હોમપેજદેશપીએમ મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા કેમ કહ્યું: વાંચો...

પીએમ મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા કેમ કહ્યું: વાંચો તેનાં આર્થિક કારણો શું છે?

ભારતનું ફોરેક્સ રિઝર્વ લગભગ 690 બિલિયન ડોલર છે. ફેબ્રુઆરીમાં આ આંકડો લગભગ 728 બિલિયન ડોલર જેટલો હતો, જે યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે ઘટતો જાય છે. આ પરિસ્થિતિમાં ફોરેક્સ રિઝર્વ સાચવવું દેશ માટે, અર્થવ્યવસ્થા માટે પ્રાથમિકતા છે.

- Advertisement -

લગભગ બે મહિના કરતાં વધારે સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે વિશ્વભરમાં સપ્લાય ચેઇનને અસર પડી છે અને ખાસ કરીને ક્રૂડ ઓઇલના પુરવઠાને માઠી અસર પહોંચી છે. આ સ્થિતિ વચ્ચે રવિવારે (10 મે) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભામાં દેશવાસીઓને કેટલીક અપીલ કરી. પીએમ મોદીએ પેટ્રોલ-ડીઝલનો સંયમિત ઉપયોગ કરવાથી લઈને વિદેશમાં બિનજરૂરી પ્રવાસ કરવાનું ટાળવા અને ખેતીમાં ફર્ટિલાઇઝરનો ઉપયોગ અટકાવવા માટે હાકલ કરી. સાથે એક અગત્યની બાબત પર ભાર મૂક્યો– આગલા એક વર્ષ સુધી ભારતીયો સોનું ખરીદવાનું ટાળે.

હવે પ્રશ્ન એ છે કે પીએમ મોદીએ હાલ સોનું ખરીદવાનું ટાળવાનો આગ્રહ કેમ કર્યો. ભારતમાં ગોલ્ડનો ઉપયોગ ઝાઝો છે. સામાજિક રીતે પણ તેનું મહત્ત્વ છે. પણ વડા પ્રધાનની આ અપીલનું કારણ આર્થિક પણ છે. સરકાર વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે અમુક પગલાં લઈ રહી છે અને એમાં ગોલ્ડની ઓછી ખરીદી અગત્યની ભૂમિકા ભજવી શકે એમ છે.

પહેલાં પીએમ મોદીએ શું કહ્યું એ જોઈએ.

- Advertisement -

વડા પ્રધાને કહ્યું, “સોનાની ખરીદીમાં પણ વિદેશી મુદ્રાનો બહુ ખર્ચ થાય છે. એક જમાનો હતો જ્યારે સંકટ આવે ત્યારે લોકો દેશહિતમાં સોનું દાન કરી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે નક્કી કરવું પડશે કે એક વર્ષ સુધી ઘરમાં કોઈ પણ કાર્યક્રમ હોય, આપણે સોનું નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકાર ફેંકી રહી છે અને આપણે પડકાર સ્વીકારીને વિદેશી મુદ્રા બચાવવી પડશે.”

ભારતમાં ગોલ્ડની માંગ કેટલી?

ભારતમાં સોનાની કેટલી માંગ છે એ અલગથી કહેવાનું હોય નહીં. ભારત વિશ્વમાં ગોલ્ડનું સૌથી મોટું કન્ઝ્યુમર છે. દર વર્ષે લગભગ 700થી 800 ટન ગોલ્ડ વપરાય છે, પણ ઉત્પાદન માત્ર 1-2 ટનનું થાય છે. જરૂરિયાતનું બાકીનું બધું સોનું વિદેશથી આવે છે. વર્ષ 2025-26માં ભારતનું ગોલ્ડ ઇમ્પોર્ટ 72 બિલિયન ડોલર પર પહોંચ્યું હતું, જે આગલા વર્ષ કરતાં 24 ટકા જેટલો વધારો હતો.

ભારતના ઇમ્પોર્ટ બિલમાં સોનાનો ઘણો મોટો હિસ્સો છે. લગભગ 9 ટકા જેટલો. ક્રૂડ ઓઇલ પછી સૌથી વધુ ખર્ચ સોનાની આયાતમાં થાય છે. ત્યારબાદ વેજીટેબલ ઓઇલ અને છેલ્લે ફર્ટિલાઇઝર આવે છે. આ ચાર ચીજો જ ભારતના ઇમ્પોર્ટ બિલનો 30% હિસ્સો રોકી લે છે. જેમાંથી ગોલ્ડ એકલું 10% રોકે છે.

બીજું, સોનાની આયાતથી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં કોઈ ખાસ વધારો થતો નથી અને બીજી તરફ દેશમાંથી વિદેશી હૂંડિયામણનો મોટો હિસ્સો ગોલ્ડ ખરીદવામાં વપરાય જાય છે. અર્થાત્, ભારતે વિદેશી વેચાણકારોને યુએસ ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. એટલે જ્યારે ગોલ્ડની આયાત વધે તો દેશમાંથી મોટા પ્રમાણમાં ડોલર બહાર જાય છે.

ડોલરનું શું મહત્ત્વ છે અને ફોરેક્સ રિઝર્વ જાળવવું કેમ જરૂરી?

આંતરરાષ્ટ્રીય વ્યાપાર મોટેભાગે ડોલરથી થાય છે. ભારતને અન્ય દેશો પાસેથી માલસામાન આયાત કરવા માટે ડોલરની જરૂર પડે છે, અત્યારે તો ખાસ કરીને ક્રૂડ ઓઇલની ખરીદી માટે અત્યંત જરૂરી છે. અહીં વાત આવે છે ફોરેક્સ રિઝર્વની.

ફોરેક્સ રિઝર્વ એ દેશની ઇમરજન્સી સેવિંગ્સ છે, પણ વિદેશી ચલણમાં. ખાસ કરીને યુએસ ડોલર જ હોય છે. જેનો ઉપયોગ આયાત માટે ચૂકવણી કરવા માટે અને આર્થિક સંકટ દરમ્યાન બહાર આવવા માટે કરવામાં આવે છે. એટલે જો દેશ આયાત (સોનાની હોય કે બીજી) પર વધુ ડોલર ખર્ચ કરે તો તેની સીધી અસર ફોરેક્સ રિઝર્વ પર થાય છે.

ભારતનું ફોરેક્સ રિઝર્વ લગભગ 690 બિલિયન ડોલર છે. ફેબ્રુઆરીમાં આ આંકડો લગભગ 728 બિલિયન ડોલર જેટલો હતો, જે યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે ઘટતો જાય છે. આ પરિસ્થિતિમાં ફોરેક્સ રિઝર્વ સાચવવું દેશ માટે, અર્થવ્યવસ્થા માટે પ્રાથમિકતા છે.

કાપ ગોલ્ડ પર જ કેમ?

આ પરિસ્થિતિમાં ક્રૂડ ઓઇલ પર બહુ કાપ મૂકી શકાય એમ નથી. પેટ્રોલ-ડીઝલની આવશ્યકતા પ્રમાણમાં વધુ છે. ગોલ્ડ ઘરેલુ રોકાણ માટે વપરાય પણ માઇક્રોઇકોનોમિક પર્સ્પેક્ટિવથી જોઈએ તો તેનો અર્થવ્યવસ્થાને આગળ લઈ જવામાં ફાળો ઓછો છે અને ઉપરથી ખરીદી માટે ફોરેક્સ રિઝર્વ પર માર પડે છે એ અલગ.

જો દેશમાં એક વર્ષ સુધી સોનાની માંગ ઘટે તો આયાત ઓછી થાય અને તેના કારણે તેની ઉપર થતો ખર્ચ ઘટાડી શકાય. ફોરેક્સ રિઝર્વ બચે અને ડોલર ક્રૂડ ઓઇલ અને અન્ય જરૂરી ચીજો ખરીદવા માટે વાપરી શકાય. કારણ કે બીજી તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ આ યુદ્ધના કારણે સતત અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે.

જો સોનાની આયાતમાં 30-40 ટકાનો પણ ઘટાડો થાય તો દેશ 20-25 બિલિયન ડોલર બચાવી શકે છે. પચાસ ટકા સુધીના ઘટાડાથી 36 બિલિયન ડોલર બચાવી શકાય. ટૂંકમાં વર્ષ સુધી સોનાની ખરીદી કરવામાં ન આવે તો ભારતનો જે ડોલર આઉટફ્લો હાલ વધુ છે એને ઘણી માત્રમાં ઘટાડી શકાય. આ ડોલરનો ઉપયોગ ઉપર જણાવ્યું એમ ક્રૂડ ઓઇલ ખરીદવા થઈ શકે.

