોર્ટ અને તત્કાલીન સરકારે ફગાવી દીધી હતી.

ઓળખનું સંકટ: જનોઈ વિરુદ્ધ હિજાબની દલીલ

કોંગ્રેસ સરકારે આ આદેશ લાગુ કરવા માટે એવો તર્ક આપ્યો છે કે વિદ્યાર્થીઓને જનોઈ, કલાવા, માળા અને રુદ્રાક્ષ જેવા પરંપરાગત ચિહ્નો પહેરવાની મંજૂરી આપવામાં આવશે અને આ બહાના હેઠળ હિજાબને પણ તેમાં સામેલ કરી દીધો. પરંતુ અહીં એક પાયાનો તફાવત છે, જેને સરકારે જાણીજોઈને અવગણ્યો છે.

જનોઈ કપડાંની અંદર પહેરવામાં આવે છે, કલાવા કાંડા પર બાંધેલો એક સાદો દોરો છે અને રુદ્રાક્ષ પણ ગળામાં શર્ટની નીચે રહે છે. આનાથી ન તો વિદ્યાર્થીની ઓળખ છુપાય છે અને ન તો વર્ગખંડની શિસ્તમાં કોઈ અડચણ આવે છે. આનાથી તદ્દન વિપરીત, હિજાબ અને બુરખો સીધી રીતે વિદ્યાર્થીની ઓળખને ઢાંકી દે છે.

ફ્રાન્સ, બેલ્જિયમ અને ઓસ્ટ્રિયા જેવા વિશ્વના અનેક વિકસિત અને બિનસાંપ્રદાયિક દેશોમાં જાહેર સ્થળો અને શાળાઓમાં ચહેરો ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ પાછળનું કારણ કોઈ મજહબ પ્રત્યેનો દ્વેષ નથી, પરંતુ ‘જાહેર સુરક્ષા’ અને ‘સમાનતા’ જાળવવાનો છે.

આ આદેશ પાછળ એપ્રિલ 2026ની એક ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તે સમયે એક હિંદુ વિદ્યાર્થીની જનોઈ ઉતરાવી દેવાની ઘટના બની હતી, જે વાસ્તવમાં હિંદુ ધર્મ પ્રત્યેની નફરતનું ઉદાહરણ હતું. પરંતુ કોંગ્રેસ સરકારે જનોઈની ઘટના પર દેખાડો કરવા ખાતર દુઃખ વ્યક્ત કર્યું અને પછી ‘સમાનતા’નો ઢોંગ કરીને હિજાબને પણ મંજૂરી આપી દીધી.

ન્યાયતંત્રનું અપમાન અને કાયદાકીય કટોકટી

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે હિજાબનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. આ પહેલાં કર્ણાટક હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ‘હિજાબ પહેરવો એ ઇસ્લામની અનિવાર્ય મજહબી પ્રથા નથી’. કોંગ્રેસ સરકારનો આ આ નિર્ણય માત્ર ન્યાયિક પ્રક્રિયાની મજાક નથી ઉડાવતો પરંતુ તે બંધારણીય ગરિમા પર પણ પ્રહાર કરે છે જેની વાતો રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દરેક મંચ પરથી કરતા હોય છે.

મુખ્યમંત્રીએ કોર્ટના અંતિમ નિર્ણયની રાહ જોવાને બદલે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સમાજમાં ધ્રુવીકરણનો રસ્તો પસંદ કર્યો છે. આ એ જ ખતરનાક રસ્તો છે જે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા અપનાવવામાં આવ્યો છે, જ્યાં વોટ મેળવવા માટે સંસ્થાઓની પવિત્રતા અને શિસ્તને દાવ પર લગાવી દેવામાં આવે છે.

ચૂંટણીમાં હારનો ડર અને તૃષ્ટિકરણનો સહારો

આ નિર્ણય કયા સમયે લેવામાં આવ્યો છે તે સમજવું ખૂબ મહત્વનું છે. આગામી શનિવાર, એટલે કે 16 મે 2026ના રોજ બેંગલુરુમાં મુસ્લિમ સંગઠનો અને SDPIની એક બહુ મોટી રેલી યોજાવાની છે. આ રેલી અન્ય કોઈના વિરોધમાં નહીં, પરંતુ કોંગ્રેસ સરકારની સામે જ આયોજિત કરવામાં આવી છે. દાવણગેરે પેટાચૂંટણીમાં કોંગ્રેસને જે ઝટકો લાગ્યો તેનાથી સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારની ચિંતા વધી ગઈ છે. મુસ્લિમ બહુલ વિસ્તાર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર સમર્થ શમનૂર મલ્લિકાર્જુનને મુસ્લિમ સમુદાય તરફથી ધાર્યા મુજબનું સમર્થન મળ્યું ન હતું.

ત્યાં SDPIએ કોંગ્રેસના વોટબેંકમાં મોટું ગાબડું પાડ્યું, જેનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે મુસ્લિમ મતદારો હવે કોંગ્રેસને પોતાની જાગીર નથી માનતા. કોંગ્રેસ માટે સૌથી મોટો ડર 16 મે 2026 બેંગલુરુમાં યોજાનારી વિશાળ રેલી છે. પક્ષને ડર છે કે જો આ રેલી સફળ રહેશે, તો આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો મુસ્લિમ વોટબેંક સંપૂર્ણપણે વેરવિખેર થઈ જશે. આ રેલી નિષ્ફળ કરવા અને કટ્ટરપંથીઓને એવો સંદેશ આપવા માટે કે ‘કોંગ્રેસ જ તેમની સૌથી મોટી હિતેચ્છુ છે’, આ હિજાબવાળો આદેશ ચૂપચાપ લાગુ કરી દેવામાં આવ્યો.

મમતા સરકારના માર્ગે કર્ણાટકની કોંગ્રેસ સરકાર

કોંગ્રેસ કર્ણાટકને એ જ રસ્તે લઈ જઈ રહી છે જે રસ્તે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળને પહોંચાડ્યું હતું. તૃષ્ટિકરણની આ રાજનીતિ શરૂઆતમાં ફાયદાકારક લાગે છે, પરંતુ અંતે તે સમાજની એકતાને નષ્ટ કરે છે. શાળાઓને મજહબી ઓળખ પ્રદર્શનનું સ્થળ બનાવીને કોંગ્રેસ આવનારી પેઢીના મનમાં ભેદભાવની ભાવના પેદા કરી રહી છે.

હિંદુ પ્રતીકોનો ઉપયોગ માત્ર એક ‘ઢાલ’ તરીકે કરવામાં આવી રહ્યો છે જેથી કોઈ સીધો આરોપ ન લગાવી શકે. પરંતુ સત્ય એ છે કે શાળાઓમાં હંમેશા હિંદુ પ્રતીકોને નકારવામાં આવ્યાં છે. CET પરીક્ષા દરમિયાન જે રીતે જનોઈ ઉતરાવવામાં આવી હતી તે કોંગ્રેસની સાચી માનસિકતા દર્શાવે છે. એક તરફ હિંદુ પ્રતીકો પ્રત્યે અસહિષ્ણુતા અને બીજી તરફ હિજાબ પ્રત્યેનો અસીમ પ્રેમ એ કોંગ્રેસની રાજનીતિનો ભાગ છે.

શું 2028માં આ દાવ પડશે ઊંધો?

કોંગ્રેસને આશા છે કે હિજાબની મંજૂરી આપીને તે 16 મેની રેલીની અસર ઓછી કરી શકશે અને મુસ્લિમ મતદારોને ફરી પોતાની તરફ ખેંચી લેશે. પરંતુ આ દાવ ઊંધો પણ પડી શકે છે. કર્ણાટકની જનતા જોઈ રહી છે કે કેવી રીતે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે શિક્ષણના સ્તર અને શાળાઓની શિસ્ત સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે.

જો આ નિર્ણય વિરુદ્ધ રાજ્યનો હિંદુ સમાજ એકઠો થશે તો 2028ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાંથી કર્ણાટક જતું રહેશે. જનતા સમજી રહી છે કે જે સરકાર બાળકોના શિક્ષણને રાજકારણનું સાધન બનાવે છે, તે રાજ્યનું ભલું ક્યારેય ન કરી શકે. ‘ભાગ પાડો કરો અને રાજ કરો’ની આ નીતિ જનતા પારખી ગઈ છે.

કર્ણાટક સરકારનો આ આદેશ સમાનતાના નામે સમાજને વહેંચવાનું પગલું છે. શિક્ષણના અધિકાર અને મજહબી ઓળખ વચ્ચે સંતુલન જાળવવાનો દાવો કરતી કોંગ્રેસે ખરેખર તો તુષ્ટિકરણ માટે ‘બંધારણીય સમાનતા’નો ભોગ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 2028માં જનતા આનો શું જવાબ આપે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં