હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિદેવત્વના પુનર્જાગરણથી મંદિરની દૈવી ઊર્જાના સંચાર સુધી: શું હોય છે કુંભાભિષેક અને...

દેવત્વના પુનર્જાગરણથી મંદિરની દૈવી ઊર્જાના સંચાર સુધી: શું હોય છે કુંભાભિષેક અને શા માટે થાય છે આ વૈદિક વિધિ?

સોમનાથમાં યોજાયેલો આ કુંભાભિષેક એ યાદ અપાવે છે કે હિંદુ મંદિર પરંપરા માત્ર ઇતિહાસ કે શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ સતત જીવંત અને વિકસતી સંસ્કૃતિ છે. કદાચ એ જ કારણ છે કે સદીઓના સંઘર્ષ બાદ પણ સોમનાથ માત્ર અસ્તિત્વમાં જ નથી, પરંતુ નવી ઊર્જા અને નવા વૈભવ સાથે ફરી ફરી ઊભું થતું રહ્યું છે.

- Advertisement -

સોમનાથ માત્ર એક મંદિર નથી. તે ભારતની સંસ્કૃતિ, આસ્થા, આધ્યાત્મિકતા અને અવિરત પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. અનેક આક્રમણો, વિનાશ અને પુનર્નિર્માણોના સાક્ષી રહેલા આ જ્યોતિર્લિંગે સદીઓથી સનાતન સંસ્કૃતિની અડગતા દર્શાવી છે. પરંતુ ‘સોમનાથ અમૃતપર્વ-2026’ દરમિયાન જે ઘટના બની, તેને માત્ર એક ધાર્મિક વિધિ કહી શકાય તેમ નથી. પુનર્નિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત મંદિરના શિખર પર વૈદિક પરંપરા મુજબ કુંભાભિષેક કરવામાં આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલી આ વિધિએ સોમનાથના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવા અધ્યાયનો ઉમેરો કર્યો છે.

11 તીર્થસ્થળોમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી મંદિરના શિખર પર અભિષેક કરવામાં આવ્યો, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિશેષ કુંભને શિખર સુધી પહોંચાડવામાં આવ્યો અને માત્ર ત્રણ મિનિટમાં સમગ્ર મંદિર પર પવિત્ર જળનો અભિષેક થયો. પરંતુ આ કુંભાભિષેક શું છે? શા માટે કરવામાં આવે છે? અને શાસ્ત્રોમાં તેનું શું મહત્વ છે?

‘કુંભ’ અને ‘અભિષેક’ પાછળનો વૈદિક અર્થ

‘કુંભાભિષેક’ શબ્દ બે સંસ્કૃત શબ્દોથી બનેલો છે, ‘કુંભ’ અને ‘અભિષેક’. કુંભ એટલે જળથી ભરેલો પવિત્ર કળશ અને અભિષેક એટલે પવિત્ર સ્નાન અથવા દેવતા પર પવિત્ર જળ ચઢાવવાની વિધિ. વૈદિક પરંપરામાં કુંભને માત્ર એક પાત્ર માનવામાં આવતું નથી, પરંતુ તેને સૃષ્ટિ, જીવન, ઊર્જા અને દેવત્વનું પ્રતિક માનવામાં આવે છે.

- Advertisement -

વૈદિક પરંપરામાં જળને શુદ્ધિકરણ અને જીવનશક્તિનું મુખ્ય તત્વ કહેવામાં આવ્યું છે. ઋગ્વેદમાં જળને ‘અમૃત’ સમાન ગણાવવામાં આવ્યું છે અને અનેક યજ્ઞ તથા વૈદિક વિધિઓમાં કળશની સ્થાપનાને દેવશક્તિના આહ્વાન સાથે જોડવામાં આવી છે. આગમ શાસ્ત્રો, ખાસ કરીને શૈવ આગમોમાં મંદિરના શિખર પર પવિત્ર જળ દ્વારા દેવશક્તિના પુનઃસ્થાપનની પરંપરાનું વિશેષ વર્ણન મળે છે.