જોકે ભારતમાં સોનાની આયાતમાં પહેલેથી ઘટાડો થઈ જ રહ્યો છે. જાન્યુઆરીમાં લગભગ 100 ટન જેટલો ઘટાડો થયો હતો અને ફેબ્રુઆરીમાં 65-66 ટન. માર્ચમાં પણ 20-22 ટનનો ઘટાડો નોંધાયો હતો. એપ્રિલમાં લગભગ 15 ટન જેટલી જ આયાત થઈ છે. આનું કારણ જોકે વધતા ભાવ સિવાય ગ્લોબલ સપ્લાય ચેઇનમાં આવેલો વિક્ષેપ પણ છે.

સંકટ સમયે સોનાનો ભાવ કેમ વધે છે?

યુદ્ધ અને સંકટના સમયે ગોલ્ડને ‘સેફ હેવન’ માનવામાં આવે છે. આવો સમય આવે ત્યારે લોકો વધુ સોનું ખરીદવા માટે દોડે છે. જેના કારણે ભાવ વધે. આયાત પણ વધે. ડોલર આઉટફ્લો વધે. આ પરિસ્થિતિમાં ભારતને બમણો માર પડે. ક્રૂડ ઓઇલની આયાત યુદ્ધના કારણે પહેલેથી મોંઘી થતી હોય અને સોનું પણ વધુ માત્રામાં આયાત કરવું પડે તો ફોરેક્સ રિઝર્વ પર અસર થાય.

રૂપિયા-ડોલરના વધઘટ થવાનું ગણિત એ છે કે બેમાંથી જેની માંગ વધે તેનો ભાવ વધે. જો ડોલરની માંગ વધી તો ભારતીય રૂપિયા પર દબાણ આવે. નબળા રૂપિયાના કારણે ક્રૂડ ઓઇલ વગેરે જરૂરિયાતની ચીજો આયાત કરવી મોંઘી પડે અને વધુ ડોલર ખર્ચવા પડે. જેથી અર્થવ્યવસ્થા પર સીધી અસર થાય. જેથી ગોલ્ડ જેવી ઓછી જરૂરિયાતની ચીજો પર થોડા સમય માટે કાપ મૂકવામાં આવે તો અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી શકાય.

અગાઉ આનાથી ખરાબ આર્થિક સ્થિતિ નિર્માણ પામી હતી

આવી સ્થિતિ અગાઉ પણ નિર્માણ પામી છે. 1991માં ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ એટલું તળિયે ગયું હતું કે સરકાર પાસે થોડાં અઠવાડિયાંની આયાતના જ ડોલર બચ્યા હતા. ત્યારપછી સરકારે વિદેશી બેંકો પાસેથી ગોલ્ડ પર ઇમરજન્સી લૉન લેવી પડી હતી. 1991ના આર્થિક સુધારા પણ પછી જ આવ્યા હતા. આપણે ત્યાં આ સુધારાની ચર્ચા થાય છે પણ કઈ પરિસ્થિતિમાં થયા હતા એ જણાવવામાં આવતું નથી.

આવું જ 2013માં પણ થયું હતું જ્યારે ફોરેક્સ રિઝર્વ પર અસર પડતાં ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દેવામાં આવી હતી અને સોનાની આયાત ઘટાડવા માટે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.

હમણાં સરકારે કોઈ નિયંત્રણો મૂક્યાં નથી. દેશમાં ક્યાંય સોનાની ખરીદી પર પ્રતિબંધ નથી. વડા પ્રધાને માત્ર દેશવાસીઓને અપીલ કરી છે, જેથી સંકટ સમયે અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછા નુકસાન સાથે દેશ બહાર નીકળી શકે. વડા પ્રધાન મોદી જ્યારે જાહેર મંચો પરથી અપીલ કરે છે, ખાસ કરીને આવા સંકટ સમયે અપીલ કરે છે ત્યારે અમુક અવળચંડાઓને બાદ કરીએ તો બાકીનો આખો દેશ તેમની સાથે એક કતારમાં ઊભો રહી જાય છે એવું ભૂતકાળમાં પણ બન્યું છે. આ જનસમર્થનના કારણે જ મોદી મોટા નિર્ણયો લઈ શક્યા છે. આ વખતે પણ પીએમની અપીલ કામ કરશે એમાં શંકા નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં