કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં ક્રૂડ ઑઇલ અને નેચરલ ગેસ ક્ષેત્રે રોયલ્ટી ઘટાડવા માટેની જાહેરાત કરી છે. સરકારે લીધેલો નિર્ણય માત્ર ટેક્સ અથવા રોયલ્ટીના આંકડાઓમાં થયેલો ફેરફાર નથી, પરંતુ તે ભારતની ઊર્જા નીતિમાં લાંબાગાળાના દૃષ્ટિકોણને દર્શાવતું મહત્વપૂર્ણ પગલું છે. કેન્દ્ર સરકારે ઑઇલ અને ગેસ ઉત્પાદન પર લાગતી રોયલ્ટીમાં ઘટાડો કરીને દેશની સ્થાનિક શોધખોળ અને ઉત્પાદન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો અને સપ્લાય બંને અનિશ્ચિત બન્યા છે, ત્યારે ભારતે પોતાના ઘરઆંગણે ઉત્પાદન વધારવા માટે નીતિગત ભાર પોતાના ખભા પર લેવાનો સંકેત આપ્યો છે
સરકારે શું નિર્ણય લીધો?
સરકારના નિર્ણયને સમજતા પહેલાં રોયલ્ટી વિશે જાણવું જરૂરી છે. સરળ ભાષામાં કહીએ તો જમીન કે દરિયામાંથી તેલ અને ગેસ કાઢતી કંપનીઓ સરકારને એક પ્રકારની ફી ચૂકવે છે, જેને (વર્તમાન સંદર્ભમાં) રોયલ્ટી કહેવાય છે. કારણ કે કુદરતી સંપત્તિ દેશની માલિકીની માનવામાં આવે છે, તેથી તેનો ઉપયોગ કરીને નફો કમાવતી કંપનીઓ સરકારને તેનો હિસ્સો આપે છે. અત્યાર સુધી ભારતમાં અલગ-અલગ કરારો અને નીતિઓ મુજબ રોયલ્ટીના નિયમો અલગ હતા. ક્યાંક વધારે દર લાગતા, ક્યાંક ગણતરીની પદ્ધતિ જુદી હતી અને ઘણા કિસ્સાઓમાં કંપનીઓ પરનો વાસ્તવિક ભાર વધુ પડી રહ્યો હતો.
હવે સરકારે તેમાં સીધો ફેરફાર કર્યો છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 8 મે, 2026ના રોજ નવી રોયલ્ટી વ્યવસ્થા જાહેર કરી. જે અનુસાર ઑનશોર ક્રૂડ ઑઇલ પર લાગતી રોયલ્ટી અસરકારક રીતે લગભગ 16.66%થી ઘટાડીને 10% સુધી લાવવામાં આવી છે, જ્યારે ઑફશોર ક્ષેત્રમાં તે 9.09%થી ઘટાડીને 8% કરવામાં આવી છે. નેચરલ ગેસ માટેની રોયલ્ટી પણ 10%થી ઘટાડીને 8% કરવામાં આવી છે. ઉપરાંત, ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર બ્લોક્સ માટે શરૂઆતના સાત વર્ષ સુધી ઝીરો રોયલ્ટીની વ્યવસ્થા પણ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ પણ આવા પ્રોજેક્ટ્સ માટે રોયલ્ટી દર ઘણો ઓછો રાખવામાં આવ્યો છે.
સરકારનો સૌથી મોટો ફોકસ ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર ક્ષેત્રો પર જોવા મળે છે. સમુદ્રની ખૂબ ઊંડાઈમાં તેલ અને ગેસ શોધવું અત્યંત ખર્ચાળ અને જોખમી માનવામાં આવે છે. વર્ષોથી ભારત આવા વિસ્તારોમાં પૂરતું રોકાણ આકર્ષી શક્યું નહોતું, કારણ કે કંપનીઓ માટે તેમાં જોખમ પણ વધુ હતું અને ખર્ચ પણ. હવે સરકારે આ ક્ષેત્રો માટે મોટી રાહત જાહેર કરી છે.
સરળ ભાષામાં કહીએ તો અત્યાર સુધી તેલ અને ગેસ કાઢતી કંપનીઓએ સરકારને ઉત્પાદનના મોટા હિસ્સારૂપે રોયલ્ટી ચૂકવવી પડતી હતી. હવે આ ભાર થોડો ઓછો કરવામાં આવ્યો છે, જેથી કંપનીઓ માટે ભારતમાં ઉત્પાદન કરવું વધુ ફાયદાકારક બને. ખાસ કરીને ડીપવોટર પ્રોજેક્ટ્સમાં ખર્ચ અત્યંત મોટો હોય છે અને રિસ્ક પણ વધારે હોય છે. આવી સ્થિતિમાં રોયલ્ટી ઘટાડીને સરકારે સંદેશ આપ્યો છે કે દેશની ઊર્જા સુરક્ષા માટે ખાનગી અને સરકારી બંને ક્ષેત્રોને વધુ આક્રમક રીતે શોધખોળ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે.
આ નિર્ણયની જરૂર શા માટે પડી?
ભારત આજે વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઑઇલ આયાતકાર દેશોમાં સામેલ છે. દેશ પોતાની જરૂરિયાતનું 85થી 90 ટકા જેટલું કાચું તેલ અને નેચરલ ગેસ વિદેશથી આયાત કરે છે. આવી સ્થિતિમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અથવા વૈશ્વિક સપ્લાય ચેઇનમાં કોઈ પણ સમસ્યા ભારતની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને મોંઘવારી અને વિદેશી મુદ્રા ભંડાર સુધી તેનો પ્રભાવ પડે છે.
તાજેતરના મહિનાઓમાં ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને સામાન્ય ગ્રાહકોને રાહત આપી હતી. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધી રહી હોવા છતાં સરકારે તરત તેનો ભાર સીધો જનતા પર મૂકવાને બદલે પોતાની આવકમાં ઘટાડો સ્વીકાર્યો હતો. હવે રોયલ્ટી ઘટાડાનો નિર્ણય પણ તે જ વ્યાપક દિશામાં જોવામાં આવી રહ્યો છે. સરકાર સમજતી હતી કે જો સ્થાનિક કંપનીઓ પર ભારે રોયલ્ટી યથાવત રાખવામાં આવશે તો નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ ધીમું પડશે અને આયાત પરની નિર્ભરતા યથાવત રહેશે. તેથી લાંબાગાળે સ્થાનિક ઉત્પાદન વધે અને ભારત વધુ ઊર્જા આત્મનિર્ભર બને તે માટે સરકારે પોતાના આવકના એક ભાગમાં ઘટાડો સ્વીકાર્યો છે.
આ નિર્ણયથી કોને અને કેવી રીતે લાભ થશે?
સૌથી મોટો લાભ ONGC અને Oil India જેવી સરકારી કંપનીઓને થવાનો છે. કારણ કે દેશના મોટાભાગના પરંપરાગત ઑઇલ બ્લોક્સ પર આ કંપનીઓ કાર્યરત છે. રોયલ્ટી ઘટાડાથી હવે દરેક બેરલ પર તેમનો નફો વધશે અને નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે વધુ નાણાકીય જથ્થો મળશે. બજારમાં પણ આ નિર્ણયનો તરત જ સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો અને ONGC તથા અન્ય કંપનીઓના શેરોમાં તેજી આવી છે.
ખાનગી ક્ષેત્ર માટે પણ આ નિર્ણય મહત્વપૂર્ણ છે. વેદાંતા જેવી કંપનીઓ માટે હવે પ્રોજેક્ટ્સ વધુ વ્યવહારુ બની શકે છે. ખાસ કરીને ડીપવોટર અને અલ્ટ્રા-ડીપવોટર ક્ષેત્રોમાં ઝીરો રોયલ્ટીનો લાભ મળવાથી મોટા મૂડીરોકાણ માટે પ્રોત્સાહન મળશે. અત્યાર સુધી આવા પ્રોજેક્ટ્સમાં ઊંચો ખર્ચ અને નીતિગત અનિશ્ચિતતા રોકાણ માટે અવરોધ બની રહેતા હતા. નવી વ્યવસ્થાથી ભારત વૈશ્વિક ઊર્જા કંપનીઓ માટે વધુ આકર્ષક ગંતવ્ય બની શકે છે.
આનો એક પરોક્ષ લાભ સામાન્ય નાગરિકોને પણ મળી શકે છે. જો દેશમાં સ્થાનિક ઉત્પાદન વધશે તો લાંબાગાળે આયાત પરનો ખર્ચ ઓછો થશે અને વૈશ્વિક સંકટોના સમયમાં ભારત વધુ સ્થિર સ્થિતિમાં રહેશે. તેલ અને ગેસ ક્ષેત્રમાં વધુ રોકાણ થવાથી રોજગારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાયક ઉદ્યોગોને પણ ગતિ મળશે. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવાં અભિયાન માટે પણ આ નિર્ણય વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ઉપરાંત લાંબાગાળે સરકારનું ધ્યાન માત્ર કંપનીઓને રાહત આપવાનું નથી. સરકાર માને છે કે જો આજે કંપનીઓ પરનો ભાર થોડો ઓછો કરવામાં આવશે તો ભવિષ્યમાં દેશમાં વધુ ઉત્પાદન થશે, આયાત પરની નિર્ભરતા ઘટશે અને ભારત ઊર્જા સુરક્ષાની દિશામાં વધુ મજબૂત બનશે. એક રીતે જોવામાં આવે તો સરકાર તાત્કાલિક વધુ આવક મેળવવા કરતાં લાંબાગાળાના સ્થાનિક ઉત્પાદન પર દાવ લગાવી રહી છે.
ખાસ કરીને હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે પોતાના ઉત્પાદનને મજબૂત બનાવવું વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ બની ગયું છે. સરકારનો આ નિર્ણય એ જ લાંબાગાળાની ઊર્જા નીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે.