કુંભાભિષેક માત્ર વિધિ નહીં, મંદિર અને દેવત્વની ‘જીવંતતા’નું પુનર્જાગરણ

દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોમાં કુંભાભિષેકને અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક પ્રક્રિયા માનવામાં આવે છે. માન્યતા છે કે મંદિર માત્ર પથ્થર અને શિલ્પોથી બનેલું માળખું નથી, પરંતુ તેમાં દેવત્વની પ્રાણશક્તિ સ્થાપિત હોય છે. સમય જતાં આ આધ્યાત્મિક ઊર્જાના પુનર્જાગરણ માટે વિશેષ વૈદિક વિધિઓ કરવામાં આવે છે, જેને કુંભાભિષેક કહેવામાં આવે છે. મંદિરમાં સ્થાપિત દૈવી ઊર્જાને વૈદિક વિધિઓ દ્વારા ફરી સક્રિય અને પવિત્ર કરવામાં આવે છે, જેના ભાગરૂપે મંદિરના શિખર અને ગર્ભગૃહ પર પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે. 

આ કારણસર દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં દર 10થી 12 વર્ષે કુંભાભિષેક યોજાય છે. મંદિરના જીર્ણોદ્ધાર, પુનર્નિર્માણ, વિસ્તરણ અથવા લાંબા સમય બાદ તેની આધ્યાત્મિક ઊર્જાને પુનઃપ્રતિષ્ઠિત કરવા માટે આ વિધિ કરવામાં આવે છે. આગમ પરંપરા અનુસાર વૈદિક મંત્રોચ્ચારથી કળશમાં સ્થાપિત દેવશક્તિને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ શિખર પરથી સમગ્ર મંદિર પર તે પવિત્ર જળનો અભિષેક થાય છે. તેને મંદિરની આધ્યાત્મિક ચેતનાના પુનર્જીવન સાથે જોડવામાં આવે છે.

સોમનાથ માટે આ વિધિ શા માટે ઐતિહાસિક છે?

સોમનાથ મંદિરના ઇતિહાસમાં આ વિધિનું મહત્વ માત્ર એટલા માટે નથી કે તે પ્રથમ વખત યોજાઈ, પરંતુ એટલા માટે પણ છે કે સોમનાથ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતિક રહ્યું છે. અનેક વખત તોડી પાડવામાં આવેલા આ મંદિરનું સ્વતંત્રતા બાદ પુનર્નિર્માણ થયું અને તેને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડવામાં આવ્યું. હવે પ્રથમ વખત મંદિરના શિખર પર કુંભાભિષેક થવાથી સોમનાથની પરંપરામાં એક નવો વૈદિક આયામ ઉમેરાયો છે.

વિધિ દરમિયાન 11 તીર્થસ્થળોના જળનો ઉપયોગ પણ પ્રતીકાત્મક રીતે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. હિંદુ પરંપરામાં વિવિધ તીર્થોના જળને આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતાના સંમિશ્રણ તરીકે જોવામાં આવે છે. એક રીતે જોઈએ તો આ અભિષેક માત્ર સોમનાથ મંદિરનો નહીં, પરંતુ સમગ્ર ભારતીય તીર્થ પરંપરાની સાંસ્કૃતિક એકતાનો પ્રતીક બની રહ્યો હતો.

પ્રાચીન પરંપરા અને આધુનિક ટેક્નોલોજીનો સંગમ

આ વિધિનું એક રસપ્રદ પાસું એ પણ હતું કે તેમાં પરંપરા સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. આશરે 8 ફૂટ ઊંચો અને 760 કિલો વજનનો વિશાળ કુંભ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં 1100 લિટર પવિત્ર જળ સંગ્રહિત કરવામાં આવ્યું. ક્રેનની મદદથી તેને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવ્યો અને બાદમાં સેન્સર-બેઝ્ડ મિકેનિઝમ દ્વારા માત્ર ત્રણ મિનિટમાં સમગ્ર અભિષેક પૂર્ણ કરવામાં આવ્યો.

આ દૃશ્ય માત્ર ધાર્મિક વિધિ નહોતું, પરંતુ હજારો વર્ષ જૂની વૈદિક પરંપરા અને આધુનિક ભારત વચ્ચેનો અનોખો સંગમ પણ હતું. એક તરફ વૈદિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતા તો બીજી તરફ આધુનિક તકનીક દ્વારા આ ભવ્ય વિધિનું સંચાલન થઈ રહ્યું હતું.

સોમનાથમાં યોજાયેલો આ કુંભાભિષેક એ યાદ અપાવે છે કે હિંદુ મંદિર પરંપરા માત્ર ઇતિહાસ કે શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ સતત જીવંત અને વિકસતી સંસ્કૃતિ છે. કદાચ એ જ કારણ છે કે સદીઓના સંઘર્ષ બાદ પણ સોમનાથ માત્ર અસ્તિત્વમાં જ નથી, પરંતુ નવી ઊર્જા અને નવા વૈભવ સાથે ફરી ફરી ઊભું થતું રહ્યું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં